Vadodara Dussehra Fafda Jalebi Price: માં શક્તિની આરાધનાના મહાપર્વ નવરાત્રીના અંતિમ નોરતા સાથે જ હવે નગરજનો વિજયાદશમી (દશેરા)ના પવિત્ર તહેવારની ઉજવણી માટે સજ્જ બન્યા છે. અસત્ય પર સત્યના વિજયના પ્રતિકરૂપે ઠેરઠેર રાવણ દહનના કાર્યક્રમો યોજાશે. જો કે ગુજરાતીઓ માટે દશેરાની ઉજવણી ફાફડા અને જલેબીની જયાફત વગર અધૂરી ગણાય છે. આ વર્ષે મોંઘવારીનો પારો ગગને આંબ્યો હોવા છતાં સ્વાદરસિકોના ઉત્સાહમાં જરાય ઓટ આવી નથી.
આ વર્ષે કાચા માલના ભાવમાં થયેલા વધારાને કારણે દશેરાની મિજબાની ખાસ્સી મોંઘી સાબિત થશે. વેપારીઓ દ્વારા ફાફડા અને જલેબીના ભાવમાં પ્રતિ કિલો રૂ. 100 સુધીનો ધરખમ વધારો ઝીંકવામાં આવ્યો છે.
ગત વર્ષે રૂ. 800 થી રૂ. 860 પ્રતિ કિલો વેચાતા પ્રીમિયમ ફાફડાનો ભાવ આ વર્ષે રૂ. 900 પર પહોંચ્યો છે. જ્યારે શુદ્ધ દેશી ઘીની કેસરી જલેબી રૂ. 900થી વધીને રૂ. 1000 પ્રતિ કિલો થઈ ગઈ છે. આ સિવાય સામાન્ય તેલ કે વનસ્પતિ ઘીની જલેબીમાં પણ કિલોએ રૂ. 50 થી રૂ. 70નો વધારો નોંધાયો છે.
ફરસાણ એસોસિએશનના જણાવ્યા અનુસાર, ચણાની દાળ, બેસન, સિંગતેલ, કપાસિયા તેલ તેમજ શુદ્ધ દેશી ઘીના જથ્થાબંધ ભાવોમાં તીવ્ર ઉછાળો આવ્યો છે. સાથોસાથ કારીગરોની મજૂરી, કમર્શિયલ ગેસ સિલિન્ડર અને પેકિંગ મટિરિયલનો ખર્ચ વધતાં ભાવવધારો કરવો વેપારીઓ માટે મજબૂરી બની ગયું છે.
ચોંકાવનારી બાબત એ છે કે, આટલા ઊંચા ભાવો છતાં વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં ફરસાણની દુકાનો પર લોકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. દશેરાના દિવસે વહેલી સવારે લાંબી કતારો અને ભીડથી બચવા માટે સ્વાદપ્રેમીઓએ 2 થી 3 દિવસ અગાઉથી જ એડવાન્સ ટોકન અને પ્રી-બુકિંગ કરાવી લીધું છે.
ચાલુ વર્ષે પણ કરોડો રૂપિયાના ફાફડા-જલેબીનું વેચાણ થાય તેવી શક્યતા છે. શહેરમાં માગને પહોંચી વળવા મુખ્ય દુકાનો ઉપરાંત ઠેરઠેર વિશેષ મંડપો અને હજારો કામચલાઉ સ્ટોલ ઉભા કરી દેવાયા છે. ભાવ ભલે ગમે તેટલા વધે, પણ દશેરાએ ફાફડા-જલેબી આરોગવાની પરંપરા જાળવી રાખવા ગુજરાતીઓ મક્કમ દેખાઈ રહ્યા છે.
વડોદરામાં દશેરા પહેલા આરોગ્ય વિભાગનું ચેકિંગ, રિપોર્ટ 14 દિવસે આવશે
દશેરાના તહેવારને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અચાનક જાગીને શહેરમાં ફરસાણની દુકાનો પર વ્યાપક ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
આ ઝુંબેશ અંતર્ગત આરોગ્ય વિભાગની ટીમે વડોદરાના પ્રખ્યાત લહેરીપુરા દરવાજા પાસે આવેલી 'તૃપ્તિ રિફ્રેશમેન્ટ' નામની ફરસાણની દુકાન પર ખાસ તપાસ હાથ ધરી હતી. જ્યાંથી દશેરાના મુખ્ય ખાદ્ય પદાર્થ એવા ફાફડા અને જલેબીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. અધિકારીઓએ આ સેમ્પલોને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલી આપ્યા છે.
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, લેવાયેલા સેમ્પલનો લેબોરેટરી રિપોર્ટ આવવામાં ઓછામાં ઓછા 14 દિવસનો સમય લાગશે. આ વાતને લઈને હવે જનતા અને બુદ્ધિજીવીઓમાં તીવ્ર રોષ અને સવાલો ઉઠી રહ્યા છે.
વડોદરામાં દશેરાના દિવસે કરોડો રૂપિયાનો જલેબી અને ફાફડાનો વેપાર થાય છે. દશેરાના માત્ર એક જ દિવસ પહેલા હાથ ધરાયેલા આ ચેકિંગથી શો ફાયદો? કારણ કે 14 દિવસ પછી જ્યારે રિપોર્ટ આવશે, ત્યાં સુધીમાં તો હજારો લોકો આ જલેબી-ફાફડા આરોગી પણ ચૂક્યા હશે.
