Ahmedabad: લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા તત્વો સામે AMCની લાલઆંખ, 3 એકમો સીલ કર્યા; 2666 કિગ્રા અખાદ્ય જથ્થો સીઝ

વેજલપુરમાં આવેલ 'શ્રી માતેશ્વરી ચવાણા એન્ડ સ્વીટ માર્ટ'માં ગ્રાહકોને પીરસવામાં આવતા નમકીનને આકર્ષક બનાવવા માટે તેમાં હાનિકારક એવા પ્રતિબંધિત સિન્થેટિક ફૂડ કલરનો બેફામ ઉપયોગ કરવામાં આવતો હતો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 05 Sep 2026 07:25 PM (IST)Updated: Sat, 05 Sep 2026 07:25 PM (IST)
ahmedabad-food-safety-raid-amc-seals-3-units-seizes-substandard-ghee-and-namkeen
HIGHLIGHTS
  • માધુપુરાના 'મહાવીર ઘી ભંડાર'માં 1140 કિગ્રી ઘીનો જથ્થો જપ્ત કરાયો

Ahmedabad Food Safety Raid: અમદાવાદના નાગરિકોને શુદ્ધ, સ્વચ્છ અને ગુણવત્તાયુક્ત ખોરાક મળી રહે, તે હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના હેલ્થ એન્ડ ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

આ દરમિયાન લાયસન્સ વિના ચાલતી પ્રવૃત્તિઓ, અત્યંત અસ્વચ્છ પરિસ્થિતિ, પેકેજિંગ અને લેબલિંગના નિયમોનો ભંગ તેમજ મસાલા અને નમકીનમાં પ્રતિબંધિત સિન્થેટીક કલરોના ઉપયોગ કરનારા એકમો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.

ચાંદલોડિયા, વટવા અને વેજલપુરમાં 3 એકમો સીલ, રૂ.9.22 લાખનો દંડ વસૂલાયો

AMCના ફૂડ એન્ડ સેફ્ટી વિભાગની આ ઝૂંબેશ અંતર્ગત વટવા, વેજલપુર અને ચાંદલોડિયા વિસ્તારમાં 3 એકમો સીલ કરવામાં આવ્યા છે. જેમની પાસેથી કુલ 9,22,650 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. આ સાથે જ 2,666 કિગ્રા જેટલા અખાધ્ય જથ્થો પણ સીઝ કરાયો છે.

વટવા સ્થિત એમ.એમ. ફૂડ પ્રોડક્ટ્સમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ એકમાં FSSAIના જરૂરી લાયસન્સ કે રજિસ્ટ્રેશન વિના જ ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન કરતું સામે આવ્યું હતુ. તેમજ એમ.એમ.ફૂડ પ્રોડક્ટના સંચાલકો દ્વારા પેકેજિંગ અને લેબલિંગના નિયમોનું પણ પાલન નહતું કરવામાં આવતું.

આ ઉપરાંત ઉપ્તાદન અને સંગ્રહ સ્થળે ગંદકી ધ્યાને આવતા એકમને સીલ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અહીંથી સોયા ચોપ, ચીલી ચોપ, ચટણી, કોળું અને કોર્ન ફ્લોર સહિત 2516 કિગ્રા (રૂ.1.75 લાખ)નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે.

વેજલપુરના માતેશ્વરી ચવાણા માર્ટમાં નમકીનમાં કેમિકલ રંગનો ઉપયોગ થતો હતો

વેજલપુર ગામમાં આવેલ 'શ્રી માતેશ્વરી ચવાણા એન્ડ સ્વીટ માર્ટ'માં તપાસ દરમિયાન માલૂમ પડ્યું કે, ગ્રાહકોને પીરસવામાં આવતા નમકીનને આકર્ષક બનાવવા માટે તેમાં માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક એવા પ્રતિબંધિત સિન્થેટિક ફૂડ કલરનો બેફામ ઉપયોગ કરવામાં આવતો હતો.

આથી જાહેર જનતાના આરોગ્યના હિતમાં તંત્ર દ્વારા આ એકમને તાત્કાલિક અસરથી સીલ કરી દેવાયું છે. આ ઉપરાંત અંદાજિત રૂ. 30,000/ની કિંમત ધરાવતો 150 કિલોગ્રામ નમકીનનો જથ્થો સ્થગિત કરવામાં આવ્યો છે. આવી જ રીતે ચાંદલોડિયા વિસ્તારમાં લાયસન્સ વિના ગેરકાયદેસર રીતે અને ગંદકીમાં ચાલતુ 'ગુજરાત ફ્રાય સેન્ટર' નામનું યુનિટ પણ સીલ મારવામાં આવ્યું છે.

માધુપુરાના 'મહાવીર ઘી ભંડાર'માંથી લીધેલા નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર

જ્યારે મનપાના ફૂડ વિભાગ દ્વારા માધુપુરા માર્કેટના મહાવીર ઘી ભંડાર નામના યુનિટમાંથી અગાઉ લેવામાં આવેલા ઘીના નમૂનાઓ ફૂડ લેબોરેટરીના પૃથ્થકરણમાં સબસ્ટાન્ડર્ડ જાહેર થયા હતા. આથી ફૂડ સેફ્ટી વિભાગે તુરંત એક્શન લઈને 15 કિલોગ્રામ પેકિંગના આવા 76 ટીન એટલે કે કુલ 1,140 કિલોગ્રામ ઘીનો જથ્થો જપ્ત કરી વેચાણ સ્થગિત કરાવ્યું છે. આ જથ્થાની બજારમાં અંદાજિત કિંમત રૂ. 7,17,650/- આંકવામાં આવી છે.