Ahmedabad Food Poisoning Case Updates: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં તૈયાર ખીરાના ઢોસા ખાધા બાદ બે સગી બહેનોના રહસ્યમય મોતના કેસે સમગ્ર શહેરમાં ચકચાર જગાવી છે. આ ઘટનામાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે પોલીસે તપાસના ભાગરૂપે 3 મહિનાની માસૂમ બાળકી રાહાના મૃતદેહને દફનાવ્યાના ચાર દિવસ બાદ કબર બહાર કાઢીને પેનલ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. એફએસએલ (FSL) અને મેજિસ્ટ્રેટની હાજરીમાં લેવાયેલા આ કડક નિર્ણયથી આગામી દિવસોમાં મોતનું સાચું કારણ બહાર આવે તેવી શક્યતા છે.
તૈયાર ખીરું બન્યું કાળ?
ચાંદખેડાની મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલ પ્રજાપતિ ગત 1 એપ્રિલના રોજ આઈઓસી (IOC) રોડ પર આવેલી ઘનશ્યામ ડેરીમાંથી તૈયાર ખીરું લાવ્યા હતા. પરિવારે આરોપ લગાવ્યો છે કે આ ખીરામાંથી બનાવેલા ઢોસા ખાધા બાદ પરિવારના સભ્યોની તબિયત લથડી હતી. ઉલ્ટીઓ અને ફૂડ પોઈઝનિંગની અસરોને કારણે 3 મહિનાની રાહા અને 4 વર્ષની મીશ્રીનું કરુણ મોત નીપજ્યું હતું. રાહાનું મોત 4 એપ્રિલે થયું હતું અને પરિવારે તેની અંતિમવિધિ કરી દીધી હતી, જ્યારે મીશ્રીનું મોત સારવાર દરમિયાન થયું હતું.
પોલીસ તપાસ અને મૃતદેહનું ઉત્ખનન
એલ ડિવિઝન એસીપી ડી.વી. રાણાએ જણાવ્યું હતું કે, "બાળકીઓના મોત અંગે ગંભીર આક્ષેપો થયા હોવાથી સત્ય બહાર લાવવું જરૂરી છે. મેજિસ્ટ્રેટની પરવાનગી મેળવીને 3 મહિનાની બાળકીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે. પેનલ પોસ્ટમોર્ટમ બાદ વિઝેરા રિપોર્ટ મોતનું સચોટ કારણ જાહેર કરશે."
જે કોઈ લોકોએ ખીરું ખરીદ્યું હતું તેમના નિવેદન લેવાઈ રહ્યા છે: ACP
આ અંગે એલ ડિવિઝન એસીપી ડી.વી રાણાએ જણાવ્યું હતું કે, ખીરામાંથી ઢોસા બનાવીને ખાવાના કારણે બે બાળકોના મોતનો આક્ષેપ હતો, જેથી મેજિસ્ટ્રેટની હાજરીમાં ત્રણ મહિનાની બાળકીનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. જે બાદ પેનલ પોસ્ટમોર્ટમ કરવા માટે મોકલવામાં આવ્યો છે. આ પરિવાર સિવાય અન્ય જે લોકોએ ખીરું ખરીદી હોય તેમનો સંપર્ક કરી તેમનું પણ નિવેદન લેવામાં આવી રહ્યું છે. ACPએ આગળ કહ્યું કે, બાળકીઓના ઘરે પણ તપાસ કરવામાં આવી હતી, પરંતુ કંઇપણ શંકાસ્પદ મળી આવ્યું નથી. દુકાનદારના સીસીટીવી ફૂટેજ સતત તપાસવામાં આવી રહ્યા છે અને તેમાં પણ કોઈ શંકાસ્પદ દેખાઈ રહ્યું નથી.
FSL રિપોર્ટ પર ટકેલી છે તપાસ
ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીઆઈના જણાવ્યા મુજબ, અત્યારે પોલીસ મુખ્યત્વે FSL રિપોર્ટની રાહ જોઈ રહી છે. આઈસીયુમાં સારવાર લઈ રહેલા માતા-પિતાના બ્લડ સેમ્પલ તપાસ માટે મોકલાયા છે. આ ઉપરાંત જે ડેરીમાંથી ખીરું લાવવામાં આવ્યું હતું, ત્યાંથી પણ સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
ખીરાનું રહસ્ય અને ડેરી માલિકનો બચાવ
મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રો મુજબ, પરિવારે 3 કિલો ખીરું ખરીદ્યું હતું, પરંતુ તેમાંથી માત્ર 300 ગ્રામનો ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે અને બાકીનું 2700 ગ્રામ ખીરું ડેરીમાં પરત કરવામાં આવ્યું હતું. આ બાબતે પોલીસ ઊંડી તપાસ કરી રહી છે.
બીજી તરફ, ડેરી માલિક કેતન પટેલે પોતાનો પક્ષ રાખતા કહ્યું કે, "અમે રોજનું 100 કિલોથી વધુ ખીરું વેચીએ છીએ. તે દિવસે પણ ઘણા લોકો ખીરું લઈ ગયા હતા અને અમે અમારા સંબંધીઓને પણ આપ્યું હતું, પરંતુ કોઈને તકલીફ થઈ નથી. ખીરું અમે ડેરી પર જ બનાવીએ છીએ."
