Ahmedabad Air Pollution: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરની હવાની ગુણવત્તા સુધારવા અને હવા પ્રદૂષણ નિયંત્રણ માટે વર્ષ 2026થી 2029 સુધીનો ચાર વર્ષીય એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. કોમનવેલ્થ ગેમ્સ 2030 પહેલા શહેરમાં પ્રદૂષણનાં સ્ત્રોતોની ઓળખ, હવાની ગુણવત્તાનું સતત મોનિટરિંગ, બાંધકામ સ્થળોએ ધૂળનું નિયંત્રણ, ઔદ્યોગિક એકમો સામે અમલીકરણલક્ષી કાર્યવાહી, રસ્તાઓ પરથી ઊડતી ધૂળમાં ઘટાડો અને હરિયાળી વિસ્તારના વિસ્તરણને આ આયોજનમાં પ્રાથમિકતા આપવામાં આવી છે. વર્ષ 2029 સુધીમાં શહેરનું ગ્રીન કવર 13.5ટકાથી વધુ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે.
હવાની ગુણવત્તા પર નજર રાખવા વિશેષ કામગીરી
અમદાવાદમાં હવાની ગુણવત્તાનું સતત મોનિટરિંગ કરવા માટે કેન્દ્ર સરકારના 8 અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)નાં 2 મળીને કુલ 10 કન્ટિન્યુઅસ એમ્બિયન્ટ એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન (CAAQMS) કાર્યરત છે. આ સ્ટેશનો દ્વારા હવાની ગુણવત્તા માપવામાં આવે છે અને તેનો લાઇવ એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) કેન્દ્ર સરકારના પોર્ટલ પર ઉપલબ્ધ છે. આ ઉપરાંત, બાંધકામ સ્થળોએ બિલ્ડરો દ્વારા 243ડસ્ટ સેન્સર, AMCની વોર્ડ કચેરીઓમાં સ્માર્ટ સિટી દ્વારા અંદાજે 50 એન્વાયર્નમેન્ટલ સેન્સર અને ઇસરો (ISRO) દ્વારા 15 સેન્સર સ્થાપિત કરવામાં આવ્યા છે. આમ, આ ત્રણ વ્યવસ્થાઓ મારફતે કુલ 308 સેન્સર દ્વારા વિવિધ સ્થળોએ હવાની ગુણવત્તા અને પ્રદૂષણના સ્તર પર નજર રાખવામાં આવે છે.
પ્રદૂષણના સ્ત્રોતોની ઓળખ માટે દૈનિક ફિલ્ડ મોનિટરિંગ
AQMCની ટીમ દ્વારા દરરોજ બાંધકામ હેઠળનાંસ્થળો, એન્ડ-ટુ-એન્ડ પેવિંગ ન થયેલા રસ્તાઓ, ઔદ્યોગિક એકમો, રેડી મિક્સકોંક્રિટ (RMC) પ્લાન્ટ્સ અને બાંધકામ હેઠળના બ્રિજની સ્થળ મુલાકાત લેવામાં આવે છે. આ મુલાકાત દરમિયાન નિર્ધારિત એપ્લિકેશનમાં વિગતો અને ફોટોગ્રાફ્સ સાથે રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે. સ્થળ પરની પરિસ્થિતિ અને નિયમોના ઉલ્લંઘનના આધારે AQMC, એસ્ટેટ વિભાગ, એન્જિનિયરિંગ વિભાગ અને GPCB દ્વારા સંકલિત રીતે જરૂરી કાર્યવાહી કરવામાં આવે છે.
શહેરના કોઈ વિસ્તારમાં AQIનું સ્તર વધે ત્યારે AQMCની ટેક્નિકલ ટીમની સલાહના આધારે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ, હેલ્થ વિભાગ, GPCB, AQMC અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત ડ્રાઇવ હાથ ધરવામાં આવે છે. પ્રદૂષણ ફેલાવતા અને નિયમોનું પાલન ન કરતા એકમોનેક્લોઝર નોટિસ આપવા તેમજ જરૂરિયાત મુજબ એકમોને સીલ કરવા સહિતનાં પગલાં લેવામાં આવે છે. આ ઉપરાંત, શહેરના વિવિધ વિસ્તારોમાં દિવસ-રાત મિસ્ટ મશીન દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવે છે, જેથી હવામાં રહેલી ધૂળનાકણોનું પ્રમાણ ઘટાડવામાં મદદ મળી શકે.
