Ahmedabad: શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં આજે બપોરના સમયે ભીષણ આગની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ફેક્ટરીમાં કામ કરી રહેલા 9 લોકો બળીને ભડથું થઈ ગયા હતા. આ સિવાય અન્ય શ્રમિકોને ગંભીર હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે શહેરની અલગ-અલગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
3 બાળકો સહિત કુલ 9ના મોત, 5 શ્રમિકો હાલ સારવાર હેઠળ
આ અગ્નિકાંડમાં દાઝેલા 9 લોકોને મણીનગરમાં એલ.જી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ 4ને મૃત જાહેર કર્યાં હતા. જ્યારે અન્ય 4 શ્રમિકોએ સારવાર દરમિયાન દમ તોડ્યો હતો.
આ ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં પણ 5 લોકોને ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી 1ને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે અન્ય 4 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. આમ આ ઘટનામાં કુલ 9 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 5 શ્રમિકો હાલ સારવાર હેઠળ છે. બીજી તરફ પોલીસે ફેક્ટરીના માલિક મેહુલ ડોડિયા સહિત 3 લોકોની અટકાયત કરી છે.
ટેલેન્ટ ફટાકડા ફેક્ટરીમાં આગને પગલે ફાયર બ્રિગેડની ટીમ દોડતી થઈ
આ અંગે પ્રાપ્ત પ્રાથમિક વિગતો પ્રમાણે, આજે બપોરના સમયે શહેરના વસ્ત્રાલ વિસ્તારની હદમાં આવેલ રામોલ-ગતરાડ રોડ પરની મહેમુદપુરા ટેલેન્ટ ફટાકડા ફેક્ટરીમાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી. ફટાકડાની ફેક્ટરી હોવાના કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતુ અને જોતજોતામાં આખી ફેક્ટરીને બાનમાં લઈ લીધી હતી. આગ એટલી વિકરાળ હતી કે, આકાશમાં દૂરથી જ કાળા ધુમાડાના ગોટેગોટા ઉડતા જોઈ શકાતા હતા
બીજી તરફ આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અત્યારે ચીફ ફાયર ઓફિસર સહિત 5 જેટલી ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.
PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, મૃતકોના પરિવારને સહાય જાહેર કરી
આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ મૂકીને અગ્નિકાંડ પર દુઃખ વ્યક્ત કરીને ભોગ બનનારા માટે સહાય જાહેર કરી છે.પોતાની પોસ્ટમાં વડાપ્રધાને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવંદના વ્યક્ત કરવા સાથે ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરી છે. આ સાથે જ પ્રધાનમંત્રી રાહત કોષમાંથી મૃતકોના પરિવારજનોને રૂ. 2 લાખની તેમજ દરેક ઘાયલને 50 હજારની સહાય આપવાની જાહેરાત કરી છે.
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત નિધિ (PMNRF)માંથી મૃતકોના દરેક નજીકના વારસદારને રૂ. 2 લાખની અનુગ્રહ સહાય (એક્સ-ગ્રેશિયા) આપવામાં આવશે. જ્યારે દરેક ઘાયલને રૂ. 50,000ની સહાય આપવામાં આવશે: પ્રધાનમંત્રી
રાજ્ય સરકાર તરફથી મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખની સહાય જાહેર
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરતા પીડિતોના પરિવારજનો પ્રત્યે પોતાની સંવેદના જાહેર કરી છે. આ સાથે જ મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખ તેમજ ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય જાહેર કરવામાં આવી છે.
પ્રાથમિક તપાસમાં મેહુલ ડોડિયા નામનો વ્યક્તિ ફટાકડાની ફેક્ટરી ચલાવતો હોવાનું સામે આવ્યું છે. અચાનક બ્લાસ્ટ સાથે આગ ભભૂકી ઉઠતા અવાજ સાંભળીને વસ્ત્રાલ RAF કેમ્પમાં ફરજ બજાવતા જવાનો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.
આ ઘટનામાં ફેક્ટરીમાં કામ કરી રહેલા 8 જેટલા કારીગરો જીવતા ભૂંજાઈ ગયા છે. આ સાથે જ 10 જેટલા કારીગરો ગંભીર રીતે દાઝી ગયા હોવાથી તેમને સારવાર અર્થે મણીનગરની એલ.જી હોસ્પિટલ અને અસારવા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
બીજી તરફ આ ઘટનાની જાણ થતાં અમદાવાદ મેયર અને મ્યુનિસિપલ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ ઘટનામાં ફેક્ટરી માલિક સામે સાઅપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
