Patan Sidhpur Highway Accident: પાટણ-સિદ્ધપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં પુરપાટ ગતિએ પસાર થતી હોન્ડા સિટી કાર ધડાકાભેર રોડની સાઈડમાં રહેલી ઓરડીની દીવાલ સાથે ભટકાઈ હતી. આ અકસ્માતમાં કારમાં ડ્રાઈવરની બાજુની સીટ પર બેઠેલા સગીરનું મોત નીપજ્યું છે, જ્યારે પાછળ બેઠેલા બે જણાને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ડેર ગામના સહદેવજી ઠાકોર પોતાની હરિયાણા પાસિંગની હોન્ડા સિટી કારમાં પત્ની અને ગામના સગીરને લઈને કનેસરાથી ડેર સ્થિત પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. તેમની કાર પાટણ-સિદ્ધપુર હાઈવે પરના નેદ્રા નજીકના વળાંક પર પહોંચી ત્યારે કારના ચાલક સહદેવજીએ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો.
જોરદાર ટક્કરથી ઓરડીની દીવાલ તૂટી ગઈ, કારનું પણ પડીકું વળી ગયું
બેકાબુ બનેલી હોન્ડા સિટી કાર રોડની બાજુમાં આવેલી ઓરડીની દીવાલ સાથે ધડાકાભેર ભટકાઈ હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે, ઓરડીની દીવાલ તેમજ નજીકમાં પાર્ક કરેલ બાઈકને નુકસાન પહોંચ્યું હતુ. જ્યારે કારનો પણ કચ્ચરઘાણ વળી ગયો હતો.
આ અકસ્માતમાં ડ્રાઈવરની બાજુની સીટમાં બેઠેલા ડેર ગામના ધનરાજ ઠાકોર (16) અને પાછળની સીટમાં બેઠેલ કાર ચાલકના પત્ની કેસરબેનને ગંભીર ઈજા પહોંચી હતી. આ અકસ્માતના પગલે સ્થાનિકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. તેમણે 108ની મદદથી કારમાં સવાર ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સિદ્ધપુર હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ માથાના ભાગે ગંભીર ઈજા થવાથી ધનરાજનું મોત નીપજ્યું હોવાનું જણાવ્યું હતુ.
આ મામલે મૃતકના કાકા કનુજી ઠાકોરે સિદ્ધપુર પોલીસ મથકમાં કારના ડ્રાઈવર સહદેવજી ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેના પગલે પોલીસે ડ્રાઈવર વિરુદ્ધ મોટર વ્હીકલ એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મૃતકના કાકા કનુજી મેતાજી વાઘાજી ઠાકોરે સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે હોન્ડા સિટી કારના ચાલક સહદેવજી જામતાજી ઠાકોર સામે બેદરકારીથી વાહન ચલાવી મોત નીપજાવવા બદલ ગુનો નોંધાવ્યો છે.સિદ્ધપુર પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને મોટર વાહન અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
-1788612654621_m.webp)