Ahmedabad News: નમોત્સવ એક વ્યક્તિની નહીં પરંતુ ભારતના આત્મવિશ્વાસની યાત્રા છે: કેન્દ્રીય ગૃહ અમિત શાહ

ઘુમા ખાતે આયોજિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવનચરિત્ર પર આધારિત મેગા મ્યુઝિકલ મલ્ટિમીડિયા શૉ ‘નમોત્સવ’ કાર્યક્રમમાં જાણીતા કલાકાર સાઈરામ દવે સહિત કુલ 150 કલાકારોએ ભાગ લીધો હતો.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Sun 28 Dec 2025 10:34 PM (IST)Updated: Sun 28 Dec 2025 10:34 PM (IST)
namotsav-is-not-a-journey-of-an-individual-but-of-indias-self-confidence-union-home-minister-amit-663718

Ahmedabad News:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન, વિચાર, કાર્યસંસ્કૃતિ અને રાષ્ટ્ર પ્રત્યેના અડગ સંકલ્પને જનજન સુધી પહોંચાડવા માટે આયોજિત મેગા મ્યુઝિકલ મલ્ટિમીડિયા શૉ ‘નમોત્સવ’ માત્ર એક સાંસ્કૃતિક કાર્યક્રમ નહીં પરંતુ ભારતના આત્મવિશ્વાસ, સંકલ્પ અને સંસ્કારની યાત્રા છે એમ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યું હતું.

અમદાવાદના સંસ્કારધામ, ઘુમા ખાતે આયોજિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવનચરિત્ર પર આધારિત મેગા મ્યુઝિકલ મલ્ટિમીડિયા શૉ ‘નમોત્સવ’ કાર્યક્રમમાં જાણીતા કલાકાર સાઈરામ દવે સહિત કુલ 150 કલાકારોએ ભાગ લીધો હતો. જેને કેન્દ્રીય ગૃહ મંત્રી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રીઓ સહિત સૌ ઉપસ્થિત મહાનુભાવોએ રસપૂર્વક નિહાળ્યો હતો.

શાહે કહ્યું કે, નમોત્સવના માધ્યમથી એક એવા જીવનનું પ્રસ્તુતિકરણ થાય છે કે, જેણે માત્ર 11 વર્ષના ટૂંકા ગાળામાં 140 કરોડ ભારતીયોના મનમાં ભારત વિશ્વમાં પ્રથમ બનશે એવો દ્રઢ વિશ્વાસ સ્થાપિત કર્યો છે. આ વિશ્વાસ વિચારો, કાર્ય, આયોજન અને અડગ સંકલ્પથી જન્મે છે, અને તે ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ વ્યક્તિએ પોતાનું આખું જીવન એ વિચાર માટે સમર્પિત કર્યું હોય.

શાહે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોઈ સામાન્ય નેતા નથી, પરંતુ નિયતિને પોતાની નિયતથી ઘડનાર અસાધારણ વ્યક્તિત્વ છે. અનેક નેતાઓ પરિસ્થિતિના કારણે ઊંચાઈએ પહોંચ્યા હોય, પરંતુ નરેન્દ્ર મોદી એવા એકમાત્ર નેતા છે જેમણે નિષ્ઠા, પારદર્શિતા અને રાષ્ટ્રહિતની ભાવનાથી સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
તેમણે જણાવ્યું કે, અત્યંત ગરીબ પરિવારમાં જન્મ લઈને જીવનની શરૂઆત કરનાર નરેન્દ્ર મોદીજી આજે એવા વડાપ્રધાન છે કે જેમને વિશ્વના 29 દેશોએ પોતાના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કર્યા છે. આ સન્માન માત્ર એક વ્યક્તિનું નહીં પરંતુ 140 કરોડ ભારતીયોનું ગૌરવ છે.

શાહે જણાવ્યું કે, વડાપ્રધાન તરીકેના 11 વર્ષમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ 27 કરોડ લોકો ગરીબી રેખાથી બહાર આવ્યા, 81 કરોડ લોકોને મફત અનાજ સુરક્ષા મળી, 11 કરોડથી વધુ ગેસ કનેક્શન,
૧૫ કરોડથી વધુ શૌચાલય, 10 કરોડથી વધુ ઘરોમાં શુદ્ધ પીવાનું પાણી, 56 કરોડ લોકોને બેંકિંગ વ્યવસ્થાથી જોડાણ અને 4 કરોડથી વધુ પરિવારને પાકા મકાન મળ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, પોતાના માટે એક રૂમ પણ ન બનાવનાર વડાપ્રધાને કરોડો ગરીબોને ઘર બનાવી આપ્યા છે. આ જ નીતિ, નિયત અને નેતૃત્વનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.