Ahmedabad Traffic News: અમદાવાદ શહેરમાં દિન-પ્રતિદિન વકરતી ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા વધુ સુગમ બને અને નાગરિકોને અવરજવર દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે તે હેતુસર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કાલુપુર ફ્રૂટ માર્કેટ વિસ્તારમાં આજે સવારે દબાણ દૂર કરવાની સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી.
રસ્તા પરના દબાણો પર તવાઈ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એસ્ટેટ, એન્ક્રોચમેન્ટ અને સંબંધિત વિભાગોની ટીમ દ્વારા માર્ગ અને જાહેર જગ્યાઓ ઉપર થયેલા અનધિકૃત દબાણોને દૂર કરવામાં આવ્યા હતા. ફ્રૂટ માર્કેટમાં વહેલી સવારના સમયે ખૂબ મોટી સંખ્યામાં ભીડ અને ટ્રાફિક જામની સમસ્યા રહેતી હોય છે, આ વધતા ટ્રાફિક દબાણને ધ્યાનમાં રાખીને જ તંત્ર દ્વારા આ ખાસ કામગીરી કરવામાં આવી હતી.
જપ્ત કરાયેલા માલસામાનની વિગત
દબાણ હટાવવાની આ ઝુંબેશ દરમિયાન અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા રસ્તા પર અડચણરૂપ માલસામાન પણ જપ્ત કરવામાં આવ્યો હતો. જેમાં 22 નંગ કેળા અને ટેટી ભરેલા પ્લાસ્ટિકના કેરેટ, 50 નંગ પ્લાસ્ટિકના ખાલી કેરેટ અને પ્લાસ્ટિકની ખુરશીનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: AMC કમિશ્નરે આપ્યો કડક નિર્દેશ! બિસ્માર ઈમારતોમાં જાનહાનિ થાય તો અધિકારીઓ વિરુદ્ધ ગુનો નોંધાશે
આગામી સમયમાં પણ ઝુંબેશ યથાવત
આ કડક કામગીરીના પરિણામે કાલુપુર માર્કેટ વિસ્તારમાં માર્ગ વ્યવસ્થા વધુ સુગમ બનશે તેમજ સ્થાનિક વેપારીઓ અને ત્યાંથી પસાર થતા નાગરિકોને અવરજવર માટે મોટી રાહત મળશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે શહેરના વિવિધ વિસ્તારોમાં આવનારા સમયમાં પણ ટ્રાફિક અને જાહેર સુવિધાને ધ્યાનમાં રાખીને આવી દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે.
