Walmart AI Shopping Tool: દિગ્ગજ અમેરિકન રિટેલ કંપની વૉલમાર્ટે એક નવું ટૂલ રજૂ કર્યું છે, જેની મદદથી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ગ્રાહકો તરફથી સામાન શોધવાથી માંડીને ખરીદી કરવા સુધીનું કામ કરશે. વૉલમાર્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ઑનલાઈન શૉપિંગમાં AIની વધતી જતી ભૂમિકા વચ્ચે પોતાની પકડ મજબૂત કરવાનો છે.
ગ્રાહક શૉપિંગની લિમિટ નક્કી કરી શકશે
વૉલમાર્ટ આગામી મહિને એજન્ટ પ્રોફાઈલ નામનું આ ફિચર્સ શરૂ કરશે. જેના થકી ગ્રાહક અલગ-અલગ AI એજન્ટોને ખરીદીની મંજૂરી આપી શકશે અને તેમના ખર્ચની લિમિટ નક્કી કરી શકશે. આટલું જ નહીં, જરૂર પડે કોઈ શૉપિંગ માટે પૂર્વ મંજૂરી પણ જરૂરી બનાવવામાં આવશે. ગ્રાહક AI એજન્ટથી આપવામાં આવેલા ઓર્ડરોને પોતાની અન્ય શૉપિંગથી અલગ જોઈ શકશે. આ સિવાય તેઓ ગમે તે સમયે AI એજન્ટની શૉપિંગ કરવાની મંજૂરીને પરત લઈ શકશે.
અન્ય AI આસિસ્ટન્ટ પણ શૉપિંગ કરી શકશે
વૉલમાર્ટે 'એજન્ટ ગેટવે' નામનું એક નવું પ્લેટફોર્મ રજૂ કર્યું છે. જેના થકી ચેટ જીપીટી, ગૂગલ જેમિની, મેટા મ્યૂઝ જેવા AI આસિસ્ટન્ટ ડાયરેક્ટ વૉલમાર્ટ અને સેમ્સ ક્લબની સર્વિસ સાથે જોડાઈ શકશે. આ આસિસ્ટન્ટની મદદથી ગ્રાહક પ્રોડક્ટ શોધવાનું તેમજ શૉપિંગ કરવાનું કામ કરી શકશે.
કંપનીના જણાવ્યા મુજબ, આ વ્યવસ્થામાં ગ્રાહકનો કંટ્રોલ જળવાઈ રહેશે. ખાસ AI એજન્ટને પેમેન્ટ કાર્ડ સુધી પહોંચ નહીં આપવામાં આવે. તેમજ નિયમોનું ઉલ્લંઘન કરનારા એજન્ટોને અટકાવી પણ શકાશે. આ નવું ટૂલ તમામ વૉલમાર્ટના ખાતાધારકો માટે ઉપલબ્ધ થશે. જેનો ઉપયોગ કરવા માટે વૉલમાર્ટ પ્લસની મેમ્બરશિપ લેવી જરૂરી નથી.
માર્કેટ એક્સપર્ટોનું માનવું છે કે, આ સુવિધાથી AI થકી શૉપિંગ કરવા પર ગ્રાહકોનો વિશ્વાસ વધી શકે છે. જેના પરિણામે ઑનલાઈન શૉપિંગમાં AI આસિસ્ટન્ટની ભૂમિકા વધુ મજબૂત બનશે.
