Ahmedabad Gandhinagar Metro Ridership: કનેક્ટિવિટી એ કોઈપણ શહેરની પ્રગતિનું માપદંડ છે. એક આધુનિક અને એકીકૃત પરિવહન માળખું વિકાસ, રોજગારી, પ્રવાસન અને લોકોના જીવનની ગુણવત્તા સાથે સીધો સંબંધ ધરાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા 12 વર્ષ દરમિયાન દેશમાં કનેક્ટિવિટી અને પરિવહન ક્ષેત્રે અભૂતપૂર્વ પરિવર્તન જોવા મળ્યું છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે તેમણે રાજ્યમાં વિશ્વસ્તરીય મેટ્રો નેટવર્કની પરિકલ્પના કરી હતી, જેનો ઉદ્દેશ ટ્રાફિકના દબાણમાં ઘટાડો, શહેરો વચ્ચે વધુ સારી કનેક્ટિવિટી અને કાર્યક્ષમ જાહેર પરિવહન વ્યવસ્થા દ્વારા શહેરી વિકાસને નવી ગતિ આપવાનો હતો.
આ વિઝનના પરિણામે આજે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો સેવા ઝડપી, સુરક્ષિત અને વિશ્વસનીય જાહેર પરિવહનનું મજબૂત ઉદાહરણ બની છે. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ-1 અને ફેઝ-2ના સફળ અમલીકરણ બાદ 68.28 કિલોમીટર લાંબા નેટવર્ક અને 54 સ્ટેશનો સાથે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો આજે લાખો નાગરિકોના દૈનિક જીવનનો અભિન્ન હિસ્સો બની ગઈ છે. AMC, GMC, AMTS, BRTS અને ભારતીય રેલવે જેવી સ્થાનિક સંસ્થાઓ સાથે મજબૂત સંકલન સાધીને મુસાફરોને ‘લાસ્ટ માઇલ કનેક્ટિવિટી’ પૂરી પાડવામાં આવી રહી છે, જેના ભાગરૂપે 200થી વધુ બસ રૂટ્સને મેટ્રો સ્ટેશનો સાથે જોડવામાં આવ્યા છે.
દૈનિક મુસાફરોની સંખ્યા 1.6 લાખની નજીક
ગુજરાત સરકારના ‘ઇઝ ઑફ લિવિંગ’ના મંત્રને સાકાર કરતું આ મેટ્રો નેટવર્ક નાગરિકોના સમયની મોટી બચત કરાવી રહ્યું છે. વર્ષ 2023માં સરેરાશ દૈનિક 69 હજાર મુસાફરો મેટ્રોનો ઉપયોગ કરતા હતા, જે આંકડો વર્ષ 2024માં 1.01 લાખ અને 2025માં 1.33 લાખ સુધી પહોંચ્યો હતો. મે 2026ના આંકડા મુજબ, હવે સરેરાશ દૈનિક 1.53 લાખ મુસાફરો મેટ્રો સેવાનો લાભ લઈ રહ્યા છે, જે ટૂંક સમયમાં 1.6 લાખનો આંકડો વટાવી જશે.
| વર્ષ | દૈનિક સરેરાશ મુસાફરો |
| 2023 | 69,000 |
| 2024 | 1,01,000 |
| 2025 | 1,33,000 |
| 2026 (મે સુધી) | 1,53,000 |
ઑક્ટોબર 2022થી મે 2026 સુધીમાં 13.81 કરોડ મુસાફરો
મેટ્રો સેવાના વિસ્તરણ બાદથી મે 2026 સુધીમાં કુલ 13.81 કરોડથી વધુ મુસાફરોએ મેટ્રોમાં સુરક્ષિત મુસાફરી કરી છે. આ આંકડો માત્ર મેટ્રોની વધતી લોકપ્રિયતા જ નહીં, પરંતુ અમદાવાદ-ગાંધીનગરમાં જાહેર પરિવહન ક્ષેત્રે આવેલા પરિવર્તનને પણ પ્રતિબિંબિત કરે છે. આજે વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને પ્રવાસીઓ માટે મેટ્રો એ સૌથી કિફાયતી અને સુવિધાજનક વિકલ્પ છે.
આધુનિક સુવિધાઓ અને પર્યાવરણનું જતન
અમદાવાદ મેટ્રો માત્ર મુસાફરીનું સાધન નથી, પણ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. QR-કોડ આધારિત ટિકિટિંગ સિસ્ટમ, મોબાઈલ એપ દ્વારા બુકિંગ અને સ્ટેશન પર સઘન સુરક્ષા વ્યવસ્થાને કારણે મુસાફરોનો અનુભવ વધુ સુગમ બન્યો છે. વધુમાં, મેટ્રોના વ્યાપક ઉપયોગને કારણે રસ્તા પર ખાનગી વાહનોનું ભારણ ઘટ્યું છે, જે કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં અને શહેરના પર્યાવરણને શુદ્ધ રાખવામાં પરોક્ષ રીતે મોટું યોગદાન આપી રહ્યું છે.
મેગા ઇવેન્ટ્સ દરમિયાન બની 'લાઇફલાઇન'
ક્રિકેટ મેચો અને મોટા કાર્યક્રમો દરમિયાન મેટ્રોએ તેની ક્ષમતા સાબિત કરી છે. 30 એપ્રિલ 2026ના રોજ આઈપીએલ મેચ દરમિયાન 2.26 લાખથી વધુ, 21 મે 2026ના રોજ 2.22 લાખ અને 18 ફેબ્રુઆરી 2026ના વર્લ્ડ કપ મેચ દરમિયાન 2.21 લાખ મુસાફરોએ મેટ્રો પસંદ કરી હતી. ઉપરાંત, જાન્યુઆરી 2025માં યોજાયેલા કોલ્ડપ્લે કોન્સર્ટ દરમિયાન પણ 4.11 લાખથી વધુ મુસાફરોએ મેટ્રોનો ઉપયોગ કર્યો હતો.
ભવિષ્યનો પ્લાન
મુસાફરીની વધતી માંગને ધ્યાનમાં રાખીને ગિફ્ટ સિટી એક્સ્ટેન્શન, ઍરપોર્ટ કનેક્ટિવિટી અને અમદાવાદ મેટ્રો ફેઝ-3 અંતર્ગત કુલ 68 કિલોમીટરથી વધુ નવા કૉરિડોર બનાવવાનું આયોજન છે, જે હાલ ભારત સરકારની મંજૂરીના વિવિધ તબક્કે છે. આ સાથે સુરત મેટ્રો પ્રોજેક્ટ પણ ઝડપથી આગળ વધી રહ્યો છે, જેમાં તાજેતરમાં જ 15 કિમીના માર્ગ પર સફળ ટ્રાયલ રન હાથ ધરવામાં આવ્યો છે.
અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટ આજે ગુજરાતના શહેરી વિકાસ અને જનસુવિધાનો મહત્વપૂર્ણ આધારસ્તંભ બની ચૂક્યો છે. નાગરિકોની યાત્રાને વધુ સરળ અને સુગમ બનાવવાની સાથે આ આધુનિક વ્યવસ્થા ગુજરાતને ‘વિકસિત ભારત’ના સંકલ્પ તરફ આગળ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.
