Ahmedabad: અમદાવાદ સિવિલમાં 248મું અંગદાન, બાપુનગરના બ્રેઈનડેડ આધેડના અંગદાનથી 3 દર્દીઓને નવજીવન મળશે

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 18 Jul 2026 06:20 PM (IST)Updated: Sat, 18 Jul 2026 06:20 PM (IST)
ahmedabad-news-248th-organ-donation-at-ahmedabad-civil-hospital-3-lives-saved-by-bapunagar-man-organs

Ahmedabad Civil Organ Donation: અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે વધુ એક સફળ અંગદાન થતાં હોસ્પિટલમાં કુલ અંગદાનનો આંકડો 248 પર પહોંચ્યો છે. અમદાવાદના બાપુનગર વિસ્તારના 53 વર્ષીય વિરેન્દ્રભાઈ સોનેરામ ગોહડીયાના અંગદાનથી એક લીવર તથા બે કિડની સહિત કુલ ત્રણ અંગો પ્રાપ્ત થયા છે. આ અંગદાન થકી હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને નવું જીવન મળશે.

આ અંગે વિગતો આપતા સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું કે, વિરેન્દ્રભાઈ ગોહડીયાને હાઈ બ્લડપ્રેશરના કારણે ગત 13 જુલાઈના રોજ બ્રેન સ્ટ્રોકઆવતા તેમને સિંગરવા સરકારી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. જે બાદ તેમને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

સિવિલ હોસ્પિટલના ICUમાં તબીબો દ્વારા ત્રણ દિવસ સુધી સારવાર આપવામાં આવી હતી. તમામ પ્રયત્નો છતાં તારીખ 16 જુલાઈના રોજ તબીબો દ્વારા તેમને ‘બ્રેઈનડેડ’ જાહેર કરવામાં આવ્યા હતા.

વિરેન્દ્રભાઈ બ્રેઈનડેડ જાહેર થતાં જ સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમના ડૉ. અભિષેક બારોટે તેમના પરિવારજનોને કાઉન્સેલિંગ કરી બ્રેઈનડેડ અવસ્થા અને અંગદાનના મહત્વ અંગે વિગતવાર સમજ આપી હતી. આ અતિ દુઃખદ અને કઠિન ક્ષણોમાં પણ વિરેન્દ્રભાઈના પત્ની અનિતાબેને અદ્ભુત હિંમત બતાવી હતી. તેમણે પોતાના પતિના અંગદાન માટે સંમતિ આપી હતી.

પરિવારની સંમતિ બાદ મેળવવામાં આવેલા એક લીવર અને બંને કિડનીનું પ્રત્યારોપણ સિવિલ મેડિસિટી કેમ્પસ સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝિસ એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે સારવાર મેળવી રહેલા જરૂરિયાતમંદ દર્દીઓમાં કરવામાં આવશે.

 અત્યાર સુધીમાં 1066 અંગો અને પેશીઓનું દાન મેળવીને માનવતા મહેકાવી

ડૉ. રાકેશ જોષીએ વધુમાં ઉમેર્યું હતું કે, અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલ ખાતે 248 અંગદાતાઓ પાસેથી કુલ 821 અંગોનું દાન પ્રાપ્ત થયું છે. આ ઉપરાંત 198 ચક્ષુ અને 47 ચામડી સહિત કુલ 245 પેશીઓનું દાન મળતાં, આજદિન સુધીમાં કુલ 1066 અંગો અને પેશીઓનું દાન મળ્યું છે.

ડૉ. રાકેશ જોષીએ અંગદાતાના પરિવારનો આભાર માનતા જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમ 'અંગદાન મહાદાન' અભિયાનમાં 24×7 મહાયજ્ઞમાં સતત કાર્યરત છે. દેશમાં અંગોની પ્રતીક્ષામાં એક પણ દર્દીનું મૃત્યુ ન થાય અને કોઈ જીવિત વ્યક્તિને પોતાના સ્વજનને અંગદાન કરવાની ફરજ ન પડે તે માટે કેડેવર ઓર્ગન ડોનેશન અંગે જનજાગૃતિ વધારવા અને વધુમાં વધુ અંગદાન થાય તે માટે અમારી ટીમ સતત કાર્યરત છે.