Ahmedabad Dosa Case: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ઢોસાનું ખીરું ખાધા બાદ બે માસૂમ બાળકીઓના મોતના મામલે દરરોજ નવા અને ચોંકાવનારા વળાંક સામે આવી રહ્યા છે. અત્યાર સુધી જે ઘટનાને 'ફૂડ પોઈઝનિંગ' માનવામાં આવતી હતી, તે હવે એક ગંભીર ગુનાહિત કાવતરું હોવાની શંકા દ્રઢ બની છે. એફએસએલ (FSL) ના લેટેસ્ટ રિપોર્ટમાં માતા-પિતાના લોહીમાં ઝેરી દવાની હાજરી મળી આવતા સમગ્ર તપાસની દિશા બદલાઈ ગઈ છે.
બ્લડ સેમ્પલમાં 'એલ્યુમિનિયમ ફોસ્ફેટ' મળતા ખળભળાટ
ચાંદખેડાની મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલ પ્રજાપતિ અને તેમના પત્ની ભાવનાબેન ખીરું ખાધા બાદ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ હતા. પોલીસ દ્વારા લેવામાં આવેલા તેમના બ્લડ સેમ્પલના રિપોર્ટમાં અત્યંત ઝેરી એવી 'એલ્યુમિનિયમ ફોસ્ફેટ' (અનાજમાં નાખવાની દવા) ની હાજરી મળી આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિમલભાઈ થોડા દિવસો પહેલા જ ઘઉંમાં રાખવા માટે આ દવા લાવ્યા હતા. હવે પ્રશ્ન એ ઉભો થયો છે કે આ દવા ખીરામાં કેવી રીતે ભળી?
પોલીસની તપાસ
માત્ર ખીરું ખાવાથી બે બાળકીઓના મોત થાય અને માતા-પિતાની હાલત આટલી ગંભીર થઈ જાય તે વાત પોલીસને ગળે ઉતરતી ન હતી. ડેરીના ખીરામાં જો ખામી હોત, તો તે દિવસે ખીરું ખરીદનાર અન્ય ગ્રાહકોને પણ અસર થવી જોઈતી હતી, પરંતુ તેવું બન્યું નથી. આથી, પોલીસે હવે નીચે મુજબના પાસાઓ પર તપાસ કેન્દ્રિત કરી છે:
CCTV ફૂટેજનું સ્કેનિંગ
વિમલ પ્રજાપતિ ડેરીએથી ખીરું લઈને સીધા ઘરે આવ્યા હતા કે રસ્તામાં ક્યાંય રોકાયા હતા? પોલીસ ડેરીથી ઘર સુધીના તમામ કેમેરા તપાસી રહી છે.
ઘરની તપાસ
એફએસએલની ટીમે ઘરમાંથી ચાદર, કપડાં, ખીરું ભરવાનું વાસણ અને બાળકોની દવાઓ કબજે કરી છે.
તબીબી તપાસ
3 મહિનાની બાળકી રાહાનો મૃતદેહ ૪ દિવસે કબર બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલાયો છે, જેથી તેના શરીરમાં પણ દવાની હાજરી છે કે કેમ તેની પુષ્ટિ થઈ શકે.
સમગ્ર ઘટનાનો ઘટનાક્રમ
4 એપ્રિલના રોજ વિમલભાઈ ઘનશ્યામ ડેરીમાંથી ખીરું લાવ્યા હતા. તેમાંથી ઢોસા બનાવીને ખાધા બાદ 3 મહિનાની રાહા અને 4 વર્ષની મીશ્રીની તબિયત લથડી હતી અને ટૂંકા ગાળામાં જ બંનેના કરુણ મોત નિપજ્યા હતા. શરૂઆતમાં પરિવારે રાહાની અંતિમવિધિ કરી દીધી હતી, પરંતુ 4 વર્ષની બાળકીના મોત બાદ મામલો શંકાસ્પદ જણાતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
