અમદાવાદના ગુરુકુળ રોડ પર હાઈવૉલ્ટેજ ડ્રામાઃ થારની માલિકી મુદ્દે મામા-ભાણેજ વચ્ચે મારામારી બાદ ગાડી પર ચડીને યુવકનો તમાશો

અમદાવાદના ગુરુકુળ રોડ પર થાર ગાડીની માલિકી મુદ્દે મામા-ભાણેજ વચ્ચે મારામારી થઈ હતી. આ દરમિયાન ઉશ્કેરાયેલ ભાણેજ થાર ગાડી પર ચડી ગયો હતો. હાલ તો વસ્ત્રાપુર પોલીસની ફરિયાદના આધારે 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 22 Oct 2026 01:21 PM (IST)Updated: Thu, 22 Oct 2026 01:21 PM (IST)
ahmedabad-gurukul-road-drama-highvoltage-fight-between-uncle-and-nephew-over-thar-ownership-3-arrested

Ahmedabad: શહેરના ગુરુકુળ રોડ પર ગઈકાલે રાતના સમયે હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. જેમાં થાર ગાડીની માલિકી મુદ્દે મામા-ભાણેજ વચ્ચે મારામારી થઈ હતી. જે બાદ ઉશ્કેરાયેલો ભાણિયો થાર ઉપર ચડી જતાં સ્થળ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ન્યૂ રાણીપમાં રહેતા જીગર પુરોહિતે પોતાના ભાણેજ ચંદ્રપ્રકાશ પુરોહિતના નામે થાર ગાડી ખરીદી હતી, જેના હપ્તા તેઓ પોતે ભરે છે. ગઈકાલે રાતના સમયે જીગર ગુરુકુળ ત્રણ રસ્તા નજીક વડાપાવ ખાતો હતો. આ સમયે ભાણેજ ચંદ્રપ્રકાશ પોતાના બે મિત્રો સાથે ત્યાં ધસી આવ્યો હતો. જ્યાં થારની માલિકી મુદ્દે જીગર સાથે માથાકૂટ કરવા લાગ્યો હતો. આ દરમિયાન બન્ને વચ્ચેની બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં મારામારી શરૂ થઈ ગઈ હતી.

આ દરમિયાન ભાણેજ ચંદ્રપ્રકાશ પોતાનું શર્ટના બટન ખુલ્લા કરીને થાર ગાડી ઉપર ચડી ગયો હતો અને બૂમબરાડા પાડવા લાગ્યો હતો. જેને પગલે આસપાસના લોકો મોટી સંખ્યામાં તમાશો નિહાળવા એકઠા થઈ ગયા હતા. બીજી તરફ આ બનાવની જાણ થતાં વસ્ત્રાપુર પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર આવી પહોંચી હતી.

હાલ તો જીગર પુરોહિતની ફરિયાદના આધારે વસ્ત્રાપુર પોલીસે ભાણેજ ચંદ્રપ્રકાશ ઉપરાંત નારાયણસિંહ પુરોહિત અને મિલન શાહની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.