AMC Standing Committee: અમદાવાદ શહેરમાં ટ્રાફિક, રોડ કનેક્ટિવિટી અને પ્રી-મોન્સૂન કામગીરીને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. 11 જૂન 2026ના રોજ મળેલી સાપ્તાહિક સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બાદ ચેરમેન કમલેશભાઈ પટેલે મીડિયા સમક્ષ મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી યોજનાઓ અને લેવાયેલા કડક પગલાંની વિગતો રજૂ કરી હતી.
આ બેઠકમાં પૂર્વ અમદાવાદમાં પાણી ભરાવાની સમસ્યા, નરોડા ફ્લાયઓવરમાં વિલંબ, ફાયર વિભાગનું અપગ્રેડેશન અને રાયપુરમાં રોડ પહોળો કરવા જેવા મહત્વના મુદ્દાઓ પર મંજૂરીની મહોર મારવામાં આવી છે.
આ પણ વાંચો
પૂર્વ અમદાવાદમાં પાણી ભરાવાની સમસ્યામાંથી મળશે મુક્તિ
પૂર્વ અમદાવાદના રહીશો માટે રાહતના સમાચાર છે. ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે AMC આગામી બે વર્ષમાં નવી ટ્રંકલાઇન નાખશે.
- નવો પ્રોજેક્ટ: વરસાદી પાણીના નિકાલ માટે દયાવાન તળાવથી ખારી નદી સુધી નવી ટ્રંકલાઇન નાખવામાં આવશે.
- મધુમાલતી ઓઢવ વિસ્તારમાં 40 % રાહત: ઓઢવના મધુમાલતી વિસ્તારમાં અગાઉ 2 થી 3 દિવસ સુધી પાણી ભરાઈ રહેતું હતું. પમ્પિંગ સ્ટેશનના નિર્માણને કારણે હવે તળાવનું વધારાનું પાણી ઝડપથી આગળ ધકેલાશે, જેનાથી પાણી ભરાવાની સમસ્યામાં 40 ટકા જેટલી રાહત મળશે.
નરોડા ફ્લાયઓવરમાં વિલંબ બદલ કોન્ટ્રાક્ટરને ₹50 લાખની પેનલ્ટી
નરોડા ફ્લાયઓવર બ્રિજની ધીમી કામગીરી સામે તંત્રએ લાલ આંખ કરી છે.
- દંડનું કારણ: આ બ્રિજ ડિસેમ્બર 2026માં પૂર્ણ કરવાનો હતો, પરંતુ ફોરેસ્ટ વિભાગની મંજૂરીમાં વિલંબ અને કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે કામ લંબાયું છે.
- નવી ડેડલાઇન: કોન્ટ્રાક્ટરને રૂપિયા 50 લાખની પેનલ્ટી ફટકારવામાં આવી છે. હવે આ ફ્લાયઓવરનું કામ જુલાઈ 2027 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે.
ટ્રાફિક સમસ્યા નિવારવા રાયપુરનો રોડ 15 મીટરથી વધારી 24 મીટર કરાશે
કોટ વિસ્તારના રાયપુરમાં ટ્રાફિકની ગંભીર સમસ્યાને હલ કરવા માટે ટાઉન પ્લાનિંગ (TP) અંતર્ગત રોડ પહોળો કરવાનો નિર્ણય લેવાયો છે.
- રોડનું નવું માપ: હાલનો 15 મીટરનો રોડ હવે 24 મીટરનો કરવામાં આવશે.
- અસરગ્રસ્તો માટે વ્યવસ્થા: આ કામગીરીમાં 36 કોમર્શિયલ અને 6 રહેણાંક એકમોને અસર થશે. વર્ષોથી રહેતા ભાડૂઆતો અને વેપારીઓને યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવા માટે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.
ફાયર વિભાગમાં 104 મીટરની હાઈટેક ક્રેન આવશે; પ્રાઈવેટ ફાયર ચાર્જમાં 15 વર્ષે વધારો
અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસને વધુ આધુનિક બનાવવામાં આવી રહી છે. ગગનચુંબી ઇમારતોમાં આગ ઓલવવા માટે ટૂંક સમયમાં 104 મીટરની આધુનિક ફાયર ક્રેન સેવામાં સામેલ થશે.
ફાયર ચાર્જ અંગે સ્પષ્ટતા: AMC હદ વિસ્તારમાં આગની ઘટનાઓ માટે કોઈ ચાર્જ લેવાતો નથી. પરંતુ GIDC, ઇન્ડસ્ટ્રીયલ એરિયા કે શહેરની બહારના પ્રાઈવેટ કોલ માટે વર્ષ 2011 પછી (15 વર્ષ બાદ) પેટ્રોલ-ડીઝલ અને માનવ કલાકોના ખર્ચને ધ્યાનમાં રાખીને ચાર્જમાં સુધારો કરવામાં આવ્યો છે.
સિન્ધુભવન મલ્ટીલેવલ પાર્કિંગનો વિવાદ
સિન્ધુભવન રોડ પર આવેલા મલ્ટીલેવલ પાર્કિંગના કોન્ટ્રાક્ટરે સમયસર નાણાં ન ભરતા અગાઉ તેનો કોન્ટ્રાક્ટ રદ કરી પેનલ્ટી જપ્ત કરવામાં આવી હતી. હાલ આ જગ્યા અને બાંધકામ ખર્ચ સાથે આ પ્લોટ વેચાણ માટે મુકાયો છે, જેની દરખાસ્ત પર વધુ અભ્યાસ ચાલુ છે.
