Vadodara News: વડોદરા ખાતે યોજાયેલી પ્રતિષ્ઠિત 'MRF મોગ્રિપ-FMSCI નેશનલ સુપરક્રોસ ચેમ્પિયનશિપ 2026'ના (National Supercross Championship) ચોથા રાઉન્ડે રેસિંગ શોખીનોમાં ભારે ઉત્તેજના વ્યાપી દીધી હતી. ગોડસ્પીડ રેસિંગ અને બરોડા ઓટોમોબાઇલ રાઇડર્સના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ રાષ્ટ્રીય કક્ષાની ઑફ-રોડ બાઇક રેસિંગમાં દેશભરમાંથી આવેલા 120થી વધુ સાહસિક રાઇડર્સે પોતાના અદભુત કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું.
9 જુદી-જુદી કેટેગરીમાં યોજાયેલી આ સ્પર્ધામાં સૌથી મોટું આકર્ષણ 9 વર્ષની નાની વયની બાઇકર રિદા સૈયદ રહી હતી, જેણે ટ્રેક પર પોતાના હેરતઅંગ્રેજ જમ્પ અને સ્ટંટથી દર્શકોને દંગ કરી દીધા હતા.
Ahmedabad: અમરાઈવાડીમાં જૂની અદાવતમાં યુવકની હત્યા, ગરબા ચોકમાં છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી ઢાળી દીધો
માત્ર 5 વર્ષની ઉંમરથી બાઇકિંગનો શોખ ધરાવતી રિદાએ જણાવ્યું કે, પોતાના ભાઈથી પ્રેરિત થઈને તેણે રાઇડિંગની શરૂઆત કરી હતી. પિતાએ ખરીદી આપેલી Yamaha PW80થી શરૂ કરીને આજે તે KTM 50 બાઇક પર 8થી 11 વર્ષની જુનિયર વયજૂથ કેટેગરીમાં નિડરતાથી સ્પર્ધા કરી રહી છે.
આ રેસ માટે વડોદરામાં ખાસ 800 મીટર લાંબો પડકારજનક ટેક્નિકલ ટ્રેક તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં 15 ડબલ જમ્પ્સ, બે ટેબલટોપ્સ અને વૂપ-ડી-ડૂઝ જેવા કઠિન અવરોધો પાર કરતી વખતે રાઇડર્સ વચ્ચે તીવ્ર સ્પર્ધા જોવા મળી હતી.
ગુજરાતના સ્થાનિક બાઇકર્સ માટે યોજાયેલી ‘લોકલ્સ ક્લાસ’માં પણ ભારે રોમાંચ જોવા મળ્યો હતો. તદ્ઉપરાંત, ફાસ્ટેસ્ટ રાઇડર્સ માટેની SX-1 કેટેગરી અને ઇન્ડિયન એક્સપર્ટ ક્લાસે પણ લોકોના દિલ જીતી લીધા હતા.
ગોડસ્પીડના પ્રમુખ અને સાત વખતના નેશનલ ચેમ્પિયન શ્યામ કોઠારી તેમજ આયોજક સુનિલ નિગમે વડોદરાના ખેલપ્રેમીઓનો આભાર માનતા જણાવ્યું હતું કે, અહીંના દર્શકોમાં મોટર સ્પોર્ટ્સ પ્રત્યેનો ક્રેઝ અદ્ભુત છે. સમગ્ર વર્ષ દરમિયાન અલગ-અલગ રાઉન્ડમાં વિજેતા બનેલા રાઇડર્સને પોઇન્ટ્સના આધારે નેશનલ ચેમ્પિયન જાહેર કરવામાં આવે છે.
24મી આવૃત્તિના આ સફળ આયોજન બાદ હવે આ સ્પર્ધાનો આગામી પાંચમો રાઉન્ડ 24 અને 25 ઓક્ટોબરે નાસિક ખાતે યોજાશે, જ્યારે ગ્રાન્ડ ફિનાલે કોલ્હાપુરમાં યોજાવાનું આયોજન છે.
