અમદાવાદમાં પાણી કાપ; 18 ઓગસ્ટે પશ્ચિમ ઝોનમાં પાણી નહીં આવે, જાણો વિસ્તારોનું લિસ્ટ

અમદાવાદના પશ્ચિમ ઝોનમાં સાબરમતી ખાતે વેસ્ટર્ન ટ્રંક લાઈનમાં લીકેજ થતાં 18 ઓગસ્ટે સાંજે પાણી પુરવઠો બંધ રહેશે. સાબરમતી, નારણપુરા, પાલડી, વાસણા સહિતના વિસ્તારોની વિગતવાર માહિતી અહીં વાંચો.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Tue, 18 Aug 2026 06:00 AM (IST)Updated: Tue, 18 Aug 2026 06:00 AM (IST)
ahmedabad-water-cut-west-zone-supply-affected-aug-1819

AMC Water Supply Update: અમદાવાદના પશ્ચિમ ઝોનના કેટલાક વિસ્તારોમાં પાણીની મુખ્ય લાઈનમાં થયેલા ભંગાણના સમારકામ માટે કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી 18 અને 19 ઓગસ્ટે પાણી પુરવઠા પર અસર પડશે.

ક્યાં અને કેમ સર્જાઈ સમસ્યા?

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ઈજનેર વોટર પ્રોજેક્ટ વિભાગના જણાવ્યા અનુસાર, કોતરપુર વોટર વર્ક્સથી પશ્ચિમ ઝોનને પાણી પુરવઠો પૂરો પાડતી 1600 મીમી વ્યાસની વેસ્ટર્ન ટ્રંક મેઈન લાઈનમાં સાબરમતી ખાતે જે.પી.ની ચાલી પાસે મોટું લીકેજ થયું છે. આ લીકેજના તાત્કાલિક રિપેરિંગ માટે 18 ઓગસ્ટ, 2026ના રોજ શટડાઉન લઈને સમારકામ હાથ ધરાશે.

કયા-કયા વિસ્તારોમાં પાણી પુરવઠો ખોરવાશે?

આ સમારકામની કામગીરીને કારણે પશ્ચિમ ઝોનના નીચે મુજબના વોર્ડ અને વિસ્તારોને અસર થશે-

  • સાબરમતી
  • નવા વાડજ
  • નારણપુરા
  • સ્ટેડિયમ વોર્ડ
  • નવરંગપુરા
  • પાલડી
  • વાસણા

પાણી કાપનું ટાઈમટેબલ

18 ઓગસ્ટ (સાંજ): કોતરપુર વેસ્ટર્ન ટ્રંક મેઈન આધારિત વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનોમાંથી સાંજનો પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે.

19 ઓગસ્ટ (સવાર અને સાંજ): સવાર અને સાંજનો પાણી પુરવઠો બંધ નહીં રહે, પરંતુ પાણીના ઉપલબ્ધ જથ્થા મુજબ ઓછા દબાણથી કે મર્યાદિત પ્રમાણમાં આપવામાં આવશે.

AMCની નાગરિકોને ખાસ અપીલ

પશ્ચિમ ઝોનના રહેવાસીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે અગાઉથી જરૂરિયાત મુજબ પાણીનો સંગ્રહ કરી રાખવા અને રિપેરિંગ કામગીરી દરમિયાન તંત્રને સહકાર આપવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિનંતી કરવામાં આવી છે.