Ahmedabad News: અમદાવાદ શહેરમાં એક મહિલાએ પોતાના NRI પતિ અને સસરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે. શહેરના સોલા વિસ્તારમાં રહેતા અને મેમનગરની એક પ્રતિષ્ઠિત હોસ્પિટલના એનેસ્થેસિયા વિભાગમાં પીજીનો અભ્યાસ કરતા મહિલા તબીબે પોતાના અમેરિકન નાગરિકતા ધરાવતા પતિ એક અજાણી મહિલા સાથે મળી આવ્યા બાદ સર્જાયેલા વિવાદ અને ઘરમાંથી કાઢી મૂકવાના આક્ષેપને પગલે બોડકદેવ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે.
શું છે સમગ્ર મામલો?
તબીબ મહિલાની પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ પ્રમાણે, મહિલા તબીબ અને તેનો પતિ ઉદયપુરની મેડિકલ કોલેજમાં એમબીબીએસનો અભ્યાસ કરતા હતા. અભ્યાસ દરમિયાન બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. તબીબી ડિગ્રી મેળવ્યા બાદ બંનેએ જૂન 2020માં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ બંને થલતેજ વિસ્તારમાં રહેતા હતા.
મહિલાના પતિ અને તેની માતા પાસે અમેરિકન સિટીઝનશીપ હોવાથી લગ્ન બાદ મહિલાનો પતિ અમેરિકા જતો રહ્યો હતો. જ્યારે મહિલા તબીબ અમદાવાદ ખાતે સસરા સાથે રહેતા હતા.
તબીબ પતિ અજાણી યુવતી સાથે મળ્યો
વર્ષ 2025માં NRI પતિ અમેરિકાથી પરત ફર્યો જે બાદ તેઓ સોલામાં એક ભાડાના ફ્લેટમાં રહેવા ગયા હતા. પરંતુ થોડા સમય પછી તેઓ પાછા થલતેજમાં આવેલા તેમના ઘરમાં રહેવા જતા રહ્યા હતા અને સોલાના મકાનનું ભાડુ ચૂકવવાનું પણ બંધ કરી દીધું હતું, આ અંગે મહિલા ડોક્ટરને જાણ થાં તેઓ થલતેજ સ્થિત પોતાના ઘરે પહોંચ્યા હતા, જ્યાં તેમને ઘરમાં અજાણી યુવતી જોવા મળી હતી.
પત્નીએ પતિને યુવતી અંગે પૂછતા વિવાદ
થલતેજના ઘરમાં હાજર યુવતી અંગે જ્યારે મહિલા તબીબે પતિ અને સસરા સમક્ષ સવાલ ઉઠાવ્યા હતા. મહિલાએ પોતાની ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે, પતિ અને સસરાએ કોઈ સંતોષજનક ખુલાસો આપવાને બદલે તેની સાથે ઉગ્ર વર્તન કરીને ઘરમાંથી બહાર કાઢી મૂકી હતી. તેમજ છૂટાછેડા આપવાનું કહ્યું હતું . સમગ્ર મામલે મહિલા તબીબે બોડકદેવ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
