અમદાવાદવાસીઓ માટે ખુશખબર: ગેરતપુર ફાટક પર રુ. 103 કરોડના ખર્ચે બનશે ફોરલેન ઓવરબ્રિજ

વડોદરા-અમદાવાદ રેલવે લાઈન પર ગેરતપુર ફાટક ખાતે ₹103 કરોડના ખર્ચે ફોરલેન ઓવરબ્રિજ બનશે. ૫ વર્ષથી અટકેલા પ્રોજેક્ટને મંજૂરી મળતાં દૈનિક 2.34 લાખ લોકોને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 17 Oct 2026 07:42 AM (IST)Updated: Sat, 17 Oct 2026 07:42 AM (IST)
ahmedabad-geratpur-railway-overbridge-project-approved-103-crore

Ahmedabad News: વડોદરા-અમદાવાદ રેલ્વે લાઇન પર ગેરતપુર નજીક આવેલા લેવલ ક્રોસિંગ પર વર્ષોથી સર્જાતી ટ્રાફિકની ગંભીર સમસ્યામાંથી વાહનચાલકોને કાયમી મુક્તિ મળવા જઈ રહી છે. છેલ્લા 5 વર્ષથી વધુ સમયથી ખર્ચની વહેંચણીના વિવાદમાં અટવાઈ રહેલા ફોરલેન રેલ્વે ઓવરબ્રિજના પ્રોજેક્ટને લીલીઝંડી મળી ગઈ છે.

સર્વે અનુસાર, આ ફાટક પરથી દૈનિક આશરે 2.34 લાખ લોકો પસાર થાય છે. ટ્રેનોની સતત અવરજવરના કારણે વારંવાર ફાટક બંધ રહેતા રોજના હજારો વાહનચાલકો કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાયેલા રહેતા હતા. હવે ઓવરબ્રિજ બનવાથી મુસાફરોની દરરોજ સરેરાશ 20 મિનિટનો સમય બચશે.

સમય અને ઇંધણની થશે મોટી બચત

બ્રિજની અંદાજિત ખર્ચ રુ.103 કરોડથી વધુ નક્કી કરવામાં આવ્યો છે, આ ફોરલેન ઓવરબ્રિજ તૈયાર થવાથી ગેરતપુર બારેજડી રોડ, ઔડા અને મનપાના 45 મીટર ટીપી રોડ અને પૂર્વ અમદાવાદ તરફ અવરજવર કરતા લાખો લોકોનો સમય અને ઇંધણની મોટી બચત થશે. ભવિષ્યમાં કાલુપુર રેલ્વે સ્ટેશનના પુનર્વિકાસ બાદ ટ્રેનોની સંખ્યા વધશે ત્યારે પણ આ ફોર-લેન બ્રિજ ટ્રાફિક નિયંત્રણ માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.

રાજ્ય સરકાર અને રેલવે ખર્ચ આપશે

આ 4-લેન ઓવરબ્રિજનું નિર્માણ પશ્ચિમ રેલવેનું ‘ગતિશક્તિ યુનિટ’ સિંગલ એન્ટિટી તરીકે સીધું હાથ ધરશે. અંડરપાસ બનાવવાના કિસ્સામાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાતી હોવાથી વહીવટીતંત્ર દ્વારા ઓવરબ્રિજ બનાવવાનો જ આખરી નિર્ણય લેવાયો છે. આ પ્રોજેક્ટના કુલ ખર્ચમાંથી 25% રકમ પશ્ચિમ રેલવે ભોગવશે. જ્યારે બાકીનો 75% ખર્ચ રાજ્ય સરકારની ‘ક્રોસિંગ ફ્રી સિટી’ યોજના અંતર્ગત GUDA અને AUDA મારફતે પૂરો પાડવામાં આવશે.