Ahmedabad News: શહેરના ખોખરા વિસ્તારમાં બંધ ફ્લેટમાં વૃદ્ધ મહિલાની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે ફ્લેટમાં તપાસ કરતાં બેગની અંદર લાશ છૂપાવેલી મળી આવી હતી. આ સમગ્ર મામલે FSLની મદદ લેવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ખોખરા કિશ્ચિયન સોસાયટી નજીકના જીવનરક્ષા એપાર્ટમેન્ટના બીજા માળના બંધ ફ્લેટમાંથી તીવ્ર દુર્ગંધ આવતી હતી. આથી આસપાસના રહીશોએ શંકાના આધારે પોલીસને જાણ કરી હતી. જેના પગલે ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ફ્લેટનો દરવાજો ખોલીને અંદર તપાસ કરતાં બેગમાં ઠાંસી-ઠાંસીને ભરેલી હાલતમાં વૃદ્ધ મહિલાની લાશ મળી આવી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મહિલાની ઓળખ પ્રજાપિતા બ્રહ્માકુમારી સંસ્થા સાથે સંકળાયેલા લક્ષ્મીબેન ડાભી (60) તરીકે થઈ છે, જેમણે ખિસ્તી વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા. લક્ષ્મીબેનની હત્યા કર્યાં બાદ તેમની લાશને બેગમાં સંતાડી દેવામાં આવી હોવાની શક્યતા છે.
હાલ તો ખોખરા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને FSLની મદદ લીધી છે. જે બાદ FSLની ટીમે સ્થળ પર પહોંચીને ફિંગર પ્રિન્ટ સહિતના પુરાવા એકત્રિત કરવાની કામગીરી હાથ ધરી છે.
