Ahmedabad: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા દિવગંતો અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા,પૂર્વ પ્રદેશ અધ્યક્ષ તેમજ પુર્વ મુખ્યમંત્રી સ્વ.વિજય રૂપાણીને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવા પ્રાર્થનાસભા કાર્યક્રમ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે યોજવામાં આવ્યો હતો. પ્રાર્થનાસભા કાર્યક્રમમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી વી.સતિષજી, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રિય જળશક્તિમંત્રી સી.આર.પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા સહિત ગુજરાત અને રાષ્ટ્રીય નેતા તેમજ કાર્યકર્તાઓ શ્રદ્ધા સુમન પાઠવવા ઉપસ્થિત રહ્યા હતા.
પ્રાર્થનાસભામાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ શ્રદ્ધા સુમન અર્પણ કરતા જણાવ્યું કે, આપણે કલ્પના પણ નહતી કરી કે આપણા જીવનમા આવી સ્થિતિ આવશે કે આપણે સ્વ.વિજયભાઇને શ્રદ્ધાસુમન પાઠવવા પડશે. આ વિમાન અકસ્માતની દુર્ઘટના એવી ઘટના છે જે અવિશ્વનીય છે. મનને સમજાવવુ કે, સ્વ.વિજયભાઇ હવે આપણી વચ્ચે નથી તે હજુ પણ અઘરુ છે.
સ્વ.વિજયભાઇ ભાજપના વરિષ્ઠ નેતા જ નહી પરંતુ તે ભારતીય જનતા પાર્ટી અને ભાજપના વિચારઘારાને જીવવા વાળા વ્યક્તિ હતા. સ્વ.વિજયભાઇએ ક્યારેય પદને મહત્વ નથી આપ્યુ તેમણે હમેંશા જવાબદારી પર મહત્વ આપ્યું છે. જે જવાબદારી તેમને મળી તેને સ્વ.વિજયભાઇએ ખૂબ સારી રીતે નિભાવી.
સ્વ.વિજયભાઇએ ક્યારેય એમ નથી જોયુ કે જવાબદારી નાની છે મોટી છે, તેમનુ કાર્યકર્તા પણુ હમેંશા જીવિત રહ્યુ. સ્વ.વિજયભાઇનું લક્ષ્ય હંમેશા હું નહી પણ તમે રહ્યુ બીજા માટે શું કરી શકુ તે લક્ષ્ય હતું. સ્વ.વિજયભાઇની વિદાય અકલ્પનિય અને અવિશ્વસનિય છે.
આ કાર્યક્રમમાં સતિષે શ્રદ્ધા સુમન પાઠવતા જણાવ્યું કે, આપણા માથી કોઇએ કલ્પના નહતી કરી કે આપણી વચ્ચે રહેતા આપણા કાર્યકર્તાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો સમય આવશે.સ્વ.વિજયભાઇ રૂપાણી જમીની સ્તર સાથે જોડાયેલા મહેનતુ કાર્યકર્તા હતા. તેમણે બદલાતી ભૂમિકામા હમેંશા કાર્યકર્તાપણુ જીવીત રાખ્યુ છે. સંગઠનના નિર્ણયને દરેક પરિસ્થિતિમાં આવકાર્યો છે જે જાહેર જીવન માટે ઘણી અઘરી વાત છે. સ્વ.વિજયભાઇને સાચા અર્થમા શ્રદ્ધાંજલિ અર્પણ કરવી હોય તો આપણને તેઓ જે શીખવાડી ગયા તે રસ્તા પર ચાલવુ પડે. સ્વ.વિજયભાઇ રૂપાણીના અવસાનનું દુખ આપણને સૌને છે.
પ્રાર્થનાસભામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શ્રદ્ધા સુમન અર્પણ કરતા જણાવ્યું કે, 12મી જૂન 2025ના દિવસે અમદાવાદથી લંડન જતા વિમાનના અકસ્માતે દેશ અને દુનિયાને સ્તબ્ધ કરી દીધું છે.વિમાન અકસ્માતમાં રહેણાંક વિસ્તારમા રહેતા નિર્દોષ લોકો પણ અકાળે મૃત્યુ પામ્યા છે.વિમાન અકસ્માતમાં ઘણા પરિવારે તેમના સ્વજનો ગુમાવ્યા છે. આપણે આપણા સ્વ.વિજય રૂપાણી ગુમાવ્યા છે. સ્વ.વિજયભાઇ રૂપાણી સહિત સૌ દિવગંત આત્માઓને ઇશ્વર શાંતિ અર્પે તેવી પ્રાર્થના સ્વ.વિજયભાઇ રૂપાણીની ગેરહાજરીએ ગુજરાત પ્રદેશ ભાજપ માટે કદી ન પુરાય તેવી ખોટ છે.
