Ahmedabad Motera Village Demolition: અમદાવાદના મોટેરા જુના ગામમાં આસારામ આશ્રમ પાસે આવેલા 36 જેટલા મકાનોના ગેરકાયદેસર ભાગને તોડી પાડવા માટે આજે 6 જૂન, શનિવારના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે, ચાંદખેડા પોલીસના કાફલા સાથે પહોંચેલી AMC ટીમને સ્થાનિકોના રોષ અને ઉગ્ર વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.
ડિમોલિશન કાર્યવાહી સામે સ્થાનિકોનો વિરોધ
આજે સવારે અમદાવાદની ચાંદખેડા પોલીસ અને અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ મોટેરા જુના ગામમાં પહોંચતા જ સ્થાનિક રહીશો પોતાના મકાનના દસ્તાવેજો લઈને રસ્તા પર ઉતરી આવ્યા અને કામગીરીને રોકવાનો પ્રયાસ કર્યો હતો. અધિકારીઓએ માઇકમાં એનાઉન્સમેન્ટ કરીને લોકોને 30 મિનિટમાં મકાન ખાલી કરી દેવા સૂચના આપી હતી, જેનાથી લોકો વધુ વિફર્યા હતા.
'અહીંયા જ મરી જઈશ, મકાન નહીં તોડવા દઉં'
અગાઉ અમદાવાદ મહાનગરપાલિકાએ મકાન માલિકોને ભાડું અને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની વાત કરી હોવા છતાં મકાનો ખાલી કરવામાં આવ્યા ન હતા. ડિમોલિશનની આ કાર્યવાહીથી ભયભીત થયેલી એક સ્થાનિક યુવતીએ રડતાં-રડતાં કહ્યું કે, "અહીંયા જ મરી જઈશ પણ મારું મકાન તોડવા નહીં દઉં."
ગ્રામજનોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી
આ તંગદિલી વચ્ચે એક યુવકે આત્મવિલોપન કરવાની ઉગ્ર ચીમકી ઉચ્ચારતા કહ્યું કે, "હું આત્મવિલોપન કરીશ, જેની જવાબદારી તમામ અધિકારીઓની રહેશે." જોકે, પોલીસે તાત્કાલિક આ યુવકની અટકાયત કરી હતી, જેના પગલે અન્ય ગ્રામજનોએ પણ આત્મવિલોપનની ચીમકી આપી હતી. ડિમોલિશન રોકવા માટે ગ્રામજનો રસ્તા પર બેસીને પ્રદર્શન કરી રહ્યા છે.
સ્થાનિકોની વ્યથા: 'સ્કૂલો ચાલુ થશે, અમે ક્યાં જઈશું?'
સ્થાનિક રહેવાસીઓએ તંત્રની આ કાર્યવાહી પર સવાલ ઉઠાવતા જણાવ્યું કે, "અમારું મકાન વર્ષો જૂનું છે. 50 વારનું મકાન તો કાયદેસર છે, આગળનો જે ગેરકાયદેસર ભાગ છે તે અમે જાતે તોડવા તૈયાર છીએ. અમને મકાનના બદલામાં 7-8 હજાર રૂપિયા ભાડાની ઓફર અને ઔડાનું મકાન ફાળવવાનું કહેવાયું છે. પરંતુ આટલા ઓછા ભાડામાં ક્યાંય મકાન મળતું નથી. ચોમાસુ આવી રહ્યું છે અને બાળકોની સ્કૂલ ચાલુ થઈ રહી છે, તો અમે ક્યાં જઈશું?"
આ પણ વાંચો: Ahmedabad: વટવાથી સાબરમતી સુધીનો રેલવે ટ્રેક પર 'ગ્રીન કોરિડોર', 100 દિવસમાં વાવશે 50 લાખ વૃક્ષો
ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને JCB કાર્યવાહી
આ સમગ્ર કાર્યવાહી અંગે માહિતી આપતા ACP વાણી દુધાતે જણાવ્યું કે, આ જમીન અમદાવાદ મહાનગરપાલિકાની છે અને તેના પર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યા હોવાથી તેને દૂર કરવામાં આવી રહ્યા છે. ડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 150 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
આ ઉપરાંત, લોકોનો સામાન ખસેડવા માટે ટ્રકો તેમજ સુરક્ષા અને સાવચેતીના ભાગરૂપે ફાયર ફાઈટર અને એમ્બ્યુલન્સ પણ સ્થળ પર સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. ઘર ખાલી કરવા માટે આપવામાં આવેલ 30 મિનિટનો સમય પૂર્ણ થતા JCB મશીનથી ગેરકાયદે બાંધકામ તોડવાની કાર્યવાહી ચાલી રહી છે.
