Navsari Flood Alert: દક્ષિણ ગુજરાતમાં સતત ચોથા દિવસે મેઘરાજાની તોફાની બેટિંગ યથાવત રહી છે. ખાસ કરીને નવસારી જિલ્લામાં બારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. જેના પરિણામે ઠેર-ઠેર જળ બંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે.
ચીખલી અને ખેરગામમાં મેઘતાંડવ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, આજ સવારે 6 થી સાંજના 6 વાગ્યા સુધીના માત્ર 12 કલાકમાં જ જિલ્લામાં અતિભારે વરસાદ નોંધાયો છે. જેમાં ચીખલી અને ખેરગામ તાલુકામાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
સૌથી વધુ વરસાદ ચીખલી તાલુકામાં નોંધાયો છે, જ્યાં 12 કલાકમાં કુલ 428 mm એટલે કે આશરે 16.85 ઈંચ વરસાદ ખાબક્યો છે. ચીખલીમાં બપોરે 2 થી 4ના બે કલાક દરમિયાન જ 219 mm જેટલો અત્યંત ભારે વરસાદ પડતા સર્વત્ર પાણી ફરી વળ્યા હતા. આવી જ રીતે ખેરગામ તાલુકામાં પણ 424 mm (16.69 ઈંચ) વરસાદ નોંધાયો છે. ખેરગામમાં સવારથી જ વરસાદનું જોર રહ્યું હતું, જેમાં બપોરે 12.00 થી 16.00 ના ચાર કલાકમાં 244 mm વરસાદ વરસી ગયો હતો.
વાંસદા અને ગણદેવીમાં પણ ભારે વરસાદ
જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ મેઘરાજાએ કોઈ કસર બાકી રાખી નથી. વાંસદા તાલુકામાં કુલ 338 mm (13.31 ઈંચ) વરસાદ નોંધાયો છે, જેમાં સાંજે 16.00 થી 18.00 ના ગાળામાં 105 mm વરસાદ પડ્યો હતો. જ્યારે ગણદેવી તાલુકામાં 322 mm (12.68 ઈંચ) વરસાદ નોંધાયો છે. ગણદેવીમાં બપોરે 14.00 થી 16.00 ના સમયગાળા દરમિયાન સૌથી વધુ 225 mm વરસાદ ઝીંકાયો હતો.
નવસારી અને જલાલપોરની સ્થિતિ જોઈએ તો, જિલ્લાના મુખ્ય મથક એવા નવસારી તાલુકામાં 74 mm (2.91 ઈંચ) વરસાદ નોંધાયો છે, જેમાં સાંજે 16.00 થી 18.00 દરમિયાન 37 mm વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત જલાલપોર તાલુકામાં પણ 66 mm (2.6 ઈંચ) વરસાદ નોંધાયો છે
આમ, સમગ્ર નવસારી જિલ્લામાં આજે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ખાસ કરીને બપોર પછીના સમયગાળામાં વરસાદનું જોર વધતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે અને જનજીવન પર તેની વ્યાપક અસર જોવા મળી છે. જિલ્લાના 6 તાલુકાઓ પૈકી 4 તાલુકાઓમાં 12 ઈંચથી વધુ વરસાદ પડતા તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે.
નવસારીમાં અવિરત વરસાદની સાથે-સાથે
ફાયર બ્રિગેડ દ્વારા એનાઉન્સમેન્ટ કરી લોકોને એલર્ટ કરાયાઃ પૂર્ણા નદીની સપાટીમાં સતત વધારો તથા નીચાણવાળા વિસ્તારોમાં ફાયર ટીમ દ્વારા જાહેર અનાઉન્સમેન્ટ કરી નાગરિકોને સાવચેત રહેવા અપીલ
મુખ્યમંત્રીએ મદદ માટે હર્ષ સંઘવીને દોડાવ્યાઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સુરત, વલસાડ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદને પગલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ, સચિવ રેમ્યા મોહન અને આલોક પાંડેને આ અસરગ્રસ્ત જિલ્લાઓમાં વહીવટી તંત્રની મદદ માટે રવાના કર્યાં છે. આ ઉપરાંત જે જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા વરસાદ સંદર્ભે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તે જિલ્લાઓમાં પણ પ્રભારી સચિવોને તાત્કાલિક અસરથી પહોંચી જવાની સૂચનાઓ આપી.
ગણદેવીમાં લોકોનું રેસ્ક્યુ કરાયુંઃ ગણદેવી નગરપાલિકા વિસ્તારમાં ભારે વરસાદને પગલે તાત્કાલિક રેસ્ક્યુ કામગીરી. રેસ્ક્યુ કરાયેલા નાગરિકોમાં 17 પુરુષો, 15 મહિલાઓ અને 18 બાળકોનો સમાવેશ થાય છે. સ્થળાંતર કરાયેલા તમામ લોકોને મોડર્ન પબ્લિક સ્કૂલ, તોરણ ગામ ખાતે આશ્રય અને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

અનેક રસ્તાઓ બંધઃ ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનસુરક્ષાના હિતમાં કેટલાક માર્ગો અસ્થાયી ધોરણે બંધ કરવામાં આવ્યા છે.
શાળા-કોલેજોમાં રજા જાહેરઃ ઉપરવાસ અને જિલ્લામાં પડેલ ભારે વરસાદના લીધે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાના કારણે તેમજ આવતીકાલના હવામાન વિભાગના એલર્ટના કારણે સાવચેતીના ભાગરૂપે તા.24/07/26 શુક્રવારના રોજ નવસારી જિલ્લાના તમામ આંગણવાડી,શાળાઓ,કોલેજો અને ITI બંધ રહેશે. Online શિક્ષણકાર્ય ચાલુ રાખી શકાશે.
હર્ષ સંઘવી અસરગ્રસ્ત ગામની મુલાકાતેઃ નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ અમલસાડ સરીબુજરંગ ગામની મુલાકાત લઈ ભારે વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવ્યો. સ્થાનિકો સાથે સંવાદ કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા*
