New Year 2026 Scam Alert: 'હેપ્પી ન્યૂ યર'ની ગ્રીટિંગ લિંક ખોલતા પહેલાં સો વાર વિચારજો, એક ક્લિક તમારુ બેંક એકાઉન્ટ કરી શકે છે સાફ

નવા વર્ષની ખુશીઓમાં સાવધાની રાખવી જરૂરી છે, કારણ કે તમારી એક નાની ભૂલ સાયબર ગઠિયાઓ માટે તક બની શકે છે. કોઈપણ છેતરપિંડીના કિસ્સામાં તુરંત સાયબર હેલ્પલાઈન નંબર 1930 પર સંપર્ક કરવો.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Wed 31 Dec 2025 12:53 PM (IST)Updated: Wed 31 Dec 2025 12:53 PM (IST)
new-year-greeting-link-scam-2026-on-whatsapp-facebook-and-instagram-665286

New Year 2026 Scam Alert: 31મી ડિસેમ્બર અને નવા વર્ષના પ્રારંભે જ્યારે આખું વિશ્વ એકબીજાને શુભકામનાઓ પાઠવવામાં મગ્ન હોય છે, ત્યારે સાયબર ગુનેગારોએ છેતરપિંડીનો નવો કીમિયો અજમાવ્યો છે. વોટ્સએપ અને સોશિયલ મીડિયા પર ફરતી "તમારા નામે ગ્રીટિંગ કાર્ડ મોકલવા માટે અહીં ક્લિક કરો" જેવી લિંક તમારા જીવનભરની મૂડી સાફ કરી શકે છે. સાયબર ક્રાઈમ વિભાગે લોકોને આવી શંકાસ્પદ લિંક્સ અને એપીકે (APK) ફાઈલોથી દૂર રહેવા કડક અપીલ કરી છે.

APK ફાઈલ: સાયબર ગઠિયાઓનું હથિયાર

સાયબર અધિકારીઓના જણાવ્યા મુજબ, ગઠિયાઓ મેસેજમાં એક લિંક મોકલે છે, જેના પર ક્લિક કરવાથી યુઝરના ફોનમાં અજાણતા જ એક એપીકે ફાઈલ ડાઉનલોડ થઈ જાય છે. એકવાર આ ફાઈલ ઇન્સ્ટોલ થઈ જાય એટલે તમારા ફોનનો સંપૂર્ણ કંટ્રોલ સાયબર ગુનેગારો પાસે પહોંચી જાય છે. આ વાયરસ યુઝરના બેંકિંગ પાસવર્ડ, ઓટીપી (OTP) અને ખાનગી ડેટાની ચોરી કરીને પળવારમાં બેંક એકાઉન્ટ ખાલી કરી દે છે.

શું કરવું અને શું ન કરવું?

સાયબર ક્રાઈમ વિભાગે નાગરિકોની સુરક્ષા માટે નીચે મુજબની માર્ગદર્શિકા જાહેર કરી છે:

  • સુરક્ષિત મેસેજ: નવા વર્ષ માટે માત્ર ટેક્સ્ટ મેસેજ, સાદી ઈમેજ (ફોટો) કે ડાયરેક્ટ વીડિયો જ ખોલવા.
  • અજાણી લિંક ટાળો: ગ્રીટિંગ કાર્ડ બનાવવા કે 'તમારું નસીબ જુઓ' જેવી આકર્ષક લિંક્સ પર ક્લિક કરવું નહીં.
  • APK ફાઈલથી દૂર રહો: વોટ્સએપ પર કોઈ અજાણી વ્યક્તિ કે ગ્રુપમાંથી આવતી ફાઈલ ક્યારેય ઇન્સ્ટોલ કે ડાઉનલોડ કરવી નહીં.

ભૂલથી લિંક ક્લિક થઈ જાય તો શું કરવું?

જો તમે ભૂલથી કોઈ આવી ફાઈલ ડાઉનલોડ કે ઇન્સ્ટોલ કરી દીધી હોય, તો ગભરાવાને બદલે તાત્કાલિક નીચેના પગલાં ભરો:

  • 1). ફોનને તુરંત જ એરોપ્લેન મોડ (Airplane Mode) માં મૂકી દો. તેનાથી ફોનનું ઇન્ટરનેટ અને નેટવર્ક કનેક્શન કપાઈ જશે, જેથી ડેટા ચોરી અટકી જશે.
  • 2). ફોનમાંથી આવતા અને જતા મેસેજ બંધ થઈ જવાથી સાયબર ગઠિયાઓ ઓટીપી વાંચી શકશે નહીં.
  • 3). ત્યારબાદ જાણકાર ટેકનિશિયનની મદદ લઈ ફોનને ફોર્મેટ કરાવવો અથવા તે ફાઈલ ડિલીટ કરવી.

નવા વર્ષની ખુશીઓમાં સાવધાની રાખવી જરૂરી છે, કારણ કે તમારી એક નાની ભૂલ સાયબર ગઠિયાઓ માટે તક બની શકે છે. કોઈપણ છેતરપિંડીના કિસ્સામાં તુરંત સાયબર હેલ્પલાઈન નંબર 1930 પર સંપર્ક કરવો.