Crime News: મધ્ય પ્રદેશના વિદિશા જિલ્લાના ચાંદબર ગામમાં દંપતીએ સજોડે ઝેરી ટીકડા ખાઈ લીધા હતા. જે પૈકી પતિનું દર્દનાક મોત નીપજ્યું છે, જ્યારે પત્નીને ગંભીર હાલતમાં ગુનાની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. પૈસા માટે સસરા પરેશાન કરતાં હોવાથી બન્નેએ અંતિમ પગલું ભરવાનો નિર્ણય લીધો હોવાનું પત્નીનું રટણ છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, અશોકનગર જિલ્લાના બડકાગામમાં રહેતી ઉમાબાઈના લગ્ન ગત 11 જુલાઈના રોજ ચાંદબર ગામના રાજકુમાર સાથે થયા હતા. લગ્નના થોડા સમય બાદ ઘુંટણમાં પાણી ભરાવાની સમસ્યા થતા રાજકુમાર પથારીવશ થઈ ગયો હતો. આ સમયે ઉમાબાઈ પોતાના સસરા પાસેથી પૈસા લઈને પતિની સારવાર કરાવી રહી હતી. જેને લઈને ઘરમાં અવારનવાર કકળાટ થતો હતો.
ગઈકાલે સાંજે પણ 4 વાગ્યાની આસપાસ સસરાએ દવાઓનો હિસાબ માંગીને ઝઘડો કર્યો હતો. આ સમયે રાજકુમારે ડૉક્ટરની સારવારનો હિસાબ આપ્યો, પરંતુ દવાઓનો હિસાબ નહતો આપ્યો. જેથી સસરા ઉશ્કેરાઈ ગયા હતા અને કહેવા લાગ્યા હતા કે, આટલા પૈસા ક્યાંથી આપું? જાતે કમાઈને સારવાર કરાવ. આટલું જ નહીં, સસરાએ રાજકુમારને ચપ્પલથી ફટકાર્યો અને કહ્યું કે, ઘરેથી નીકળી જા અથવા ઝેર ખાઈને મરી જા. આ સમયે નણંદ બચાવવા માટે વચ્ચે પડી, તો તેને પણ સસરાએ થપ્પડ મારી દીધી હતી.
ઉમાબાઈએ વધુમાં જણાવ્યું કે, રાતે સાડા 8 વાગ્યાની આસપાસ પતિ રાજકુમારે ઝેરી ટીકડા ખાઈ લીધા અને મને આપીને કહ્યું, તું પણ ખાઈ લે, કારણ કે મારા સિવાય તારું કોણ છે. મારા પિતા તને પણ ગાળો ભાંડે છે અને દહેજ માંગે છે. આથી મેં પણ ટીકડા ખાઈ લીધા હતા.
મારા પતિએ ઝેર પીધું હોવાનું જાણવા છતાં સસરા સારવાર કરાવવાની જગ્યાએ કહેવા લાગ્યા, નાટક બંધ કર. જે બાદ નણંદ, સાસુ અને જેઠ હોસ્પિટલ લઈ ગયા. જ્યાં રાજકુમારનું મોત નીપજ્યું હતુ. હાલ તો ગુના પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને પરિવારજનોના નિવેદન નોંધવા સહિત આગળની તપાસ હાથ ધરી છે.
