Surat: નાસીરનગર ડિમોલિશનને 22 દિવસ વીત્યા, હવે હાઈકોર્ટ પર આશ; વરસાદમાં તાડપત્રી નીચે આશરો લેવા મજબૂર લોકો

આજે સવારે વરસાદ થતા ખુલ્લામાં રહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 22 Jun 2026 03:26 PM (IST)Updated: Mon, 22 Jun 2026 03:26 PM (IST)
surat-nasirnagar-demolition-victims-struggle-in-rain-gujarathigh-court
Surat Nasir Nagar Demolition: સુરતના નાસીરનગરમાં થયેલી ડિમોલિશન કાર્યવાહી છેલ્લા કેટલાક સમયથી સતત ચર્ચામાં છે. આ ડિમોલિશનની કાર્યવાહીને આજે 22 દિવસ જેટલો સમય વીતી ચૂક્યો છે, અને તેના કારણે ઘરવિહોણા થયેલા લોકોની હાલત અત્યંત કફોડી બની ગઈ છે. હાલ વરસાદી માહોલ થતા અહીના લોકો માનવતાના ધોરણે મદદ કરવા અપીલ કરી રહ્યા છે.

વરસાદમાં તાડપત્રીના સહારે જીવતા લોકો
 
હાલ ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે નાસીર નગરના ગરીબ અને લાચાર લોકો પ્લાસ્ટિકની તાડપત્રી નીચે આકરા વરસાદમાં આશ્રય લેવા મજબૂર બન્યા છે. વરસાદ વરસતા જ છેલ્લા 22 દિવસથી ખુલ્લા આકાશ નીચે જીવન પસાર કરી રહેલા આ અસરગ્રસ્તોની મુશ્કેલીઓ બેવડાઈ ગઈ છે. આ કપરી પરિસ્થિતિમાં અહીના લોકો માટે માનવતાના ધોરણે મદદ કરવા માટે અપીલ કરવામાં આવી છે.
naidunia_image

22 દિવસ બાદ મનપા કમિશનરનો સ્વીકાર
 
આ મુદ્દે સરફરાજભાઈ ઘાસવાલાએ જણાવ્યું હતું કે, 22 દિવસ બાદ સુરત મ્યુનિસિપલ કમિશનરે સ્વીકાર્યું છે કે આ ડિમોલિશન સુરત મહાનગરપાલિકા દ્વારા જ કરવામાં આવ્યું છે. ડીમાર્કેશન અને લાઈનદોરીના અમલના ભાગરૂપે આ ડિમોલીશન કરવામાં આવ્યું હોવાની વાતને સ્વીકારતા તંત્રને 22 દિવસ લાગી ગયા છે. રાત્રે પડેલા વરસાદમાં આ પરિવારોની હાલત અત્યંત દયનીય જોવા મળી હતી.
naidunia_image

હવે ગુજરાત હાઈકોર્ટમાં ન્યાય મળવાની આશા

સરફરાજભાઈએ તંત્ર પર નિશાન સાધતા કહ્યું કે, અહીના લોકો માટે માનવતાના ધોરણે કંઈક કરવું જોઈએ, પરંતુ 22 દિવસે તંત્ર દ્વારા માત્ર એક મોબાઈલ ટોયલેટ વાન ફાળવવામાં આવી છે. આપણે સ્વચ્છ ભારત, સમૃદ્ધ ભારત, મહિલા અને યુવાનો માટેની સરકારના બણગા સાંભળતા હોઈએ છીએ, પરંતુ જમીની હકીકત બધાની સામે જ છે.

હાલમાં નાસીર નગર ડિમોલિશનનો આ સમગ્ર કેસ ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે. હાઈકોર્ટમાં તમામ પુરાવા રજૂ થશે અને આ ગરીબોને ન્યાય મળશે તેવી સ્થાનિકોને સંપૂર્ણ ખાતરી છે.