અમદાવાદમાં ગરબાના નકલી પાસ વેચનારી ગેંગનો પર્દાફાશ, ગઠિયાઓએ પોલીસની સામે જ ChatGptની મદદથી ડુપ્લિકેટ પાસ બનાવી બતાવ્યા

અમદાવાદ સાયબર ક્રાઈમે ગરબાના નકલી પાસ વેચવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. રાજસ્થાનના બે આરોપીઓએ AIની મદદથી બોગસ પાસ બનાવી 8 લાખ રૂપિયાની કમાણી કરી હતી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Mon, 19 Oct 2026 06:32 PM (IST)Updated: Mon, 19 Oct 2026 06:32 PM (IST)
ahmedabad-news-fake-garba-pass-fraud-accused-uses-ai-to-replicate-garba-passes-in-front-of-police

Ahmedabad Garba Pass Scam: અમદાવાદ સાયબર ક્રાઈમની ટીમે શહેરના વિવિધ સ્થળોએ આયોજિત જાણીતા અને પ્રતિષ્ઠિત ગરબા મહોત્સવના ડુપ્લિકેટ પાસ વેચવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ મામલે રાજસ્થાનથી બે શખ્સોની ધરપકડ કરી છે. આ બન્ને આરોપીઓ ગરબે ઘુમવા માટે ગમે તે કિંમતે પાસ ખરીદવા માંગતા ખેલૈયાઓને AIની મદદથી બોગસ પાસ બનાવીને ઓનલાઈન વેચતા હતા.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, અમદાવાદમાં આયોજિત જાણીતા ગરબા આયોજનોના પાસ 'વીર રાજપૂત' નામના ઈન્સ્ટાગ્રામ આઈડી પર ડિસ્કાઉન્ટમાં વેચવામાં આવી રહ્યા હોવાની સાયબર ક્રાઈમને ફરિયાદ મળી હતી. જેમાં આ આઈડી પરથી ડિસ્કાઉન્ટ પર પાસ ખરીદીને રૂપિયા ગુમાવ્યાની ફરિયાદ બાદ સાયબર ક્રાઈમે તપાસ હાથ ધરતાં સમગ્ર કૌભાંડનું પગેરું રાજસ્થાન સુધી પહોંચ્યું હતુ.

આ મામલે સાયબર ક્રાઈમની ટીમે રાજસ્થાનથી વિરેન્દ્રસિંહ રાજપૂત (ઉં.વ.21, રહે. બાલાજીનગર, જોધપુર) અને કિશનસિંહ રાઠોડ (ઉં.વ. 22, રહે.ખેરાબગોડિયા ગામ, ફલોદી)ને ઝડપી પાડ્યા હતા. આ બન્ને ગઠિયાઓ વીર રાજપૂત નામના ઈન્સ્ટાગ્રામ આઈડીને ઑપરેટ કરતા હતા.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, આ બન્ને ગઠિયાઓએ AIની મદદથી બનાવેલા અમદાવાદમાં આયોજિત ઑફ બીટ, વનરાત્રી, રંગ મોરલો, સફેદ પરિંદે સહિત 20થી વધુ ગરબા આયોજનના 640 જેટલા ડુપ્લિકેટ પાસ ખેલૈયાઓને પધરાવીને 8 લાખ રૂપિયાની કમાણી કરી લીધી હતી. આટલું જ નહીં, પોલીસની હાજરીમાં જ આરોપીઓએ ChatGptની મદદથી મિનિટોમાં જ ડુપ્લિકેટ પાસ બનાવી આપ્યા હતા.