Dholera Development Updates: ગ્રીનફિલ્ડ ઔદ્યોગિક શહેર ધોલેરામાં ભવિષ્યની પાણીની જરુરિયાતોને ધ્યાનમાં રાખીને અત્યાધુનિક માળખાકીય સુવિધા ઊભી કરવાની દિશામાં મોટું પગલું ભરાયું છે. ખૂન ગામ પાસે આવેલી 112 હેક્ટર સરકારી જમીન પર 220 કરોડ લિટર સંગ્રહક્ષમતા ધરાવતું મહાજળાશય અને પમ્પિંગ સ્ટેશન આકાર પામશે, ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા શહેરના વિકાસ પૂર્વે જ પાણી વ્યવસ્થાપનને મજબૂત બનાવવાનું આયોજન કરાયું છે.
બે ભાગમાં બનાવાશે જળાશય
પાણીના સપ્લાયમાં કોઈ અડચણ ન આવે તે માટે આ મહાજળાશયને 1100 મિલિયન લિટરની ક્ષમતાવાળા બે અલગ અલગ ભાગમાં વહેંચવામાં આવશે. આ વ્યવસ્થાનો મુખ્ય લાભ એ રહેશે કે એક ભાગની સફાઈ કે મરામત ચાલતી હોય ત્યારે બીજા ભાગમાં પાણીનો પુરવઠો સતત ચાલુ રાખી શકાશે. જમીનમાંથી 1.5 મીટર માટી ખોદીને 10થી 15 કિમી દૂર ખસેડ્યા પછી 2.5 મીટર સારી માટીનું પુરાણ કરીને 5 મીટર પહોળો પાળો તૈયાર કરાશે, જ્યારે લીકેજ રોકવા તળિયે પ્લાસ્ટિક લાઈનર, રેતી અને કોંક્રેટ ટાઈલ્સનું અતિ મજબૂત લેયર લગાવાશે.
ભૂકંપ ઝોન-3 મુજબ મજબૂત બાંધકામ
આ વિસ્તાર ભૂકંપ ઝોન-3 માં આવતો હોવાથી બાંધકામની ગુણવત્તા અને સુરક્ષા પર ખાસ ધ્યાન અપાશે. પ્રોજેક્ટમાં મુખ્ય ટેકનિકલ અને સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ અને વ્યવસ્થિત રખાશે. જેમાં ચોમાસામાં વધારાના વરસાદી પાણીના નિકાલ માટે 2 નાના પમ્પિંગ સ્ટેશન બનાવી પાણી આધિયા નદીમાં છોડાશે. સંકુલ ફરતે ઊંચી દીવાલ, વોચ ટાવર અને સીસીટીવી કેમેરા લગાવાશે,
કંટ્રોલ રૂમ અને ઈન્ટરનેટ મારફતે ડિજિટલ મોનીટરીંગ થશે. 2 કિમી દૂર આવેલા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી રોજ 15 કરોડ લિટર પાણી પહોંચાડવા 6 હેવી-ડ્યુટી પંપ (4 કાર્યરત, 2 સ્ટેન્ડબાય) અને ડીઝલ જનરેટરની સુવિધા રહેશે. ભવિષ્યની માંગને પહોંચી વળવા સિવિલ બાંધકામ 3 તબક્કા મુજબ અત્યારથી જ કરાશે, જ્યારે હાલ 2 તબક્કાની મશીનરી લગાવાશે.
સર્વેથી સંચાલન સુધીની જવાબદારી એક જ એજન્સીને
પર્યાવરણીય મંજૂરી ધરાવતા આ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટમાં શરૂઆતના સર્વેથી લઈને ભવિષ્યના સંચાલન સુધીની સમગ્ર કામગીરી એક જ એજન્સીને સોંપવામાં આવશે. તેનાથી કામગીરીમાં સંકલન જળવાઈ રહેશે અને ધોલેરા ઔદ્યોગિક વિસ્તાર માટે લાંબા ગાળાની જળ સુરક્ષા સુનિશ્ચિત થઈ શકશે.
