Ahmedabad Development: અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટની સુંદરતામાં વધુ એક મોરપિચ્છ ઉમેરાવા જઈ રહ્યું છે. અમદાવાદ મનપાના રોડ પ્રોજેક્ટ વિભાગ દ્વારા નવા વાડજથી એલિસબ્રિજ સુધી રિવરફ્રન્ટને જોડતાં કુલ 6 મુખ્ય એપ્રોચ રોડને એકસમાન થીમ આધારિત ડેવલપ અને સુશોભિત કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત 6 જંકસનના કુલ 1.,30 કિમીના રસ્તાઓના નવો અને સુંદર લૂક તૈયાર થશે, જેથી મુલાકાતીઓ રિવરફ્રન્ટના કોઈપણ પ્રવેશ પરથી એન્ટ્રી લે. તેમને એકસરખો અને આર્ષક લુક મળશે,
1 વર્ષમાં પ્રોજેક્ટ પૂરો કરવાનો લક્ષ્યાંક
રોડ પ્રોજેક્ટ વિભાગના ઇજનેર મૌલિક વ્યાસના જણાવ્યા પ્રમાણે, હાલમાં વલ્લભસદન પાસેના રિવરફ્રન્ટ એપ્રોચ રોડની કામગીરી અંતિમ તબક્કામાં છે અને એલિસબ્રિજ તરફના હિસ્સામાં કામગીરી શરુ કરી દેવાઈ છે. આગામી એક વર્ષની સમયમર્યાદામાં તમામ 6 રોડનું નવીનીકરણ અને સુશોભન પૂર્ણ કરી દેવામાં આવશે.
કયા 6 એપ્રોચ રોડનો થશે વિકાસ?
AMC દ્વારા 6 મુખ્ય જંક્શન અને રસ્તાઓને થીમ આધારિત તૈયાર કરવામાં આવશે જેમાં:
- નવા વાડજ એપ્રોચ રોડ
- ઉસ્માનપુરા ગાર્ડન રોડ
- બાટા જંક્શન રોડ
- વલ્લભસદન એપ્રોચ રોડ
- એલિસબ્રિજ એપ્રોચ રોડ
- ઉસ્માનપુરા એપ્રોચ રોડનો વિકાસ કરવામાં આવશે.
નવા ડેવલપમેન્ટની મુખ્ય વિશેષતાઓ
મનપાના નવા પ્રોજેક્ટ અંતર્ગત રાહદારીઓને ચાલવામાં અડચણ ન પડે અને વાહનચાલકો ફૂટપાથ પર વાહનો પાર્ક ન કરે તે માટે ખાસ નાના બીમ (બોલાર્ડ્સ/બેરીકેડ્સ) બનાવવામાં આવશે અને રસ્તાઓની જૂની અને વાંકી-ચૂંકી ડિઝાઈન બદલીને તમામ ફૂટપાથની એલાઈનમેન્ટ એકસરખી કરાશે, તેમજ જરૂરિયાત મુજબ વધુ પડતી પહોળી અને જૂની ફૂટપાથ હટાવવામાં આવશે. ઉપરાંત રસ્તાની આસપાસ જ્યાં પણ વધારાની જગ્યા ઉપલબ્ધ હશે ત્યાં નાના ગાર્ડન વિકસાવવામાં આવશે અને ફૂટપાથની બંને તરફ નાના વૃક્ષો વાવીને હરિયાળી વધારવામાં આવશે.
