અમદાવાદ ખીરું કેસમાં નવો વળાંક: 4 દિવસ બાદ માસૂમ બાળકીનો મૃતદેહ પીએમ માટે બહાર કઢાયો; ચાંદખેડામાં પોલીસ અને FSL એ તપાસ શરુ કરી

પરિવારના જણાવ્યા અનુસાર, વિમલ પ્રજાપતિ ગત 1 એપ્રિલના રોજ ચાંદખેડાના IOC રોડ પર આવેલી 'ઘનશ્યામ ડેરી'માંથી ઢોસાનું તૈયાર ખીરું લાવ્યા હતા.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Tue, 07 Apr 2026 02:19 PM (IST)Updated: Tue, 07 Apr 2026 02:19 PM (IST)
ahmedabad-kheeru-case-after-4-days-the-body-of-the-innocent-girl-was-brought-out-for-the-pm-police-and-fsl-started-investigation-in-chandkheda

Ahmedabad News: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એક હૃદયદ્રાવક અને રહસ્યમય ઘટના સામે આવી છે, જેમાં ઢોસાનું ખીરું ખાધા બાદ એક જ પરિવારની બે માસૂમ બાળકીઓના શંકાસ્પદ મોત નિપજ્યા છે. આ ઘટનાએ સમગ્ર શહેરમાં ખળભળાટ મચાવી દીધો છે અને ખાદ્ય પદાર્થોની સુરક્ષા સામે અનેક સવાલો ઉભા કર્યા છે. આ મામલે પોલીસ અને FSLની ટીમે ઊંડી તપાસ શરૂ કરી છે.

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલી મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા એક પરિવાર પર આભ તૂટી પડ્યું છે. તૈયાર ખીરું લાવીને તેના ઢોસા બનાવીને ખાધા બાદ પરિવારની તબિયત લથડી હતી, જેમાં 3 મહિનાની રાહા અને 4 વર્ષની મીશ્રી નામની બે સગી બહેનોના કરુણ મોત નિપજ્યા છે. આ ઘટનામાં ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે પોલીસે તપાસ માટે દફનાવવામાં આવેલી અઢી માસની બાળકીનો મૃતદેહ 4 દિવસ બાદ બહાર કાઢ્યો હતો.

naidunia_image

શું હતી સમગ્ર ઘટના?

પરિવારના જણાવ્યા અનુસાર, વિમલ પ્રજાપતિ ગત 1 એપ્રિલના રોજ ચાંદખેડાના IOC રોડ પર આવેલી 'ઘનશ્યામ ડેરી'માંથી ઢોસાનું તૈયાર ખીરું લાવ્યા હતા. તે જ રાત્રે પરિવારે તેમાંથી ઢોસા બનાવીને ખાધા હતા. બીજા દિવસે સવારે વિમલભાઈને ઉલટીઓ થવા લાગી હતી. જોકે, પરિવારને ખ્યાલ નહોતો કે આ તકલીફ ખીરું ખાવાથી થઈ છે, તેથી 2 એપ્રિલના રોજ પણ પત્ની અને બાળકોએ તે જ ખીરામાંથી ઢોસા બનાવીને ખાધા હતા.

ત્યારબાદ પરિવારના તમામ સભ્યોની તબિયત ગંભીર રીતે લથડી હતી. પાડોશીઓ અને સંબંધીઓની મદદથી તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન મોટી દીકરી મીશ્રી (4 વર્ષ) નું મોત નિપજ્યું હતું, જ્યારે નાની બાળકી રાહા (3 મહિના) એ પણ દમ તોડી દીધો હતો.

FSLની હાજરીમાં મૃતદેહ બહાર કઢાયો

નાની બાળકી રાહાના મોત બાદ પરિવારે તેની અંતિમ વિધિ કરી દીધી હતી. પરંતુ ફૂડ પોઈઝનિંગનો આક્ષેપ અને શંકાસ્પદ મોતના મામલે ચાંદખેડા પોલીસે તપાસ તેજ કરી છે. સોમવારે FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) ની ટીમની હાજરીમાં બાળકીના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. હવે આ મૃતદેહનું પેનલ ડોક્ટરો દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવશે, જેથી મોતના સાચા કારણની ખબર પડી શકે.

ડેરી માલિક અને કોર્પોરેશનની શંકાસ્પદ વિગતો

આ મામલે બે પક્ષો સામે આવ્યા છે:

1) કોર્પોરેશનના સૂત્રો: AMC ના સૂત્રો મુજબ, પરિવારે 3 કિલો ખીરું ખરીદ્યું હતું, પરંતુ તેમાંથી માત્ર 300 ગ્રામનો જ ઉપયોગ કર્યો હતો અને બાકીનું 2700 ગ્રામ ખીરું ડેરી માલિકને પરત કરી દીધું હતું. આ બાબત પોલીસ માટે તપાસનો વિષય બની છે કે માત્ર 300 ગ્રામ ખીરાથી આટલી ગંભીર અસર કેવી રીતે થઈ શકે?

2) ડેરી માલિકનો બચાવ: ઘનશ્યામ ડેરીના માલિક કેતન પટેલે જણાવ્યું હતું કે, "અમે દરરોજ 100 થી 125 કિલો ખીરું વેચીએ છીએ. તે જ દિવસે અન્ય ઘણા ગ્રાહકો અને અમારા સંબંધીઓએ પણ એ જ લોટમાંથી ઢોસા ખાધા હતા, પરંતુ કોઈને કોઈ તકલીફ થઈ નથી. અમે ખીરું અમારી ડેરીમાં જ બનાવીએ છીએ."

પોલીસ તપાસ અને નમૂનાઓનું પરીક્ષણ

ચાંદખેડા પોલીસ સ્ટેશનના PI જે. કે. મકવાણાના જણાવ્યા મુજબ, અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે. FSL ની ટીમે ડેરી પર જઈને ખીરાના સેમ્પલ લીધા છે અને તેનું લેબોરેટરીમાં પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ફૂડ પોઈઝનિંગ ઉપરાંત અન્ય કોઈ કેમિકલ કે ઝેરી તત્ત્વ લોટમાં ભળ્યું હતું કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.