સ્વ.વિજયભાઇના વ્યક્તિત્વને એક જ શબ્દોમા કહીએ તો સંગઠન સમાજ અને સરકારના પ્રતિનિધી એટલે સ્વ.વિજયભાઇ. સ્વ.વિજયભાઇએ ચરેવીતી ચરેવિતી ના મંત્ર સાથે સોંપેલી દરેક જવાબદારી નિષ્ઠા પુર્વક નિભાવી.સ્વ.વિજયભાઇએ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ તરીકેના કાર્યકાળમાં પક્ષને નવી દિશા આપવાનુ કામ કર્યુ. સ્વ.વિજયભાઇએ રાજકારણ અને સામાજીક ક્ષેત્રના દરેક તબક્કે લોકસેવાને પ્રાધાન્ય આપ્યુ છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજયના અવિરત વિકાસમા તેમનુ મહત્વપુર્ણ યોગદાન ગુજરાત ભાજપ હમેંશા યાદ રાખશે તેમની ચિરવિદાયથી ગુજરાતના રાજકીય અને સામાજીક જીવનમાં પુરી ન શકાય તેવી ખોટ પડી છે. સ્વ.વિજયભાઇના શોકમગ્ન પરિવારજનોને તથા દુર્ઘટનામાં જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે તે દરેક પરિવારજનોને દુખ સહન કરવાની ઇશ્વર શક્તિ આપે તેવી પ્રાર્થના.
આ કાર્યક્રમમાં કેન્દ્રિય જળશક્તિ મંત્રી તેમજ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સાંત્વના પાઠવતા જણાવ્યું કે, અકલ્પનિય અકસ્માતમાં જે ગોઝારી ઘટના બની છે વિમાન અકસ્માતની જાણ થતા કોઇએ કહ્યુ કે કદાચ સ્વ.વિજય રૂપાણી પણ આ વિમાનમા સવાર છે તેવી જાણ થઇ હતી અને કદાચ શબ્દ ખોટો પડે તે આત્મવિશ્વાસ સાથે કોઇ કહે, પરંતુ હોનીને કોઇ ટાળી શકતુ નથી. જે બનાવ બન્યો ત્યારે સ્વ.વિજયભાઇ પણ આ જ વિમાનમા છે તેની જાણ થતા હ્રદયના ધબકારા બંધ થઇ જાય તેવા આચકો લાગ્યો.
ગુજરાત ભાજપમાં વિવિધ પદની જવાબદારી સંભાળી છે અને દરેક ભૂમિકામાં લોકો સાથે સંપર્ક વધાર્યા અને તેમની ક્ષમતા સાબિત કરી તેના કારણે તેમની અંતિમ યાત્રામાં રાજકોટ સહિત ગુજરાતના લોકો પ્રાર્થનસભામાં જોડાયા છે, તે બતાવે છે કે સ્વ.વિજયભાઇએ સૌને પ્રેમ આપ્યો અને મેળવ્યો છે.
આજે સ્વ.વિજયભાઇના પરિવાર આપણી સાથે છે અને આપણે સૌ તેમના પરિવારના સભ્યો છીએ. આપણી સૌ ઉપર દુખ આવ્યુ છે અને આ દુખ સહન કરવાની તાકાત આપણને ઇશ્વર આપે તેવી પ્રાર્થના કરીએ. તેમને જે રીતે જનસેવાકીય કાર્યો કર્યા છે તે જ પથ પર આપણે પણ સેવાકીય કાર્ય કરીએ તો ખરા અર્થમા સ્વશ્રી વિજયભાઇ રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી કહેવાશે. ભાજપને ક્યારેય પુરી નહી શકાય તેવી ખોટ પડી છે.
