Ahmedabad Crime: અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસમાં અવારનવાર ઓનલાઈન ઠગાઈની ફરિયાદ નોંધાતી રહે છે. હાલમાં આવો જ વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં ફરિયાદી સાથે શેરબજારમાં રોકાણ કરવાના નામે ભેજાબાજ આરોપીએ આશરે રૂ. 17.90 લાખની છેતરપિંડી આચરી હતી. આરોપીએ યુવકને એપ્લિકેશન ડાઉનલોડ કરાવી શરુઆતમાં રૂપિયા એક લાખનું રોકાણ કરાવ્યું હતું. જે બાદ રૂપિયા 25 હજાર ઉપાડવા દીધા હતા, જેથી યુવકને આરોપી પર વિશ્વાસ બેઠો હતો. પરંતુ આ વિશ્વાસ યુવકને ભારે પડ્યો હતો.
શેરબજારમાં રોકાણના કરવાના નામે છેતરપિંડી
આ બનાવ અંગે અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસમાં પ્રતિમ દરજી નામના યુવકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીના જણાવ્યા અનુસાર તે વસ્ત્રાલમાં રહે છે, અને વડોદરાની એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ફરિયાદને એક અજાણ્યા નંબરથી વોટ્સએપમાં મેસેજ આવ્યો હતો, જેમાં શેરબજારમાં રોકાણ કરવા અંગેની વિગતો આપવામાં આવી હતી. પ્રમિત ત્યારબાદ મેસેજમાં આપેલી લિંક દ્વારા ગ્રુપમાં એડ થયો હતો. ગ્રુપમાં શેરબજાર અને સ્ટોક અંગેની માહિતી શેર કરવામાં આવતી હતી.
આ પણ વાંચો: 'હેપ્પી ન્યૂ યર'ની ગ્રીટિંગ લિંક ખોલતા પહેલાં સો વાર વિચારજો, બેંક એકાઉન્ટ કરી શકે છે સાફ
ભેજાબાજ આરોપીની મોડસ ઓપરેન્ડી
બાદમાં આ ગ્રુપના સંચાલકે ફરિયાદીને પોતે મેનેજર હોવાની ઓળખ આપી સલાહ સૂચન આપવાનું શરૂ કર્યું હતું. સૌપ્રથમ મેનેજર તરીકે ઓળખ આપનાર શખ્સે ફરિયાદને એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક મોકલી હતી. ફરિયાદીએ આ લિંક ડાઉનલોડ કર્યા બાદ તેમાં પોતાની વિગતો ઉમેરી હતી. આ ઉપરાંત મેનેજરના જણાવ્યા અનુસાર એક લાખ રૂપિયાનું રોકાણ પણ કર્યું હતું, જેની સામે નફા સહિતની રકમ બતાવતા હતા. આથી પ્રથમ રોકાણ કર્યા બાદ પ્રમિતે રૂ. 25 હજાર ઉપાડ્યા હતા.
ટુકડે ટુકડે કર્યું રૂપિયા 17.90 લાખનું રોકાણ, ગયા...
મેનેજર અને એપ્લિકેશન પર વિશ્વાસ આવ્યા બાદ પ્રમિતે થોડા થોડા કરીને આશરે રૂપિયા 17.90 લાખનું રોકાણ કર્યું હતું. જોકે, આ રોકાણ સામે પ્રમિતને કોઈપણ પ્રકારનો નફો ન મળ્યો, ન તો રોકાણ કરેલી રકમ પરત મળી. આથી અંતે ઠગાયા હોવાનું ધ્યાને આવતા પ્રતિમે સાયબર ક્રાઈમ પોલીસમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.
