વડોદરામાં દશેરાની ભવ્ય ઉજવણીનું આયોજનઃ પોલો ગ્રાઉન્ડ ખાતે 55 ફૂટ ઊંચા રાવણનું દહન થશે, આગ્રાના કારીગરોએ આપ્યો 'રૉયલ લુક'

વડોદરા દશેરાની ભવ્ય ઉજવણી માટે સજ્જ છે, જ્યાં પોલો ગ્રાઉન્ડ ખાતે 55 ફૂટ ઊંચા 'રોયલ લુક' રાવણ સહિત કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાંનું દહન કરાશે. આગ્રાના કારીગરો દ્વારા તૈયાર કરાયેલા આ પૂતળાંમાં ₹1 લાખના ફટાકડા ભરીને અસત્ય પર સત્યના વિજયની ઉજવણી કરાશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Mon, 19 Oct 2026 04:57 PM (IST)Updated: Mon, 19 Oct 2026 04:57 PM (IST)
vadodara-polo-ground-ravan-dahan-55-foot-effigy-prepared-by-agra-artisans-for-vijayadashami

Vadodara Ravan Dahan: અસત્ય પર સત્યના વિજયના મહાપર્વ દશેરાની ઉજવણી માટે વડોદરા સંપૂર્ણપણે સજ્જ થઈ ગઈ છે. આવતીકાલે મંગળવારે વિજયાદશમીના પાવન અવસરે શહેરના ઐતિહાસિક પોલોગ્રાઉન્ડ ખાતે રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના વિશાળ પૂતળાંનું દહન કરવામાં આવશે. પરંપરાગત ઉત્સાહ અને દબદબા સાથે યોજાનારા આ કાર્યક્રમને લઈને વડોદરાવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ઉત્તર ભારત સાંસ્કૃતિક સંઘ દ્વારા આ ભવ્ય પૂતળાઓના નિર્માણ માટે ખાસ ઉત્તર પ્રદેશના આગ્રાથી 22 કુશળ કારીગરોની ટીમને વડોદરામાં આમંત્રિત કરવામાં આવી હતી.

આ કલાકારોએ દિવસ-રાત એક કરીને માત્ર 3 દિવસની અંદર વાંસ, લાકડી, રસ્સી અને કાગળનો ઉપયોગ કરીને આ સમગ્ર રાવણ પરિવાર આકારબદ્ધ કર્યો છે. હાલમાં આ પૂતળાંના ધડ, માથાં અને પગ મકરપુરા GIDC સ્થિત એક કંપનીમાં સુરક્ષિત રખાયા છે, જેને ટ્રેલર મારફતે પોલોગ્રાઉન્ડ ખાતે લાવીને આખરી ઓપ અપાશે.

રાવણ મેળવશે ‘રોયલ લુક’, 1 લાખના ફટાકડાનું આકર્ષણ

આ વર્ષના આયોજનમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર ૫૫ ફૂટ ઊંચાઈ ધરાવતું રાવણનું પૂતળું રહેશે, જેને ખાસ 'રોયલ લુક' આપવામાં આવ્યો છે. જ્યારે કુંભકર્ણ ૫૨ ફૂટ અને મેઘનાદ ૫૧ ફૂટના તૈયાર કરાયા છે. ગત વર્ષની સરખામણીએ આ બંને પૂતળાંની ઊંચાઈમાં એક-એક ફૂટનો ઘટાડો કરાયો છે.

ઉત્તર ભારત સાંસ્કૃતિક સંઘના પ્રમુખ એ.કે. મિશ્રાના જણાવ્યા અનુસાર, દહનને આકર્ષક અને વિસ્ફોટક બનાવવા ત્રણેય પૂતળાંમાં કુલ રૂ. 1 લાખના ફટાકડા ભરવામાં આવશે. જેમાંથી મુખ્ય પાત્ર રાવણમાં રૂ. 40 હજાર તથા કુંભકર્ણ અને મેઘનાદમાં રૂ. 30-30 હજારના ફટાકડા ગોઠવાશે.

દહન પ્રક્રિયા ઝડપી અને સુરક્ષિત રીતે થાય તે માટે ફટાકડાની સાથે શુદ્ધ ઘી અને કપૂરનો પણ ઉપયોગ કરાશે. દશેરાના દિવસે આગ્રાથી વધુ 5 થી 6 કારીગરો આવીને આખરી ઓપ આપશે અને સાંજે સંધ્યાકાળે હજારો નગરજનોની હાજરીમાં આ ભવ્ય દહન ઉત્સવ સંપન્ન થશે.