Rajkot: ભંગારના ડેલામાં હિટના ખાલી ડબ્બા પ્રેસ કરતી વખતે આગ ભભૂકતા અફરાતફરી, 3 શ્રમિકો દાઝ્યા

રાજકોટના કોઠારીયા વિસ્તારમાં આવેલા 'હૈમાય સ્ટીલ' ભંગારના ડેલામાં હિટ સ્પ્રેના ખાલી ડબ્બા પ્રેસ કરતી વખતે ભીષણ આગ લાગી. આ દુર્ઘટનામાં ત્રણ શ્રમિકો દાઝી ગયા હતા, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 18 Oct 2026 10:39 PM (IST)Updated: Sun, 18 Oct 2026 10:39 PM (IST)
rajkot-news-3-workers-injured-as-fire-breaks-out-pressing-empty-hit-cans-in-scrap-yard

Rajkot: શહેરના કોઠારીયા વિસ્તારમાં આવેલા રોલેક્સ રોડ પર સાંઈબાબા સર્કલ નજીક 'હૈમાય સ્ટીલ' નામના ભંગારના ડેલામાં રવિવારે સાંજે અચાનક ભીષણ આગ ભડકી ઊઠી હતી. આ દુર્ઘટનામાં ત્રણ શ્રમિકો દાઝી જતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ફાયર વિભાગની ત્વરિત કામગીરીને પગલે આશરે રૂ. 7 લાખની કિંમતનો માલસામાન બચાવી લેવાયો હતો.

આ અંગે પ્રાપ્ત વિગત મુજબ, રવિવારે સાંજે આશરે 4:34 વાગ્યે નાના મવા ફાયર કંટ્રોલ રૂમ મારફતે કોઠારીયા ફાયર સ્ટેશનને હૈમાય સ્ટીલના ભંગારના ડેલામાં આગ લાગી હોવાની જાણ કરવામાં આવી હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને કોઠારીયા ફાયર સ્ટેશનની ટીમ ફાયર વોટર ટેન્ડર સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

National Supercross Championship: વડોદરાના ટેક્નિકલ ટ્રેક પર દેશભરના રાઇડર્સનો જમાવડો, 9 વર્ષની રિદાના દિલધડક સ્ટંટ જોઈ દર્શકો દંગ, જુઓ VIDEO

ડેલાના માલિકના જણાવ્યા અનુસાર, ભંગારમાં આવેલા મચ્છર અને વંદા મારવાની 'હિટ' સ્પ્રેના ખાલી ડબ્બાઓને સ્ક્રેપિંગ મશીનમાં પ્રેસ કરવામાં આવી રહ્યા હતા. તે દરમિયાન ડબ્બામાં રહેલા ગેસ કે કેમિકલના અવશેષોની પ્રતિક્રિયાના કારણે અચાનક આગ ભભૂકી ઊઠી હતી. આગે જોતજોતામાં સ્ક્રેપ મશીન, ભંગારના જથ્થા અને ઇલેક્ટ્રિક વાયરિંગને ઝપેટમાં લીધા હતા.

આ દુર્ઘટનામાં કામ કરી રહેલા ત્રણ શ્રમિકો મંગેશભાઈ તિલકરામ (18), જગતભાઈ રામકુબેર (38) અને પ્રદીપભાઈ રામકુબેર (18) દાઝી ગયા હતા. ઉત્તર પ્રદેશના વતની એવા આ ત્રણેય યુવકોને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.