Ahmedabad Traffic News: અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા ખૂબ જ જટિલ બની રહી છે .તેના ઉકેલ માટે અમદાવાદ મનપા અને ટ્રાફિક પોલીસે મોટા પાયે ઝુંબેશ હાથ ધરી છે. નારોલ સર્કલ બાદ હવે બાપુનગર ચાર રસ્તાને પણ સિગ્નલ ફ્રી બનાવી દેવામાં આવ્યા છે. વાહનચાલકોએ હવે ચાર રસ્તા પર ઊભા રહેવાને બદલે 100થી 200 મીટર આગળ જઈને યુ ટર્ન લેવાનો રહેશે..
28 જંકશનને સિગ્નલ ફ્રી બનાવાયા
અમદાવાદ ટ્રાફિક ડીસીપી (ઈસ્ટ) નરેશ કણાઝરિયાના જણાવ્યા પ્રમાણે, શહેરમાં અત્યાર સુધીમાં કુલ 28 ટ્રાફિકથી વ્યસ્ત જંકશનો પર કેપસ્યુલ સિસ્ટમ અમલી બનાવી દેવામાં આવી છે. આગામી ત્રણ મહિનાની અંદર શહેરના અન્ય વધુ 20 મુખ્ય જંકશનો પર આ કેપ્સ્યુલ ડિઝાઈન સિસ્ટમ લાગૂ કરવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.
આ 20 મુખ્ય જંક્શનો પર લાગુ થશે કેપ્સ્યુલ સિસ્ટમ
- એસ.જી. હાઈવે અને પશ્ચિમ ઝોન: વૈષ્ણોદેવી, ગોતા, સોલા ભાગવત, પકવાન, પ્રહલાદનગર, અંધજન મંડળ
- મધ્ય અને ઉત્તર ઝોન: દિલ્હી દરવાજા, ચોખા બજાર, ઇન્કમટેક્સ બ્રિજની નીચે
- પૂર્વ અને દક્ષિણ ઝોન: રુબીથી નરોડા, નોબલનગર, નરોડા બેઠક, ઠક્કરનગર, રબારી કોલોની, સુતરનું કારખાનું (નરોડા GIDC), ગુજરાત બોટલિંગ, અજિત મિલ ચાર રસ્તા, નાગરવેલ હનુમાન, જશોદાનગર અને મહારાણા પ્રતાપ જંક્શન (ખોખરા)
કેપ્સ્યુલ ડિઝાઇનથી વાહનચાલકોને રાહત
શહેરમાં કેપ્સ્યુલ સિસ્ટમના કારણે વાહનોની અવરજવર સતત ચાલુ રહે છે અને સિગ્નલ પરનો વેઈટિંગ ટાઈમ ઘટે છે, પરંતુ તેનાથી રોડ ઓળંગતા રાહદારીઓ માટે નવી મુશ્કેલી ઊભી થઈ છે. દાખલા તરીકે, પેલેડિયમ મોલ જંક્શન પાસે વાહનોની સતત સ્પીડને કારણે પેડેસ્ટ્રિયન્સ માટે રસ્તો વાસવો કે રોડ ક્રોસ કરવો અત્યંત જોખમી સાબિત થઈ રહ્યો છે, જેથી આ મોડેલમાં રાહદારીઓ માટે ક્રોસિંગ સેફ્ટી વિચારવી પણ જરૂરી બની છે.
