Ahmedabad News: અમદાવાદ શહેરમાં ઘણા જર્જરિત મકાનો આવેલા છે. જેનું ડિમોલિશન કરવું અનિવાર્ય છે. જેમાં ઘણીવાર ડિમોલિશન સમયે લોકોને ઈજાઓ પહોંચતી હોય છે. જેને પગલે AMCની રિવ્યુ બેઠકમાં ખૂબ જ કડક સૂચના આપવામાં આવી હતી. આગામી સમયમાં વરસાદી માહોલને પગલે પ્રિ મોન્સુન કામગીરીની AMC કમિશ્નરે સમીક્ષા કરી હતી. ઉપરાંત અલગ અલગ મુદ્દે કડક દિશા નિર્દેશ આપ્યા હતા.
જાનહાનિ સર્જાશે તો અધિકારી સામે પગલા લેવાશે
કામગીરીની સમીક્ષા દરમિયાન કમિશ્નરે અધિકારીઓને ચેતવણી આપતા જણાવ્યું કે, જર્જર અને ખરાબ હાલતમાં રહેલા મકાનોમાં દુર્ઘટના સર્જાય, જેમાં કોઈ જાનહાનિ થાય તો સંબંધિત અધિકારીઓ જવાબદાર રહેશે, ઉપરાંત તેમની પર ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવશે.તેમજ શહેરમાં વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે સ્ટોર્મ વોટર લાઈનનું કામકાજ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી કડક તાકીદ કરાઇ હતી.
રિવ્યુ બેઠકમાં કમિશ્નરે આપી કડક સૂચના
રિવ્યુ બેઠકમાં કમિશ્નરના જણાવ્યા મુજબ, શહેરમાં કરોડો રુપિયાના ખર્ચે લાઈનો બનાવાય છે. જેમાં ગેરકાયદેસર જોડાણોને લીધે પાણીનો નિકાલ શક્ય બનતો નથી. તેમજ પાણીનો ભરાવો થવાની સમસ્યા ઉભી થાય છે. જેથી બેઠકમાં વરસાદી પાણીની લાઈનોમાં ગેરકાયદેસર ડ્રેનેજને દૂર કરવા અંગે અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. બેઠકની અંદર કમિશ્નરે જર્જરિત કવાર્ટર્સનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેમાં કોર્પોરેશન દ્વારા ભાડા સહાયની જાહેરાત અને વૈકલ્પિક ભાડા વ્યવસ્થા કરાઈ હોવાં લોકો સ્થળાંતર કરવા માટે તૈયાર નથી.
અધિકારીઓ કાર્યવાહી કરે તે અંગે આદેશ
વટવા વિસ્તારમાં ખોદકામ દરમિયાન દુર્ઘટના બની હતી. તેને ધ્યાને લેતા કમિશ્નરે ખોદકામ સાઈટથી 100 મીટર પહેલા સૂચના બોર્ડ અને યોગ્ય બેરિકેડિંગ મૂકવાનો નિર્દેશ આપ્યો હતો. મૌની હોટલ નજીકના સર્વિસ રોડ પાસે વોટર લોગિંગની સમસ્યાનો યોગ્ય નિકાલ કરવા માટે કામગીરી કરવાની સૂચના આપવામાં આવી હતી. અધિકારીઓ ખૂબ જ સક્રિય બનીને આ કાર્યવાહી કરે તે માટે જરુરી દિશા નિર્દેશ આપવામાં આવ્યા હતા.
