Iscon-Sanand Elevated Corridor: અમદાવાદના સરખેજથી ગાંધીનગર સુધીના SG હાઈવેને સિગ્નલ-લેશ બનાવવાની અંતિમ કડી કહી શકાય તેવો ઇસ્કોન-સાણંદ એલિવેટેડ કોરિડોરનું નિર્માણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. હાલ મળતી વિગત અનુસાર, YMCA થી કર્ણાવતી જંક્શન સુધીનો રોડ એક મહિનામાં ખુલ્લો મૂકવામાં આવશે. આ ઇસ્કોન-સાણંદ એલિવેટેડ કોરિડોર પર ચડવા-ઉતરવા 6 રેમ્પ બનાવાશે.
ઇસ્કોન જંક્શનથી સાણંદ ચાર રસ્તા સુધી 4.1 કિમી લાંબો એલિવેટેડ કોરિડોર બનાવવામાં આવી રહ્યો છે. આ કોરિડોર માટે ત્રણ જંક્શન પર નાનકડા બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં કર્ણાવતી ક્લબ જંક્શન, પ્રહલાદનગર જંક્શન અને YMCA જંક્શન પર એલિવેટેડ કોરિડોર પર ચડવા અને ઉતારવા માટે બંને બાજુ મળીને કુલ છ નાનકડાં રેમ્પ બનાવાશે.
ગાંધીનગર તરફથી આવનારા વાહનચાલકો કર્ણાવતી જંક્શન, પ્રહલાદનગર જંક્શન અને YMCA જંક્શન પર ઊતરી શકશે. જોકે, આ ત્રણેય જંક્શન પરથી કોઈ પણ વાહનચાલક એલિવેટેડ કોરિડોર પર ચઢી નહીં શકે, તેમણે બ્રિજ નીચેથી જ જવું પડશે. જ્યારે સરખેજથી આવનારા વાહનચાલકો YMCA જંક્શન, પ્રહલાદનગર જંક્શન અને કર્ણાવતી જંક્શન પર ઉતરી શકશે નહીં.
આ પણ વાંચો: AMCના ફૂડ વિભાગે 42 ખાદ્ય નમૂના તપાસ અર્થે મોકલ્યા, 7 એકમો પાસેથી રૂ. 53 હજારનો દંડ વસૂલ્યો
આ ત્રણેય જંક્શન પરથી વાહનચાલકો એલિવેટેડ કોરિડોર પર માત્ર ચડી જ શકશે, ઉતરી નહીં શકે. જોકે, એલિવેટેડ કોરિડોર બની ગયા બાદ બ્રિજ નીચે ટ્રાફિક ઘટીને માત્ર 10 ટકા રહી જશે અને ટ્રાફિક જામ થશે નહીં. ગાંધીનગરથી સાણંદ જતા વાહન ચાલકોને ટ્રાફિક જામમાંથી મુક્તિ મળશે. કારણ કે આ રૂટ પર ચાલતા 80 ટકા વાહન ચાલકો પકવાનથી ચઢીને છેક સાણંદ ચોકડી જ ઊતરતા હોય છે.
આપને જણાવી દઈએ કે, SG હાઈવે પર પકવાન જંક્શનથી સાણંદ જંક્શન સુધી રોજ દોઢથી બે લાખ વાહનોની અવરજવર થતી હોય છે. તેમાં 80 ટકા વાહન ત્રણેય જંક્શન પરથી પસાર થાય છે. એલિવેટેડ કોરિડોર બની ગયા પછી તેઓ પકવાન જંક્શનથી બ્રિજ ચઢીને સાણંદ ફ્લાયઓવર થઈને નીકળી જશે. ઈસરો તરફથી આવનારા વાહનચાલકોને જો એલિવેટેડ કોરિડોર પર ચડવું હોય તો ઉપર જવાની જરૂર નહીં રહે.
