Ahmedabad Water Supply Cut: અમદાવાદમાં શહેર માટે ખૂબ અગત્યના સમાચાર આવ્યા છે. આગામી 10 દિવસ માટે પાણી પુરવઠાનો કાપ મૂકવામાં આવ્યો છે, સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા નર્મદા કેનાલના સમારકામને કારણે શહેરમાં વિવિધ વિસ્તારોમાં લોકોને અસર પહોંચશે. ત્યારે તેને ધ્યાને લેતા AMC દ્વારા લોકોને પાણીનો સંગ્રહ કરી રાખવા અને સહયોગ આપવા માટે અપીલ કરવામાં આવી છે.
10 દિવસનો પાણી કાપ મૂકાયો
શહેરમાં સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા નર્મદા મુખ્ય નહેરમાં પ્રી મોન્સુન કામગીરી અંતર્ગત કેનાલ લાઈનિંગમાં નુકસાનના રીપેરિંગ અને મરામતની કામગીરી હાથ ધરાઈ છે. જેને પગલે કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા શહેરમાં અંદાજિત 1100 MLD શુદ્ધ પાણી શહેરના મધ્ય ઝોન, પશ્ચિમ ઝોન, પૂર્વ ઝોન, ઉત્તર ઝોન અને દક્ષિણ ઝોનના આશરે 170 જેટલા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનો સુધી પહોંચાડવામાં આવે છે. કેનાલમાં સમારકામને લીધે કોતરપુર વોટર વર્ક્સ સુધી પહોંચાડવામાં આવતા પાણીના જથ્થામાં ઘટાડો નોંધાશે.
વિવિધ વિસ્તારોમાં અસર પહોંચશે
લોકોને અસુવિધા ન પહોંચે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી છે. પાણીનો પુરવઠો ઘટી જતા શહેરના વિવિઝ ઝોનના વિસ્તારોમાં 11 થી 15 ટકા જેટલું પાણી ઓછું પાણી પહોંચે તેવી શક્યતા વર્તાઈ રહી છે. લોકોને પાણીના કાપને લીધે હાલાકી ભોગવવી ન પડે માટે કોતરપુર વોટર વર્ક્સ ખાતે સ્ટેન્ડ બાય પમ્પ દ્વારા વધુ પાણી ખેંચવાનો પ્રયાસ હાથ ધરાશે.
શહેરનાં કયા ઝોન અસરગ્રસ્ત થશે?
- મધ્ય ઝોન: જમાલપુર, શાહપુર, અસારવા, દરિયાપુર, શાહીબાગ, ખાડિયા
- પશ્ચિમ ઝોન: નવા વાડજ, સાબરમતી, નારણપુરા, રાણીપ, નવરંગપુરા, વાસણા,મોટેરા, સ્ટેડિયમ વોર્ડ, પાલડી, ચાંદખેડા
- ઉત્તર ઝોન: બાપુનગર, ઇન્ડિયા કોલોની, ઠક્કરબાપાનગર, સૈજપુર બોઘા, સરસપુર, કુબેરનગર, નરોડા, સરદારનગર
- પૂર્વ ઝોન : વસ્ત્રાલ, ભાઈપુરા-હાટકેશ્વર, અમરાઈવાડી, ઓઢવ, વિરાટનગર, રામોલ-હાથીજણ,નિકોલ, ગોમતીપુર
- દક્ષિણ ઝોન : ખોખરા, દાણીલીમડા, ઇસનપુર, લાંભા, બહેરામપુરા, મણિનગર, વટવા, ઇન્દ્રપુરી
AMC દ્વારા પરિસ્થિતિ પર નજર
શહેરના નાગરિકોને પાણી પુરવઠાની મુશ્કેલીનો ઓછો અનુભવ થાય માટે મનપા દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, મનપાએ લોકોને અપીલ કરી છે કે, તેઓ ખૂબ જ સાવધાનીપૂર્વક પાણીનો ઉપયોગ કરવો અને સંગ્રહ કરવો ઉપરાંત, જરુર પૂરતું પાણી વાપરવુ અને પાણીનો શક્ય એટલો ઓછો બગાડ કરવાની સલાહ આપી છે.
