અનરાધાર વરસાદે અમદાવાદને થંભાવી દીધુંઃ શહેરના 9 અંડરપાસ બંધ કરાયા, અનેક સોસાયટીઓ જળમગ્ન; ઠેર-ઠેર વૃક્ષો ધરાશાયી

અમદાવાદમાં 20 દિવસના વિરામ બાદ ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, સરેરાશ 5 ઇંચ વરસાદ પડ્યો છે. બાકરોલ અને સરખેજમાં 11 ઇંચથી વધુ વરસાદ નોંધાતા 9 અંડરપાસ બંધ થયા અને 43 સોસાયટીઓમાં પાણી ભરાયા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 23 Jul 2026 08:07 PM (IST)Updated: Thu, 23 Jul 2026 09:52 PM (IST)
ahmedabad-heavy-rain-5-inches-in-12-hours-waterlogging-trees-fall

Ahmedabad Heavy Rain: અમદાવાદમાં 20 દિવસમાં લાંબા વિરામ બાદ ગઈકાલે રાતથી વરસાદી માહોલ જામ્યો છે. જો કે આજે સવારથી જ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આજે સવારે 6 થી સાંજના 6 વાગ્યા દરમિયાન શહેરમાં સરેરાશ 127 મિ.મી (5 ઈંચ) જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો છે. ખાસ કરીને શહેરના દક્ષિણ-પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ ઝોનમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

બાકરોલ અને સરખેજમાં સૌથી વધુ વરસાદ
વરસાદનું સૌથી વધુ જોર દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં જોવા મળ્યું છે. બાકરોલ વિસ્તારમાં સૌથી વધુ 284.50 mm (11.20 inch) વરસાદ નોંધાયો છે. આવી જ રીતે સરખેજમાં પણ મેઘરાજાએ કેર વર્તાવ્યો છે, જ્યાં 282.50 mm (11.12 inch) વરસાદ પડ્યો છે.

શહેરના પોશ વિસ્તાર ગણાતા બોપલ, જોધપુર અને બોડકદેવમાં પણ જળબંબાકારની સ્થિતિ છે. જે પૈકી બોપલમાં 245.00 mm (9.65 inch), જોધપુરમાં 233.00 mm (9.17 inch) અને મકતમપુરામાં 217.50 mm વરસાદ નોંધાયો છે. ઉત્તર-પશ્ચિમ ઝોનના બોડકદેવ વિસ્તારમાં 207.50 mm (8.17 inch) અને સાયન્સ સિટી વિસ્તારમાં 192.50 mm વરસાદ ખાબક્યો છે.

અમદાવાદના અન્ય વિસ્તારોમાં વરસાદની વિગતો જોઈએ તો, થલતેજમાં 195 મિ.મી., મેમનગરમાં 185 મિ.મી., નવરંગપુરામાં 157 મિ.મી., ગોતામાં 157 મિ.મી., ઉસ્માનપુરામાં 148 મિ.મી., રાણીપમાં 139.5 મિ.મી, મોટેરામાં 102 મિ.મી વરસાદ નોંધાયો છે.

અમદાવાદમાં 35 ઠેકાણે ઝાડ ધરાશાયી થવાની ફરિયાદો

આજે વરસેલા અનરાધાર વરસાદને કારણે શહેરના વિવિધ ઝોનમાં ઝાડ અને ડાળીઓ પડવાની અનેક ઘટનાઓ બની છે. જેમાં સમગ્ર શહેરમાં કુલ 35 ઝાડ અને 13 મોટા ડાળા પડવાની ફરિયાદો નોંધાઈ છે. જેની સૌથી વધુ અસર પશ્ચિમ, ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં જોવા મળી છે. ખાસ કરીને નવરંગપુરા, બોડકદેવ, ગોતા, સરખેજ અને જોધપુર જેવા વિસ્તારોમાં ઝાડ પડવાના વધુ કિસ્સાઓ સામે આવ્યા છે, જેના નિકાલ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બગીચા વિભાગ દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી છે

મોટાભાગની ઘટનાઓમાં વાહન વ્યવહાર પર કોઈ મોટી અસર પડી નથી, પરંતુ દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા જોધપુરના 'હરણ સર્કલ' પાસે ઝાડ પડવાના કારણે રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી. આ સિવાય શહેરના મધ્ય ઝોનમાં જમાલપુર અને શાહીબાગ, તેમજ દક્ષિણ ઝોનમાં મણિનગર અને બેહરામપુરા જેવા વિસ્તારોમાં પણ વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ નોંધાઈ છે.

શહેરની 43 સોસાયટીઓમાં પાણી ભરાયા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, શહેરમાં કુલ 148 વોટર લોગિંગ સ્પોટ (પાણી ભરાવાના સ્થળો) ઓળખવામાં આવ્યા છે, જેમાંથી 82 સ્થળો પર હાલ પાણી ભરાયેલા છે અને 43 જેટલી સોસાયટીઓમાં પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે.

ખાસ કરીને ઉત્તર-પશ્ચિમ ઝોન સૌથી વધુ પ્રભાવિત જણાય છે, જ્યાં 32 માંથી 26 સ્થળો પર પાણીના નિકાલની કામગીરી હાલ ચાલુ છે. આ ઉપરાંત, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં પણ તમામ 7 ઓળખાયેલા સ્પોટ પર પાણી ભરાયા હોવાની અને 18 સોસાયટીઓમાં પાણી ઘુસ્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે.


વાસણા બેરેજના 20 દરવાજા ખોલાયા

શહેરમાં સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે સાબરમતી નદીની સપાટીમાં વધારો થયો છે. પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે વાસણા બેરેજના કુલ 20 દરવાજા ખોલવામાં આવ્યા છે.

અત્યારે વાસણા બેરેજ લેવલ 123.75 ફૂટ પર જાળવવામાં આવી રહ્યું છે. સિઝનનો કુલ વરસાદ આજના આંકડા ઉમેરતા અમદાવાદ શહેરમાં અત્યાર સુધીનો સિઝનનો કુલ સરેરાશ વરસાદ 238.77 mm (9.41 inch) પર પહોંચી ગયો છે


ભારે વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

naidunia_image

 

AMC સંચાલિત તમામ આંગણવાડીઓ 27 જુલાઈ સુધી બંધ

અમદાવાદ શહેરમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાવચેતીના પગલારૂપે AMC સંચાલિત તમામ આંગણવાડીઓ સોમવાર, તા. 27 જુલાઈ 2026 સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારે વરસાદ દરમિયાન બાળકોને અવરજવરમાં કોઈ મુશ્કેલી ન પડે તેમજ સંભવિત જોખમોને ટાળી શકાય તે માટે AMC સંચાલિત તમામ આંગણવાડીઓમાં કામગીરી તા. 27 જુલાઈ 2026 સુધી સ્થગિત રહેશે. વરસાદની પરિસ્થિતિ અને હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં આંગણવાડીઓ શરૂ કરવા અંગેનો નિર્ણય લેવામાં આવશે.