Iscon Bridge Accident: તથ્ય પટેલને 15 દિવસમાં રૂ. 1 કરોડની જમા કરાવવાનો કોર્ટનો હુકમ, પછી જ જેલમાંથી બહાર આવશે

સુપ્રીમ કોર્ટમાં મૃતક દીઠ રૂ.10 લાખના બેઈલ બોન્ડ ભરાવવાને લઈને દલીલો થઈ હતી, જેને તથ્ય પટેલના વકીલે પણ સહમતી આપી હતી. આખરે કોર્ટે 1 કરોડ રૂપિયા નક્કી કર્યાં

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 29 May 2026 07:15 PM (IST)Updated: Fri, 29 May 2026 07:21 PM (IST)
ahmedabad-iscon-bridge-case-tathya-patel-granted-bail-on-a-bond-of-rs-1-crore
HIGHLIGHTS
  • જો 15 દિવસમાં રકમ ના ભરે, તો જામીન રદ્દ થઈ શકે છે
  • બે દિવસ પહેલા જ તથ્યને રેગ્યુલર જામીન આપ્યા હતા

Iscon Bridge Accident: આજથી 3 વર્ષ પૂર્વે અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર પુરપાટ કાર હંકારીને 9 નિર્દોષોને કચડી નાંખનાર નબીરા તથ્ય પટેલને દેશની સર્વોચ્ચ અદાલતે રાહત આપતા રેગ્યુલર જામીન મંજૂર કર્યાં હતા. જો કે લેખિત હુકમ કરતાં પહેલા કોર્ટે તથ્ય પટેલને રૂ. 1 કરોડના જામીન બોન્ડ ભરવાનો આદેશ આપ્યો છે.

સુપ્રીમ કોર્ટના હુકમના પગલે છેલ્લા પોણા ત્રણ વર્ષથી જેલમાં કેદ તથ્ય પટેલને બહાર આવતા પહેલા 1 કરોડ રૂપિયાની રકમ જમા કરાવવી પડશે. જેના માટે સુપ્રીમ કોર્ટે તથ્ય પટેલને 15 દિવસનો સમય આપ્યો છે. જો આ સમયગાળા દરમિયાન તથ્ય પટેલ બોન્ડની રકમ જમા કરવામાં નિષ્ફળ જશે, તો તેના જામીન રદ્દ થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, ચકચારી ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં અત્યાર સુધીમાં 29 જેટલા સાક્ષીઓની જુબાની લેવામાં આવી ચૂકી છે. જેના આધારે બે દિવસ પૂર્વે સર્વોચ્ચ અદાલતે તથ્ય પટેલના નિયમિત જામીન મંજૂર કર્યાં હતા. આ મામલે આજે વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં બોન્ડની રકમને લઈને ચર્ચા થઈ હતી.

આજની સુનાવણીમાં સૌ પ્રથમ અકસ્માતમાં મૃતક દીઠ 10 લાખ રૂપિયાના બોન્ડની વાત થઈ હતી. જેને તથ્ય પટેલના વકીલ દ્વારા સહમતી આપવામાં આવી હતી. આખરે સર્વોચ્ચ અદાલતે લમ્પસમ્પ 1 કરોડ રૂપિયાની રકમ નક્કી કરીને તેને 15 દિવસમાં કોર્ટમાં જમા કરવાનું ફરમાન કર્યું છે.