Ahmedabad: અમદાવાદના રહીશોને મળશે હવે સારા રોડ, દર 3 મહિને થશે રોડ અને ટ્રાફિક સિગ્નલનું ઇન્સ્પેક્શન, પરિપત્ર જાહેર

આ પરિપત્ર મુજબ, હવેથી દર ત્રણ મહિને શહેરના તમામ રસ્તાઓ અને ટ્રાફિક સિગ્નલોનું વિસ્તૃત નિરીક્ષણ કરવામાં આવશે, જેથી લોકોને સારા અને ટકાઉ રસ્તાઓ મળી રહે.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Thu 04 Sep 2025 09:31 AM (IST)Updated: Thu 04 Sep 2025 09:31 AM (IST)
ahmedabad-municipal-commissioner-issues-circular-for-better-roads-597028
HIGHLIGHTS
  • આ ઇન્સ્પેક્શન દરમિયાન રસ્તાની સપાટી, સેન્ટ્રલ વર્જ, અને રાહદારીઓ માટેની ફૂટપાથનું પણ મૂલ્યાંકન કરવામાં આવશે.
  • આ ઉપરાંત, ખોદકામ બાદ 24 કલાકની અંદર રિપેરિંગ કરવામાં આવ્યું છે કે નહીં તેની પણ ચકાસણી કરવામાં આવશે.

Ahmedabad Road Development: ચોમાસામાં તૂટી જતા અને ખાડા પડી જતા રસ્તાઓની ફરિયાદોને ધ્યાનમાં રાખીને, મ્યુનિસિપલ કમિશનરે એક મહત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડ્યો છે. આ પરિપત્ર મુજબ, હવેથી દર ત્રણ મહિને શહેરના તમામ રસ્તાઓ અને ટ્રાફિક સિગ્નલોનું વિસ્તૃત નિરીક્ષણ કરવામાં આવશે, જેથી લોકોને સારા અને ટકાઉ રસ્તાઓ મળી રહે. આ નિર્ણયથી વાહનચાલકોની સુરક્ષા પણ વધશે.

આ પરિપત્રમાં કમિશનરે સ્પષ્ટતા કરી છે કે લાંબા ગાળા માટે રસ્તાઓની ગુણવત્તા જાળવી રાખવા અને વાહનચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે નિયમિત મેન્ટેનન્સ અત્યંત જરૂરી છે. આ ઇન્સ્પેક્શન દરમિયાન રસ્તાની સપાટી, સેન્ટ્રલ વર્જ, અને રાહદારીઓ માટેની ફૂટપાથનું પણ મૂલ્યાંકન કરવામાં આવશે. આ ઉપરાંત, ખોદકામ બાદ 24 કલાકની અંદર રિપેરિંગ કરવામાં આવ્યું છે કે નહીં તેની પણ ચકાસણી કરવામાં આવશે. આ નિયમિત મેન્ટેનન્સમાં નાના ખાડા, તિરાડો, ફૂટપાથનું રિપેરિંગ, પેઇન્ટિંગ, રોડ માર્કિંગ અને સ્ટ્રીટ ફર્નિચરની જાળવણીનો સમાવેશ થાય છે. આ કામો ઝડપથી પૂરા થવાથી રસ્તાની આવરદા વધશે.

પરિપત્રમાં નીચેની બાબતો પર ખાસ ધ્યાન આપવાની સૂચના આપવામાં આવી છે:

રોડ સરફેસનું મેઈન્ટેનન્સ: રસ્તાની સપાટી પરના ખાડા અને તિરાડોનું સમારકામ.

સેન્ટ્રલ વર્જ અને ફૂટપાથનું મેઈન્ટેનન્સ: રસ્તાની વચ્ચેનો સેન્ટ્રલ વર્જ અને ફૂટપાથની યોગ્ય જાળવણી.

પાણી અને ડ્રેનેજ સિસ્ટમ: પાણીના યોગ્ય નિકાલ માટેની વ્યવસ્થા.

ટ્રાફિક સિગ્નલ અને સાઈનબોર્ડ: ટ્રાફિક સિગ્નલ પોલ, કેટ આઈ અને સાઈનબોર્ડનું નિયમિત નિરીક્ષણ.

રોડ ફર્નિચર અને વૃક્ષો: રસ્તા પરના છોડ, ઝાડ અને અન્ય સ્ટ્રીટ ફર્નિચરની જાળવણી.