Ahmedabad: ઘાટલોડિયાની ત્રિપદા સ્કૂલમાં શિક્ષકની દાદાગીરી, વ્હાઇટનરના અવાજ મુદ્દે વિદ્યાર્થીના વાળ પકડી લાફા ઝીંક્યા

ઘટનાની જાણ થતા જ મોટી સંખ્યામાં વાલીઓ શાળાએ પહોંચી ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Wed 31 Dec 2025 12:34 PM (IST)Updated: Wed 31 Dec 2025 12:36 PM (IST)
teacher-beats-up-student-at-tripada-school-in-ghatlodia-ahmedabad-665274

Tripada School News: અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી ત્રિપદા ઇન્ટરનેશનલ સ્કૂલમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થી પર શારીરિક હુમલો કરવાની શરમજનક ઘટના સામે આવી છે. ધોરણ-9માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને વ્હાઇટનરમાંથી અવાજ આવવા જેવી સામાન્ય બાબતે અંગ્રેજી માધ્યમના શિક્ષક નિશાનંદ પાત્રાએ નિર્દયતાપૂર્વક માર માર્યો હતો.

ઓપરેશન કરાવેલી આંખ પાસે જ માર્યા લાફા

વિદ્યાર્થીના જણાવ્યા અનુસાર, ક્લાસરૂમમાં વ્હાઇટનરનો અવાજ આવતા જ શિક્ષક રોષે ભરાયા હતા. તેમણે વિદ્યાર્થીને સાઇડમાં બોલાવી, તેના ચશ્મા ઉતરાવ્યા બાદ વાળ પકડીને મોઢા પર ધડાધડ ત્રણ લાફા ઝીંકી દીધા હતા. ચોંકાવનારી બાબત એ છે કે વિદ્યાર્થીએ થોડા મહિના પહેલા જ તેની આંખનું ઓપરેશન કરાવ્યું હતું. જે બાજુ ઓપરેશન થયું હતું તે જ ગાલ પર શિક્ષકે જોરથી ફટકારતા વિદ્યાર્થીની હાલત કફોડી બની હતી. વિદ્યાર્થીએ જ્યારે પ્રિન્સિપાલને ફરિયાદ કરી ત્યારે પણ શિક્ષક હસતા હોવાનો આક્ષેપ વાલીઓએ કર્યો છે.

CCTV તપાસ્યા બાદ શિક્ષક સસ્પેન્ડ

ઘટનાની જાણ થતા જ મોટી સંખ્યામાં વાલીઓ શાળાએ પહોંચી ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો. શાળા સંચાલક અર્ચીત ભટ્ટે જણાવ્યું કે, વાલીઓની હાજરીમાં CCTV ફૂટેજની ચકાસણી કરવામાં આવી હતી. ફૂટેજમાં શિક્ષકની ક્રૂરતા સ્પષ્ટ દેખાતી હોવાથી, 52 વર્ષીય સિનિયર શિક્ષક નિશાનંદ પાત્રાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સંચાલકોએ કબૂલ્યું કે ગમે તેવી સ્થિતિમાં બાળક પર હાથ ઉપાડવો યોગ્ય નથી.

વાલીઓની મક્કમ માંગ

શિક્ષકને સસ્પેન્ડ કર્યા બાદ પણ વાલીઓનો રોષ શાંત થયો નહોતો. વાલીઓએ આક્ષેપ કર્યો હતો કે શાળા પ્રશાસન અંદરખાને બધું નક્કી કરી લે છે. જો વિદ્યાર્થીની આંખને નુકસાન થયું હોત તો જવાબદારી કોણ લેત? વાલીઓએ મક્કમ માંગ કરી છે કે શિક્ષકે જાહેરમાં વિદ્યાર્થીની માફી માંગવી જોઈએ જેથી અન્ય કોઈ શિક્ષક ભવિષ્યમાં આવી હિંમત ન કરે. એવું પણ બહાર આવ્યું છે કે આ શિક્ષક અગાઉની સ્કૂલમાંથી પણ આવા જ વર્તનને કારણે અહીં આવ્યા હતા. હાલમાં આ ઘટનાને પગલે વાલીઓમાં શાળામાં બાળકોની સુરક્ષાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે.

બાળકને માર મારવા અંગેના નિયમો જોગવાઈ

1) શિક્ષણનો અધિકાર અધિનિયમ (RTE Act, 2009)

કલમ 17 શારીરિક અને માનસિક સજા પર પ્રતિબંધ : RTE એક્ટની કલમ 17(1) મુજબ, કોઈપણ બાળકને શારીરિક સજા અથવા માનસિક અત્યાચાર કરી શકાશે નહીં.

શિસ્તભંગના પગલાંઃ જો કોઈ શિક્ષક આ નિયમનું ઉલ્લંઘન કરે, તો કલમ 17(2) હેઠળ તેમની સામે ખાતાકીય તપાસ અને શિસ્તભંગના કડક પગલાં લેવાની જોગવાઈ છે.

2) જુવેનાઇલ જસ્ટિસ એક્ટ (JJ Act), 2015

ક્રૂરતા સામે સજા : આ કાયદાની કલમ 75 મુજબ, જો કોઈ વ્યક્તિ (શિક્ષક કે વાલી) બાળકની સંભાળમાં હોવા છતાં તેની સાથે ક્રૂરતા કરે કે તેને માર મારે તો તેને 3વર્ષ સુધીની જેલ અથવા 1 લાખ રૂપિયા સુધીનો દંડ અથવા બંને થઈ શકે છે.

3) ભારતીય ન્યાય સંહિતા (BNS)

જો માર મારવાથી બાળકને ઈજા પહોંચે તો પોલીસ દ્વારા BNS (અગાઉની IPC કલમ 323 અને 352) હેઠળ ગુનો નોંધી શકાય છે. ગંભીર ઈજાના કિસ્સામાં ધરપકડ પણ થઈ શકે છે,