Surat Organ Donation: સુરતમાં ગણેશ ઉત્સવ દરમિયાન ડોનેટ લાઈફ દ્વારા વધુ એક અંગદાન કરવવામાં આવ્યું છે. મૂળ મહારાષ્ટ્રના અને ડિંડોલીમાં રહેતા 52 વર્ષીય સંતોષ એકનાથ મહાલે બ્રેઈનડેડ થતા તેના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી ગણેશ ઉત્સવના પાવન પર્વ પર અંગદાન કરી 4 લોકોને નવું જીવન આપ્યું છે.
મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્ર ધુલે જિલ્લાના શિરદાણે ગામના વતની 52 વર્ષીય સંતોષભાઈ એકનાથ મહાલે હાલમાં સુરતના ડિંડોલી નવાગામ જલારામ નગર 1 ખાતે રહેતા પોતાના પરિવાર સાથે રહે છે. તેઓ કતારગામમાં આવેલી ડાયમંડ ફેક્ટરીમાં રત્ન કલાકાર તરીકે કામ કરતા હતા. ગત 19 સપ્ટેમ્બરના રોજ રાત્રે 10:30 કલાકે ઘરમાં દાદર પરથી પડી જતા તેઓને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.
પરિવારજનો તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફત યુનિક હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં તેમને ન્યૂરોસર્જન ડૉ. હરિન મોદીની સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા. નિદાન માટે CT બ્રેઈન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું અને મગજમાં લોહીનો ગઠ્ઠો અને સોજો હોવાનું નિદાન થયું હતું. ન્યૂરોસર્જન ડૉ. હરિન મોદીએ ક્રેન્યોટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો અને સોજો દૂર કર્યો હતો.
જોકે, 21 સપ્ટેમ્બરના રોજ ચેસ્ટ ફિઝિશિયન ડૉ. સમીર ગામી, ડૉ. ચંદ્રકાંત લાલવાણી, ન્યુરોસર્જન ડૉ. હરિન મોદી, ઈન્ટેન્સિવિસ્ટ ડૉ. દિવ્યેશ પટેલે સંતોષભાઈને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. યુનિક હોસ્પિટલના ડૉ. દિવ્યેશ પટેલે ડોનેટ લાઈફના સ્થાપક અને પ્રમુખ પદ્મશ્રી નિલેશ માંડલેવાલાનો સંપર્ક કરી સંતોષભાઈના બ્રેઈનડેડ અંગેની અને પરિવારની અંગદાનની ઈચ્છા અંગે જાણકારી આપી હતી.
ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી સંતોષભાઈના ધર્મપત્ની લલીતા, પુત્રો લક્ષ્મીકાંત અને વિશાલ, પુત્રી પૂનમ તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનની સમગ્ર પ્રક્રિયા અને તેનું મહત્વ સમજાવ્યું હતું. સંતોષભાઈની ધર્મપત્ની લલીતા તથા પુત્ર લક્ષ્મીકાંત અને વિશાલે જણાવ્યું હતું કે, સંતોષભાઈ ખૂબ જ સેવાભાવી હતા. તેઓ બ્રેઈનડેડ છે ત્યારે તેમના જેટલા પણ અંગોનું દાન થઈ શકતું હોય તે કરાવીને દર્દીઓને નવજીવન આપવા માટે આપ આગળ વધો.
સંતોષભાઈના પરિવારમાં 40 વર્ષીય પત્ની લલીતા ઘરમાં કરીયાણા સ્ટોર ચલાવે છે. જ્યારે બે પુત્રો પૈકી 31 વર્ષીય પુત્ર લક્ષ્મીકાંત સચિન હોજીવાલામાં આવેલ પ્રિન્ટીંગ પ્રેસમાં સુપરવાઈઝર તરીકે કાર્ય કરે છે. જ્યારે 26 વર્ષીય બીજો પુત્ર વિશાલ બેંગ્લોરમાં આવેલા નીઓલેકટા લાઈફ સાયન્સ કંપનીમાં મુખ્ય એકાઉન્ટ મેનેજર તરીકે ફરજ બજાવે છે. આ ઉપરાંત તેમની પુત્રી પૂનમની ઉંમર 29 વર્ષ છે.
પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા SOTTO નો સંપર્ક કરવામાં આવ્યો. SOTTO દ્વારા લીવર અને બંને કિડની અમદાવાદની એપોલો હોસ્પિટલને ફાળવવામાં આવી. જોકે, લીવરની બાયોપ્સી કરાવતા તેમાં ફાઈબ્રોસિસ જણાતા લીવરનું દાન થઈ શક્યું ન હતું. જ્યારે બંને કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ બે જરૂરિયાતમંદ દર્દીને અમદાવાદની એપોલો હોસ્પિટલમાં કરવામાં આવશે. ચક્ષુઓનું દાન લોક દ્રષ્ટિ ચક્ષુ બેંકના ડૉ. પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું હતું.
કિડનીને સમયસર રોડ માર્ગે અમદાવાદની એપોલો હોસ્પિટલ પહોચાડવા માટે સુરતની યુનિક હોસ્પિટલથીઅમદાવાદની એપોલો હોસ્પિટલ સુધીના માર્ગને ગ્રીન કોરિડોર સુરત શહેર પોલીસના સહકારથી બનાવવામાં આવ્યો હતો, જેમાં રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, હૃદય અને ફેફસા સહિત હાથ, નાનું આંતરડું, લીવર અને કિડની જેવા મહત્વના અંગો દેશના જુદા-જુદા શહેરોમાં સમયસર પહોંચાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા અત્યાર સુધી 144 ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યા છે. ડોનેટ લાઈફ દ્વારા કુલ 1404 અંગો અને ટીસ્યુનું દાન કરાવવામાં આવ્યું છે. જેમાં 562 કિડની, 245 લીવર, 59 હૃદય, 56 ફેફસાં, 10 પેન્ક્રીઆસ, 11 હાથ, 1 નાનું આંતરડું અને 460 ચક્ષુના દાનનો સમાવેશ થાય છે.
