Ahmedabad Maninagar Railway Crossing: ફાટકમુક્ત અભિયાન અંતર્ગત રેલવે પ્રશાસન અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના પૂર્વ વિસ્તારના અત્યંત વ્યસ્ત અને ટ્રાફિકથી ધમધમતા મણિનગર દક્ષિણી રેલ્વે ક્રોસિંગ પાસે નવો ઓવરબ્રિજ બનાવવા માટે હલચલ શરૂ થઈ છે. આ બ્રિજ બનવાથી પૂર્વ વિસ્તારના હજારો વાહનચાલકોને ટ્રાફિકની કાયમી સમસ્યામાંથી મુક્તિ મળશે.
રૂ. 100 કરોડના ખર્ચે બનશે 850 મીટરનો બ્રિજ
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મણિનગર દક્ષિણી રેલ્વે ફાટક પર ઓવરબ્રિજ બનાવવા માટે રેલવે વિભાગ દ્વારા એક એજન્સી પાસે તેની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંદાજિત રૂ. 100 કરોડના ખર્ચે સાકાર થશે, જેમાં નિયમ અનુસાર ઓવરબ્રિજના નિર્માણનો 50 ટકા ખર્ચ રેલવે વિભાગ અને 50 ટકા ખર્ચ અમદાવાદ મહાનગરપાલિકા (AMC) ભોગવશે.
આ પ્રસ્તાવિત મણિનગર રેલવે ઓવરબ્રિજ અંદાજિત 850 મીટરથી વધુ લાંબો બનશે. આ ઓવરબ્રિજનો એક છેડો મણિનગર તરફ આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિર પાસે ઉતરશે અને બીજો છેડો ખોખરા ઇલાજ ક્રોસિંગ તરફ ઉતરશે.
રોડ સાંકડો હોવાથી 260 મિલકત કપાતમાં જશે
આ ઓવરબ્રિજના નિર્માણમાં તંત્ર માટે સૌથી મોટો પડકાર રોડની પહોળાઈનો છે. મણિનગર તરફ હાલમાં માત્ર 20 ફૂટનો રોડ ઉપલબ્ધ છે, જ્યારે ખોખરા ઇલાજ ક્રોસિંગ તરફ માત્ર 10 ફૂટનો જ રોડ હોવાના કારણે મોટા પાયે મિલકતો કપાતમાં જઈ રહી છે. પ્રારંભિક સર્વે અનુસાર કુલ 260 જેટલી મિલકત કપાતમાં આવી રહી છે. કેટલાક રહેણાંક ફ્લેટના આખેઆખા બ્લોક અથવા તો તેનો મોટો ભાગ કપાતમાં જઈ રહ્યો છે.
વળતર અંગે આગામી સપ્તાહે લેવાઈ શકે નિર્ણય
આવી સ્થિતિમાં જો આખો ફ્લેટ તોડવો પડે, તો અસરગ્રસ્ત પરિવારોને કેવી રીતે વૈકલ્પિક આવાસ અથવા રોકડ વળતર ચૂકવવું તે અમદાવાદ મહાનગરપાલિકા માટે મોટો પ્રશ્ન છે. આ ઉપરાંત અન્ય કોમર્શિયલ અને જમીનના અસરગ્રસ્તોને ચૂકવાતી રકમની નીતિ નક્કી કરવા અને બ્રિજની ડિઝાઇનની મંજૂરી માટે આગામી સપ્તાહે રેલવે અને કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે એક મહત્વપૂર્ણ સંયુક્ત બેઠક યોજાશે. આ બેઠકમાં સત્તાવાર રીતે વિસ્તૃત ચર્ચા કરીને આખરી આયોજન નક્કી કરવામાં આવશે.