બાંધકામ સ્થળો પર નિયમોના પાલન માટે વિશેષ વ્યવસ્થા
જુલાઈ 2025થી AMCના AQMC, એસ્ટેટ વિભાગ અને TDO વિભાગ દ્વારા ગુડ કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસિસ પોલિસીનો અમલ કરવામાં આવી રહ્યો છે. આ પોલિસી અંતર્ગત 20,000 ચોરસ મીટરથી વધુ કાર્પેટ એરિયા ધરાવતાં બાંધકામ સ્થળોએ ડસ્ટ સેન્સર લગાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. AQMC દ્વારા આ સેન્સરનું મોનિટરિંગ કરવામાં આવે છે અને નિયમોનું પાલન ન કરતી તેમજ AQIનું પ્રમાણ વધુ ધરાવતી બાંધકામ સાઇટ્સ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે.
બાંધકામ સ્થળોએ ગ્રીન નેટ, પાણીનો છંટકાવ, બાંધકામ સામગ્રીને ઢાંકવાની વ્યવસ્થા અને વાહનોનાં ટાયરની વ્હીલવોશિંગ જેવી બાબતોનું પાલન થાય તે સુનિશ્ચિત કરવા AMCના દરેક ઝોનમાં ટીમ નિયુક્ત કરવામાં આવી છે. આ ટીમ દ્વારા સ્થળ પરની કામગીરીની સમયાંતરે ચકાસણી કરવામાં આવે છે અને AQMCની એપ્લિકેશનમાં વિગતો નોંધવામાં આવે છે.
4,114 નોટિસ; રૂ.3.17 કરોડનો દંડ વસૂલાયો
નાણાકીય વર્ષ 2026-27 દરમિયાન AQMC અને એસ્ટેટ વિભાગ દ્વારા શહેરમાં કુલ 1,186 બાંધકામ સાઇટ્સનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. નિયમોનું ઉલ્લંઘન જણાતા કુલ 4,114 નોટિસ આપવામાં આવી છે. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન નોટિસ અને દંડ બાદ 30 જેટલી સાઈટ સીલ કરવામાં આવી છે. 1 એપ્રિલ 2026થી 22 નવેમ્બર 2026 દરમિયાન બાંધકામ સાઇટ્સ પાસેથી કુલ રૂ.3,25,98,400નો દંડ વસૂલવામાં આવ્યો છે.
ઝોનવાર દંડની વિગતો મુજબ નોર્થવેસ્ટ ઝોનમાં રૂ.1,05,15,000, સાઉથવેસ્ટ ઝોનમાં રૂ.43,15,000, વેસ્ટ ઝોનમાં રૂ.40,37,000, સેન્ટ્રલ ઝોનમાં રૂ.10,07,400, નોર્થ ઝોનમાં રૂ.41,60,000, ઈસ્ટ ઝોનમાં રૂ.65,31,000 અને સાઉથ ઝોનમાં રૂ.43,15,000નો દંડ વસૂલવામાં આવ્યો છે.
રસ્તાઓની ધૂળ અને અન્ય પ્રદૂષણનાસ્ત્રોતો પર નિયંત્રણ
રસ્તાઓ પરથી ઊડતી ધૂળને નિયંત્રિત કરવા AQMC દ્વારા ધૂળનું પ્રમાણ વધુ હોય તેવા રસ્તાઓની ઓળખ કરવામાં આવે છે. ત્યારબાદ એન્જિનિયરિંગ વિભાગના રોડ પ્રોજેક્ટ વિભાગ દ્વારા રસ્તાઓનુંરિ-સર્ફેસિંગ, એન્ડ-ટુ-એન્ડ રોડ ડેવલપમેન્ટ તેમજ RCC અને વ્હાઇટ ટોપિંગની કામગીરી કરવામાં આવે છે.
