Ahmedabad Water Cut: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત જાસપુર સ્થિત 400 MLD વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે વીજપુરવઠો પૂરો પાડતી કંપની દ્વારા જાસપુર 66 KV સબસ્ટેશનમાં 10 ઓગસ્ટ, 2026ના રોજ પ્રી-મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત મેઇન્ટેનન્સ કામગીરી હાથ ધરવામાં આવશે.
આ રિપેરિંગ અને મેઇન્ટેનન્સ કામગીરીના કારણે 10 ઓગસ્ટે સવારે 8:00 વાગ્યાથી બપોરે 4:00 વાગ્યા સુધી (આશરે 8 કલાક) જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે.
કયા-કયા વિસ્તારોમાં પાણી પુરવઠો પ્રભાવિત થશે?
પ્લાન્ટ બંધ રહેવાના પરિણામે 11 ઓગસ્ટ, 2026ના રોજ શહેરના નીચે મુજબના વિસ્તારોમાં નિયમિત પાણી પુરવઠામાં અસર પડશે અને ઉપલબ્ધ જથ્થા મુજબ જ ઓછું અથવા ધીમા પ્રેશરથી પાણી પૂરું પાડવામાં આવશે.
- ઉત્તર-પશ્ચિમ ઝોન (North-West Zone)
- દક્ષિણ-પશ્ચિમ ઝોન (South-West Zone)
- પશ્ચિમ ઝોન (West Zone) – જેમાં ખાસ કરીને રાણીપ અને નવા વાડજ વોર્ડના વિસ્તારોનો સમાવેશ થાય છે.
AMCની નાગરિકોને અપીલ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર ઓપરેશન વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોના નાગરિકોને વિનંતી કરવામાં આવી છે કે, 11 ઓગસ્ટે દૈનિક જરૂરિયાત મુજબ અગાઉથી જ પાણીનો પૂરતો સંગ્રહ કરી લેવો અને તે દિવસે પાણીનો વિવેકપૂર્ણ તથા કરકસરપૂર્વક ઉપયોગ કરવો, જેથી દૈનિક કાર્યોમાં કોઈ મુશ્કેલી ન પડે.
12 ઓગસ્ટથી પાણી પુરવઠો પુનઃ યથાવત થશે
કોર્પોરેશનના જણાવ્યા મુજબ, 10 ઓગસ્ટે મેઇન્ટેનન્સનું કામ પૂર્ણ થયા બાદ જાસપુર પ્લાન્ટ પુનઃ કાર્યરત કરી દેવાશે અને 12 ઓગસ્ટથી સમગ્ર શહેરમાં રાબેતા મુજબ તથા પૂરતા પ્રેશરથી નિયમિત પાણી પુરવઠો શરૂ કરી દેવામાં આવશે.
