Ahmedabad Airport Drugs Seizure: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વિયેતનામથી આવેલા મુસાફર પાસેથી 2 કિલો 117 ગ્રામનો ગાંજો ઝડપાયો છે. આ મામલે કસ્ટમ વિભાગ દ્વારા મુસાફર ઉપરાંત ગાંજાનો જથ્થો લેવા આવનાર રિસીવર સહિત બે જણાની ધરપકડ કરવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના એર એન્ટેલિજન્સ યુનિટ (AIU) દ્વારા શંકાસ્પદ યાત્રીઓની હીલચાલ પર નજર રાખવામાં આવી રહી હતી. આ દરમિયાન વિયેતનામના હો ચી મિન્હથી ફ્લાઈટમાં અમદાવાદ એરપોર્ટ પર ઉતરેલા મુસાફરની હિલચાલ શંકાસ્પદ જણાતા કસ્ટમ વિભાગના અધિકારીઓએ તેને અટકાવીને પૂછપરછ કરી હતી.
આ મુસાફરના લગેજની તલાસી લેતા કાળા રંગની હેન્ડ બેગમાં વેક્યુમ સીલ કરેલા 7 પેકેટમાં લીલા રંગનો શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો હતો. જેથી FSLની ટીમને જાણ કરવામાં આવી હતી. FSLની તપાસમાં શંકાસ્પદ 2.117 કિગ્રા પદાર્થ હાડ્રોપોનિક ગાંજો (આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રૂ. 2 કરોડથી વધુ) હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
આ મુસાફરની પુછપરછ બાદ એરપોર્ટ પર ગાંજાનો જથ્થો લેવા આવનાર રિસીવરને પણ ઝડપી પાડવામાં આવ્યો હતો. હાલ તો NDPS એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરીને બન્ને ઈસમોની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
