Ahmedabad: વટવાથી સાબરમતી સુધીનો રેલવે ટ્રેક બનશે 'ગ્રીન કોરિડોર', AMC 100 દિવસમાં વાવશે 50 લાખ વૃક્ષો

મુખ્યમંત્રીના હસ્તે ચાંદખેડાથી મેગા વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 06 Jun 2026 09:11 AM (IST)Updated: Sat, 06 Jun 2026 09:11 AM (IST)
ahmedabad-vatva-sabarmati-railway-green-corridor-amc-tree-plantation-target

Vatva to Sabarmati Green Corridor: વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અમદાવાદમાં પર્યાવરણના સંરક્ષણ અને શહેરને વધુ હરિયાળું બનાવવા માટે બે મોટા પ્રોજેક્ટ્સની શરૂઆત કરવામાં આવી છે. એક તરફ અમદાવાદ રેલવે મંડળે ટ્રેકની આસપાસ વૃક્ષારોપણની કવાયત હાથ ધરી છે. તો બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ એક મોટો લક્ષ્યાંક નક્કી કર્યો છે.

વટવાથી સાબરમતી સુધી 'ગ્રીન કોરિડોર' યોજના

અમદાવાદ રેલવે મંડળ દ્વારા વટવા રેલવે સ્ટેશનથી સાબરમતી રેલવે સ્ટેશન વચ્ચેના સૌથી વ્યસ્ત રેલ માર્ગને 'ગ્રીન કોરિડોર' તરીકે વિકસાવવાની ભવ્ય યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ વટવાથી સાબરમતી સુધીના રેલવે ટ્રેકની બંને બાજુએ 1200 થી વધુ વૃક્ષો ઉગાડવામાં આવશે. અમદાવાદના DRM વેદ પ્રકાશ દ્વારા શહેરમાં 100 વૃક્ષો વાવીને આ મહત્વપૂર્ણ અભિયાનની ઔપચારિક શરૂઆત કરાવવામાં આવી છે.

રેલવે કર્મચારીઓ પોતાની અનુકૂળતા મુજબ ટ્રેકની બંને બાજુએ લીમડો, ગુલમહોર, આસોપાલવ (અશોક) અને એરિકા પામ જેવા છોડ લગાવશે. આ વૃક્ષો સંપૂર્ણ વિકસિત થયા બાદ અહીંથી પસાર થતી ટ્રેનોના મુસાફરોને એક સુંદર 'ગ્રીન બેલ્ટ' નો રોમાંચક અનુભવ થશે.

મેગા લક્ષ્યાંક: 100 દિવસમાં 50 લાખ વૃક્ષો વવાશે

બીજી તરફ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પણ પર્યાવરણની જાળવણી માટે કમર કસી આગામી 100 દિવસમાં શહેરમાં 50 લાખ વૃક્ષો વાવવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીના હસ્તે ચાંદખેડા વિસ્તારમાં વૃક્ષારોપણ કરીને આ મેગા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે શહેરમાં રોજના અંદાજે 50 હજાર ખાડા ખોદીને વૃક્ષો વાવવા પડશે.

35 લાખ વૃક્ષ દત્તક લીધા, PPP મોડલથી જાળવણી

આ અભિયાનમાં વિવિધ ખાનગી કંપનીઓ અને સંસ્થાઓ પણ જોડાઈ છે. અત્યાર સુધીમાં 35 લાખથી વધારે વૃક્ષો વિવિધ સંસ્થાઓ દ્વારા દત્તક લેવામાં આવ્યા છે, જેનો આગામી 3 થી 10 વર્ષ સુધી ઉછેર કરવાની જવાબદારી પણ તેમના દ્વારા લેવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડલ અને CSR ફંડિંગ હેઠળ આ મહત્તમ વૃક્ષારોપણનો લક્ષ્યાંક પૂરો કરવામાં આવશે. આ માટે કેટલીક સંસ્થાઓ સાથે MoU પણ કરવામાં આવ્યા છે.

છેલ્લા 7 વર્ષમાં અમદાવાદમાં 1.46 કરોડ વૃક્ષો વવાયા

અમદાવાદમાં છેલ્લા સાત વર્ષના વૃક્ષારોપણના આંકડા પર નજર કરીએ તો, વર્ષ 2019-20 થી 2025-26 સુધીમાં કુલ 1.46 કરોડ (146.70 લાખ) વૃક્ષો વાવવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ 2025-26 ના વર્ષમાં 41.16 લાખ વૃક્ષોનું વાવેતર થયું છે.