ગાર્ડન વિભાગ દ્વારા જરૂરિયાત મુજબ રોડ ડિવાઇડર અને રસ્તાની બંને બાજુ વૃક્ષારોપણ કરવામાં આવે છે. AMCની ખાલી જગ્યાઓમાં કન્સ્ટ્રક્શન એન્ડ ડિમોલિશન (C&D) વેસ્ટનો ગેરકાયદે નિકાલ ન થાય તે માટે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ સાથે સંકલન કરીને જરૂરી કાર્યવાહી કરવામાં આવે છે.
હવાની ગુણવત્તા સુધારવાના પ્રયાસો અને પડકારજનક વિસ્તારો
અમદાવાદમાં PM10નું પ્રમાણ વર્ષ 2024-25 દરમિયાન 103 હતું, જે વર્ષ 2025-26 દરમિયાન 102 નોંધાયું છે. શહેરનું વર્તમાન ગ્રીન કવર અંદાજે 13 ટકા છે. પીરાણા ખાતે બાયોમાઇનિંગની કામગીરી અને મિસ્ટિંગ દ્વારા સ્થાનિક સ્તરે ધૂળના પ્રમાણમાં ઘટાડો કરવામાં મદદ મળી છે. જોકે, નેશનલ હાઇવેની કામગીરી, AMCના બ્રિજ પ્રોજેક્ટ્સ, કાંકરિયા રેલવે યાર્ડ અને એસ.પી. રિંગ રોડના અપગ્રેડેશન જેવા વિકાસકાર્યોને કારણે કેટલાક વિસ્તારોમાં ધૂળ અને પ્રદૂષણ નિયંત્રણનો પડકાર રહે છે.
ખાસ કરીને શિયાળાની ઋતુમાં હવામાં રહેલા પ્રદૂષણના સૂક્ષ્મ કણો જમીનની સપાટીની નજીક રહેતા હોવાથી હવાની ગુણવત્તા પર તેની અસર વધુ જોવા મળે છે. આ વિસ્તારોમાં મોનિટરિંગ અને નિયંત્રણની કામગીરી પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે.
2026થી 2029 સુધીનું લાંબા ગાળાનું આયોજન
કોમનવેલ્થ ગેમ્સ-2030 પહેલાં અમદાવાદને સ્વચ્છ અને વધુ પર્યાવરણ-અનુકૂળ શહેર તરીકે વિકસાવવાના હેતુથી AMC દ્વારા વિવિધ વિભાગોને આવરી લેતો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ આયોજનમાં છેલ્લા પાંચ વર્ષથી AQMC સાથે કાર્યરત કન્સલ્ટન્ટ સંસ્થા ICLEI South Asiaનું માર્ગદર્શન લેવામાં આવ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રદૂષણનાંસ્ત્રોતો, તેનું પ્રમાણ, સ્થળ અને સમયની ઓળખ કરવા માટે IIT કાનપુર દ્વારા પણ અભ્યાસ હાથ ધરવામાં આવી રહ્યો છે.
ટૂંકા ગાળાનાઆયોજનમાં દરેક વોર્ડમાં વધુ હાઇપર-લોકલ સેન્સર સ્થાપિત કરવા, બાંધકામ સ્થળોએ ડસ્ટ સેન્સર લગાવવાનીવ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા અને ડિમોલિશન પોલિસીનો કડક અમલ કરાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. જ્યારે લાંબા ગાળાના આયોજન હેઠળ વર્ષ 2026થી 2029 દરમિયાન શહેરના મુખ્ય રસ્તાઓ, ઔદ્યોગિક વિસ્તારો અને પ્રદૂષણના હોટસ્પોટ વિસ્તારોમાં ધૂળમુક્ત રસ્તાઓ વિકસાવવાની કામગીરી કરવામાં આવશે.
