Ahmedabad News: અમદાવાદ શહેરના મણિનગર અને આસપાસના રહેવાસીઓ માટે વર્ષોથી માથાનો દુખાવો બનેલા 'દક્ષિણી રેલવે ક્રોસિંગ' સહિતના ત્રણ મુખ્ય ફાટકો પર હવે ઓવરબ્રિજ બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પશ્ચિમ રેલવે દ્વારા સંયુક્ત રીતે મણિનગર (ક્રોસિંગ 308), પુનિતનગર (ક્રોસિંગ 307) અને વિંઝોલ (ક્રોસિંગ 305) ખાતે ઓવરબ્રિજ બનાવવાનો નિર્ણય લેવાયો છે.
ટ્રાફિક જામની સમસ્યાનો આવશે અંત
દક્ષિણી ક્રોસિંગ પર ટ્રાફિકની સ્થિતિ અત્યંત ગંભીર હોય છે. આંકડા મુજબ, અહીંથી દરરોજ સરેરાશ 270 થી 280 ટ્રેન પસાર થાય છે, એટલે કે દર 6 થી 8 મિનિટે એક ટ્રેન પસાર થતી હોવાથી ફાટક વારંવાર બંધ રહે છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી ઘોડાસર, ઈસનપુર, વટવા અને મણિનગર વચ્ચેની કનેક્ટિવિટી 'સીમલેસ' બનશે અને વાહનચાલકોને કલાકોના જામમાંથી મુક્તિ મળશે.
પ્રોજેક્ટની મુખ્ય વિગતો
- અંદાજિત ખર્ચ: રૂપિયા 300 કરોડથી વધુ.
- ડિઝાઇન: ભવિષ્યના ટ્રાફિકને ધ્યાનમાં રાખીને 'ફોરલેન' ઓવરબ્રિજ બનાવવામાં આવશે.
- બાંધકામ પદ્ધતિ: રેલવે ટ્રેક ઉપરનો ભાગ રેલવે દ્વારા સ્ટીલ ગર્ડર ટેકનોલોજીથી અને એપ્રોચ રોડ AMC દ્વારા RCC વોલ ટેકનોલોજીથી બનાવાશે.
- સમયમર્યાદા: આ પ્રોજેક્ટ વર્ષ 2027ના અંત સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
કામગીરી દરમિયાન મુસાફરોને હાલાકી પડશે
બ્રિજની કામગીરી દરમિયાન નાગરિકોને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે:
- 1) ડાયવર્ઝન: નવા ઓવરબ્રિજ દ્વારા ઘોડાસર, ઈસનપુર, વટવા અને મણિનગર વચ્ચેનો અવરજવર સરળ અને ઝડપી બનશે. દક્ષિણી ક્રોસિંગ પર ટ્રાફિક જામની સૌથી વધુ સમસ્યા છે, જે આ કામગીરીથી લઘુતમ થશે. કામગીરી દરમિયાન ફાટક બંધ રહેશે, જેના કારણે વાહનચાલકોને 3થી 4 કિલોમીટરના ડાયવર્ઝનનો ઉપયોગ કરવો પડશે.
- 2) ટ્રાફિકનું ભારણ: એલ.જી. હોસ્પિટલ પાસેના બ્રિજ અને અન્ય વૈકલ્પિક માર્ગો પર વાહનોની સંખ્યા વધતા પિક-અવર્સમાં સમસ્યા સર્જાઈ શકે છે.
- 3) વેપાર અને પ્રદૂષણ: બેરિકેડિંગને કારણે સ્થાનિક વેપારીઓના ધંધા પર અસર પડશે અને ખોદકામને લીધે ધૂળ-ધ્વનિ પ્રદૂષણ વધવાની શક્યતા છે.
અમદાવાદમાં ફાટકમુક્ત અભિયાનની સ્થિતિ
અમદાવાદમાં કુલ 42 રેલવે ક્રોસિંગ આવેલા છે. તંત્રના જણાવ્યા અનુસાર:
- 17 ક્રોસિંગ પર ઓવરબ્રિજ કે અંડરપાસ તૈયાર થઈ ગયા છે.
- 09 ક્રોસિંગ પર હાલ કામગીરી પ્રગતિમાં છે.
- 05 ક્રોસિંગ માટે પ્લાનિંગ ચાલી રહ્યું છે.
- જોકે, 10 ક્રોસિંગ એવા છે જ્યાં ભૌગોલિક સ્થિતિને કારણે બ્રિજ કે અંડરપાસ બનાવી શકાય તેમ નથી.
નવા બ્રિજ બનવાથી ખાસ કરીને એમ્બ્યુલન્સ અને સ્કૂલ બસો જે કલાકો સુધી ફાટક પર ફસાઈ રહેતી હતી, તેમને મોટી રાહત મળશે. AMC દ્વારા હવે જમીન સંપાદન અને સર્વેની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી છે.
