Ahmedabad Demolition: ઇસનપુરમાં આંબા તળાવ ફરતે મેગા ડિમોલિશન શરૂ, 160 જેટલા ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત

આ ડિમોલિશન કાર્યવાહી હેઠળ 26 હજાર ચોરસ મીટરની જગ્યા ખુલ્લી કરાશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 12 Jun 2026 11:45 AM (IST)Updated: Fri, 12 Jun 2026 11:45 AM (IST)
ahmedabad-isanpur-amba-talav-demolition-drive-160-illegal-structures-removed

Mega Demolition in Ahmedabad: અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા શહેરના તળાવોને દબાણમુક્ત કરી તેમને મૂળ સ્વરૂપમાં લાવવાની ઝુંબેશ તેજ કરવામાં આવી છે. આ કડીમાં ઈસનપુર વિસ્તારમાં આવેલી આંબા તળાવની જગ્યામાં થયેલા ગેરકાયદેસર દબાણને દૂર કરવા ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે.

આંબા તળાવ વિસ્તારમાં બુલડોઝર કાર્યવાહી

દક્ષિણ ઝોનમાં લાંભા વોર્ડ અંતર્ગત આવતા ઈસનપુર વિસ્તારમાં, મોની હોટલની ગલીમાં શાક માર્કેટ પાસે આંબા તળાવ આવેલું છે. આ તળાવની જગ્યામાં લોકોએ વર્ષોથી ગેરકાયદેસર રીતે દબાણ કરીને નાના-મોટા કાચા-પાકા મકાનો બનાવી લીધા હતા. આજે 12 જૂનની સવારથી જ અમદાવાદ મહાનગરપાલિકાના દક્ષિણ ઝોનના એસ્ટેટ વિભાગ એક્શન મોડમાં છે.

160થી વધુ ગેરકાયદે બાંધકામો તોડી પડાયા

અહીં 5થી વધુ JCB અને હિટાચી મશીનો કામે લગાડીને મેગા ડિમોલિશનની શરૂઆત કરવામાં આવી છે. ઇસનપુર અને નારોલ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં 147 જેટલા રહેણાંક કાચા-પાકા મકાનો અને 14 કોમર્શિયલ બાંધકામ મળીને કુલ 160થી વધુ બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે.

naidunia_image

નોટિસ બાદ 26000 ચો.મી. જગ્યા દબાણમુક્ત

AMC ના સૂત્રોના જણાવ્યા અનુસાર, તળાવના દબાણો દૂર કરીને તેને ભવિષ્યમાં ઊંડું કરવા માટે આ કામગીરી થઈ રહી છે. તંત્ર દ્વારા સ્થાનિકોને અગાઉથી જ નોટિસ ફટકારીને જગ્યા ખાલી કરી દેવા માટેની સૂચના આપી દેવામાં આવી હતી. આ ડિમોલિશન થકી કોર્પોરેશને આશરે 26,000 ચોરસ મીટર જેટલી વિશાળ જગ્યા દબાણમુક્ત કરીને ખુલ્લી કરાવી છે.

બેઘર થયેલા લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ

આ ડિમોલિશન કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થળ પર મેડિકલ ટીમ અને ફાયર બ્રિગેડની ટીમને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. આ ઉપરાંત, અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા માનવતાના ધોરણે વિસ્થાપિત લોકો માટે વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

naidunia_image

જે લોકોને તાત્કાલિક આશરાની જરૂર છે, તેમના માટે નજીકના 'રેન બસેરા'માં વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. વર્ષોથી અહીં વસવાટ કરતા જે નાગરિકો પાસે તેમના વસવાટના કાયદેસરના પુરાવા હશે, તેમને અમદાવાદ કોર્પોરેશન દ્વારા વૈકલ્પિક મકાનો ફાળવવામાં આવશે. આ માટે આવા નાગરિકો પાસે ફોર્મ ભરાવીને આગળની કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

તળાવોને દબાણમુક્ત કરવા કડક ઝુંબેશ

રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની માલિકીની જગ્યાઓ પર ગેરકાયદેસર દબાણ કરીને વસવાટ કરતા લોકોને દૂર કરવા માટે ખાસ ડિમોલિશન ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. આ કામગીરીના ભાગરૂપે અગાઉ ચંડોળા તળાવ અને ઈસનપુર તળાવ વિસ્તારમાં બુલડોઝર કાર્યવાહી કરી હતી. આ કડીમાં આજે શહેરના પૂર્વ વિસ્તારમાં એક મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.