Ahmedabad Fraud News: ઉચ્ચ અધિકારીઓના નામે અરજી નિકાલ કરવાની લાલચ આપી રૂ. 50 લાખની છેતરપિંડી આચરનાર પિતા-પુત્ર વિરુદ્ધ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીઓએ વધુ રૂ. 10 લાખની માંગણી કરી ધમકી પણ આપી હોવાનું સામે આવ્યું છે.
નનામી અરજીની તપાસનો લાભ લેવાનું કાવતરું
મળતી માહિતી મુજબ, ફરિયાદી અનાર્મ હેડ કોન્સ્ટેબલ વેલજીભાઈ જીવણભાઈ રબારી અને તેમના સાથી કર્મચારીઓ અગાઉ જી.યુ.વિ.એન.એલ. પોલીસ સ્ટેશન, સાબરમતી ખાતે ફરજ બજાવતા હતા. તે સમયે તેમની વિરુદ્ધ થયેલી એક નનામી અરજીની તપાસ ચાલી રહી હતી.
આ તપાસમાં રાહત અપાવવાના બહાને બદપુરા (તા. માણસા, જિ. ગાંધીનગર) અને હાલ થલતેજ, અમદાવાદ ખાતે રહેતા એન.ડી. ચૌધરી તથા તેમના પુત્ર આકાશ ચૌધરીએ સંપર્ક સાધ્યો હતો. સરકાર અને ઉચ્ચ અધિકારીઓમાં ઊંચી ઓળખાણ હોવાનો દાવો કરી બંનેએ અરજીનો નિકાલ કરાવી આપવાનો વિશ્વાસ કેળવ્યો હતો.
50 લાખ પડાવ્યા બાદ વધુ 10 લાખની ધમકી
આરોપીઓની વાતોમાં આવી જઈ ફરિયાદી અને અન્ય કર્મચારીઓએ તા. 26/10/2026 થી તા. 21/11/2026 દરમિયાન ટુકડે-ટુકડે કુલ રૂ. 50 લાખ રોકડા ચૂકવ્યા હતા. ત્યારબાદ આરોપી એન.ડી. ચૌધરીએ વધુ રૂ. 10 લાખની માંગણી કરી હતી અને નાણાં નહીં આપે તો ખાતાકીય કાર્યવાહી કરાવી ગુનો દાખલ કરાવવાની ધમકી આપી હતી.
તપાસમાં ભાંડો ફૂટ્યો, ક્રાઈમ બ્રાન્ચમાં ગુનો નોંધાયો
સમગ્ર મામલે તપાસ અધિકારી નાયબ પોલીસ અધિક્ષકનો સંપર્ક કરતાં કોઈ નાણાકીય વ્યવહારની વાત તદ્દન ખોટી હોવાનું અને તપાસ હજુ ચાલુ હોવાનું સ્પષ્ટ થયું હતું. ત્યારબાદ હેડ કોન્સ્ટેબલની ફરિયાદના આધારે તા. 24/11/2026ના રોજ અમદાવાદ ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે. હાલ નાયબ પોલીસ અધિક્ષક સુભાષભાઈ નીનામા દ્વારા વધુ તપાસ ચાલી રહી છે.
ભોગ બનેલા લોકોને આગળ આવવા પોલીસની અપીલ
ગુજરાત પોલીસે જાહેર જનતા તેમજ સરકારી કર્મચારીઓને અપીલ કરી છે કે જો એન.ડી. ચૌધરી અને આકાશ ચૌધરીએ અન્ય કોઈની પણ સાથે આવી રીતે છેતરપિંડી કરી હોય, તો તેઓ નિઃસંકોચ આગળ આવે.
ભોગ બનેલા નાગરિકો કે કર્મચારીઓ નજીકના પોલીસ સ્ટેશન, પોલીસ કમિશનર અથવા પોલીસ અધિક્ષક (SP) કચેરી તેમજ ગાંધીનગર પોલીસ ભવન ખાતે આવેલા 'જન સંપર્ક કેન્દ્ર'નો સીધો સંપર્ક કરી શકે છે.
