Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારની હદમાં આવેલ ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગની ઘટનામાં 8 જેટલા કારીગરો જીવતા હોમાઈ ગયા છે, ત્યારે આ અગ્નિકાંડમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.
લાયસન્સ રદ્દ કરવા છતાં ખેતરમાં શેડ બનાવી ફટાકડા બનાવવામાં આવતા હતા
આ અંગે વિગતો આપતાં ઘટના સ્થળે પહોંચેલા સેક્ટર 2 JCP જયપાલસિંહ રાઠોડે જણાવ્યું કે, રામોલ-ગતરાડ રોડ પર RAF કેમ્પની પાછળ આવેલા ખુલ્લા ખેતરમાં શેડ બનાવીને ફટાકડાની ફેક્ટરી ધમધમતી હતી. આ ફટાકડાની ફેક્ટરીનો માલિક મેહુલ ડોડિયા નામનો વ્યક્તિ છે.
Ahmedabad: વસ્ત્રાલમાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ, 8 કારીગરો જીવતા ભુંજાયા; 10થી વધુની હાલત ગંભીર
અગાઉ મહેલુ ડોડિયાની ફટાકડાની ફેક્ટરીનું લાયસન્સ રદ્દ કરી દેવામાં આવ્યું હતુ. આમ છતાં તેણે ખેતરમાં શેડ બનાવીને ફટાકડા બનાવવાનું ચાલુ રાખ્યું હતુ. આજે આગની ઘટનામાં અત્યાર સુધીમાં 8 જેટલા કારીગરોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. તેમજ 10થી વધુ ગંભીર રીતે દાઝેલા લોકોને એલ.જી અને સિવિલ સહિતનો હોસ્પિટલો સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.
આ સમગ્ર મામલે રામોલ પોલીસ દ્વારા ફેક્ટરીના માલિક મેહુલ ડોડિયા વિરુદ્ધ એક્સપ્લોઝિવ એક્ટ અને સાપરાધ મનુષ્યવધની અલગ-અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
વિસ્ફોટનો અવાજ 5 કિમી દૂર સુધી સંભળાયો, દૂર-દૂર સુધી ધૂમાડાના ગોટા ઉડ્યા
આજે બપોરના સમયે મહેમુદપુરા ટેલેન્ટ પાસે ફટાકડાની ફેક્ટરીમાં 15 જેટલા કારીગરો કામ કરી રહ્યા હતા, ત્યારે અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. ફટાકડાની ફેકટરી હોવાથી આગે જોત-જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતુ. આ સમયે ધડાકાના અવાજ 5 કિમી દૂર સુધી સંભળાતા આસપાસના લોકોમાં ફફડાટ ફેલાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે, 5 કિમી દૂરથી આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા ઉડતા જોઈ શકાતા હતા.
