મહેસાણામાં જન્માષ્ટમીનો આનંદ માતમમાં ફેરવાયોઃ મેળામાં સાથે ફર્યા બાદ સૂરજ ગામના તળાવમાં ન્હાવા પડેલા 3 મિત્રોના ડૂબી જવાથી મોત

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના સૂરજ ગામમાં જન્માષ્ટમીના મેળા બાદ તળાવમાં ન્હાવા પડેલા ત્રણ મિત્રોના ડૂબી જવાથી કરૂણ મોત થયા છે. આ ઘટનાથી ગામ અને પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે, પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 05 Sep 2026 05:48 PM (IST)Updated: Sat, 05 Sep 2026 05:48 PM (IST)
mehsana-news-janmashtami-fair-tragedy-3-youth-drown-in-suraj-village-lake

Mehsana: મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં જન્માષ્ટમીના પર્વે આયોજિત મેળો માણ્યા બાદ સૂરજ ગામના તળાવમાં ન્હાવા પડેલા ત્રણ મિત્રોના ડૂબી જવાથી મોત નીપજ્યા હોવાની કરૂણ ઘટના સામે આવી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મહેસાણા જિલ્લાના કડી તાલુકાના સૂરજ ગામમાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે આઠમનો મેળો ભરાયો હતો. જેથી સૂરજ ગામમાં રહેતા અશ્વિન ઠાકોરે કડીની ખાનગી કંપનીમાં પોતાની સાથે કામ કરતાં બે મિત્રોને મેળામાં આવવા આમંત્રણ આપ્યું હતુ. જેના પગલે કડીમાં રહેતા અશ્વીન ઠાકોરના બે મિત્રો નરેશ રાઠોડ (21) અને શિવકુમાર શર્મા (24) સૂરજ ગામે આવ્યા હતા. જ્યાં ત્રણેય મિત્રોએ ગામમાં ભરાયેલા મેળાની મજા માણી હતી.

જે બાદ સાંજના સમયે ત્રણેય મિત્રો સૂરજ ગામની સીમમાં આવેલા તળાવમાં ન્હાવા માટે ઉતર્યા હતા. જો કે પાણીની ઊંડાઈનો અંદાજો ના રહેતા ત્રણેય મિત્રો ડૂબી ગયા હતા. મોડી રાતે આ બાબતની જાણ થતાં ગામના સરપંચે કડી પોલીસ તેમજ મહેસાણા મનપાના ફાયર વિભાગને જાણ કરતા કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો.

મહેસાણા ફાયર વિભાગની ટીમે મોડી રાત સુધી સર્ચ ઑપરેશન હાથ ધરીને ત્રણેય યુવકોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢ્યા હતા. જન્માષ્ટમીના પાવન પર્વે ત્રણેય યુવકોના મોતથી સૂરજ ગામ સહિત ત્રણેયના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હાલ તો કડી પોલીસે ત્રણેય યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.